<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

ભગતસિંહ ગાર્ડન નજીક જર્જરીત ક્‍વાર્ટરો મુદ્દે હોબાળોઃ મનપા નળ-વીજ કનેક્‍શન કાપવા પહોંચતા રહેવાસીઓનો વિરોધ

૭૯૨ હાઉસિંગ ક્‍વાર્ટરોને અગાઉ નોટિસ અપાઈ હતી; સલામતી અંગે સોગંદનામું આપનારના કનેક્‍શન નહીં કાપવાની મેયરની ખાત્રી બાદ કાર્યવાહી હાલ સ્‍થગિત

રાજકોટ ,તા.૨૨: શહેરના  યુનિવર્સિટી રોડના ભગતસિંહ ગાર્ડન નજીક આવેલા હાઉસિંગ બોર્ડના જર્જરીત ૭૯૨ ક્‍વાર્ટરોને લઈને સોમવારે તંગદિલીભર્યો માહોલ સર્જાયો હતો. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પખવાડિયા અગાઉ જર્જરીત અને જોખમી હાલતમાં આવેલા ક્‍વાર્ટરો ખાલી કરવા તેમજ જરૂરી કાર્યવાહી અંગે નોટિસ આપવામાં આવી હતી. નોટિસના અનુસંધાને મનપાની ટીમ નળ અને વીજ કનેક્‍શન કાપવા તેમજ અત્‍યંત જોખમી ભાગોને દૂર કરવા માટે સ્‍થળ પર પહોંચી હતી.

મનપાની કાર્યવાહી શરૂ થતાં જ સ્‍થાનિક રહેવાસીઓએ વિરોધ નોંધાવ્‍યો હતો. આ દરમિયાન એક વળદ્ધ વ્‍યક્‍તિ વિરોધ સ્‍વરૂપે ખાડામાં સૂઈ જતા ઘટનાસ્‍થળે થોડો સમય માટે તણાવપૂર્ણ સ્‍થિતિ સર્જાઈ હતી. રહેવાસીઓએ દાવો કર્યો હતો કે વર્ષોથી તેઓ આ ક્‍વાર્ટરોમાં વસવાટ કરે છે અને વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા વિના કનેક્‍શન કાપવાની કાર્યવાહી યોગ્‍ય નથી.

વિરોધ વધતા મોટી સંખ્‍યામાં રહેવાસીઓ રાજકોટ મહાનગરપાલિકાની મુખ્‍ય કચેરીએ પહોંચ્‍યા હતા અને મેયર સહિતના પદાધિકારીઓ સમક્ષ પોતાની રજૂઆત કરી હતી. રહેવાસીઓએ ક્‍વાર્ટરોની હાલત અંગે ચિંતા વ્‍યક્‍ત કરતાં તાત્‍કાલિક રાહતની માંગ કરી હતી.

મનપા દ્વારા જોખમી જાહેર કરાયેલા એક જર્જરીત સ્‍લેબને સલામતીના હેતુસર તોડી પાડવામાં આવ્‍યો હતો. જોકે ત્‍યારબાદ રહેવાસીઓ અને મનપા વચ્‍ચે થયેલી ચર્ચા બાદ હાલની કાર્યવાહી સ્‍થગિત રાખવામાં આવી છે. મેયરે રહેવાસીઓને ખાતરી આપી હતી કે જે લોકો પોતાના જોખમે ક્‍વાર્ટરમાં રહેવા અંગે સલામતીનું સોગંદનામું રજૂ કરશે, તેમના નળ અને વીજ કનેક્‍શન તાત્‍કાલિક કાપવામાં નહીં આવે.

મેયરની ખાતરી બાદ રહેવાસીઓમાં રાહતની લાગણી જોવા મળી હતી. જોકે જર્જરીત ઇમારતોની સલામતી અને ભવિષ્‍યમાં કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે મનપા દ્વારા આગળની કાર્યવાહી અંગે વિચારણા ચાલુ હોવાનું જાણવા મળ્‍યું છે. હાલ માટે ક્‍વાર્ટરો ખાતે મનપાની કામગીરી સ્‍થગિત રાખવામાં આવી છે અને આગામી નિર્ણય ચર્ચા બાદ લેવામાં આવશે. 

(તસ્‍વીર : અભીજીત બગથરીયા)

 

(3:23 PM IST)