<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

સાનમાં સમજી જજો નહિતર બધા ટ્રસ્‍ટીઓની જિંદગી ખરાબ કરી નાંખીશ, છોકરાઓ ઉપર ટ્રક ચડાવી દઇશ!

મવડીની પટેલ શેરીમાં સોરઠીયા પરિવારના મઢ સામે ભંગારનો ડેલો ધરાવતાં શખ્‍સ વિપુલ ડોબરીયા સામે તાલુકા પોલીસે બે અલગ અલગ ગુના દાખલ કર્યા : ખજાનચી વિનોદભાઇ સોરઠીયાને રૂબરૂ અને ફોનમાં ધમકીઃ માતાજીના મઢ સામે નડતરૂપ રિક્ષા રાખવાની ના પાડતાં ઉશ્‍કેરાયોઃ નજીકમાં રહેતાં મંજુલાબેન અને તેના પુત્રવધૂને પણ ટાંટીયા ભાંગી નાંખવાની ધમકી

રાજકોટ તા. ૪: મવડીમાં આવેલા સોરઠીયા-પટેલ પરિવારના માતાજીના મઢ સામે જ ભંગારનો ડેલો ધરાવતાં શખ્‍સે મઢના ટ્રસ્‍ટના ખજાનચી સાથે માથાકુટ કરી તેમને સાનમાં સમજી જાવ તો સારું નહિતર બધા ટ્રસ્‍ટીઓની જિંદગી બગાડી નાંખીશ તેવી ધમકી આપતાં અને નજીકમાં રહેતાં અન્‍ય એક પરિવારના સાસુ-વહુ સાથે ઝઘડો કરી તેમના પણ ટાંટીયા ભાંગી નાંખવાની ધમકી દેતાં બે ગુના દાખલ થયા છે. ભંગારની રિક્ષા નડતરરૂપ રાખતો હોઇ તેને સાઇડમાં રાખવાનું કહેતાં આ માથાકુટ થઇ હતી.

આ બનાવમાં મવડી ગામ બાપા સિતારામ ચોક પાસે દીપજ્‍યોત પાર્ક-૧માં રહેતાં વિનોદભાઇ ઘુસાભાઇ સોરઠીયા (ઉ.વ.૫૫)ની ફરિયાદ પરથી તાલુકા પોલીસે વિપુલ મગનભાઇ રીબડીયા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. વિનોદભાઇ પરિવાર સાથે રહે છે અને ખેતી કરી ગુજરાન ચલાવે છે. તેઓ  સોરઠીયા પરિવારના માતાજીના મઢ ચેરીટેબલ ટ્રસ્‍ટના ખજાનચી તરીકે સેવા આપે છે. આ ટ્રસ્‍ટમાં ૧૭ સભ્‍યો છે. ફરિયાદમાં જણાવાયું છે કે માતાજીના મઢની સામે જ મગનભાઈ રીબડીયા અને તેમનો પુત્ર વિપુલ રીબડીયા ભંગારનો ડેલો ચલાવે છે. તેઓ પોતાનો ભંગારનો સામાન અને વાહનો રસ્‍તા પર જ પાર્ક કરતા હોવાથી દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ બાબતે ટ્રસ્‍ટના સભ્‍યોએ અગાઉ ટોકતા આ બંનેએ સંચાલકોએ બોલાચાલી કરી હતી, જેથી પોલીસમાં અરજી પણ કરવામાં આવી હતી.

આ વિવાદ બાદ આશરે બે મહિના પહેલા ભંગારના ડેલાવાળાઓએ શંકર ભગવાનના મંદિરની બાજુમાં એક દુકાન બનાવી શટર મુકી દીધું હતું. આથી સોરઠીયા પરિવારે વહીવટી નિર્ણય લઈ કાયદાકીય રીતે પોલીસ પ્રોટેક્‍શન સાથે ત્‍યાં દિવાલ ચણાવી દીધી હતી. ટ્રસ્‍ટના ખજાનચી તરીકે વિનોદભાઈએ આ કામ માટે ફંડ ચુકવ્‍યું હોવાથી આરોપી વિપુલ રીબડીયા મનદુઃખ રાખીને વિનોદભાઈની પાછળ પડી ગયો હતો અને અવારનવાર તેમને માનસિક હેરાન કરતો હતો.

દરમિયાન ગત તા. ૨૯/૦૬ના રોજ સાંજે સાડા ચાર વાગ્‍યાની આસપાસ વિનોદભાઈ સોરઠીયા ટ્રસ્‍ટની વાડીએથી પોતાના કારખાનાના કામે જવા નીકળ્‍યા હતા. તેઓ જ્‍યારે ધરતી પાન વાળી શેરીમાં પહોંચ્‍યા ત્‍યારે પાછળથી બાઈક લઈને આવતા વિપુલે સતત હોર્ન વગાડવાનું શરૂ કર્યું હતું. વિનોદભાઈએ વાહન સાઈડમાં રાખતા જ વિપુલે તેમની પાસે આવીને ઝગડો કર્યો હતા અને તમે અમારા ભંગારના ડેલા પાસે દિવાલ ચણાવી અને ખજાનચી તરીકે તેમા પૈસા આપ્‍યા છે. સાનમાં સમજી જાવ તો સારું નહીંતર તમારા ટ્રસ્‍ટના તમામ સભ્‍યોની જિંદગી બગાડી નાખીશ અને તમને પણ છરીના ઘા મારી દેતા વાર નહીં લાગે તેવી ધમકી દઇ ભાગી ગયો હતો.

આ ઘટના બાદ વિનોદભાઈએ તેમના પાડોશી રાજુભાઈને વચગાળાનો રસ્‍તો કાઢવા અને વિપુલને સમજાવવા વાત કરી હતી. બીજા દિવસે સવારે સાડા અગિયાર વાગ્‍યે વિપુલનો વિનોદભાઈ પર ફોન આવ્‍યો હતો. આ સમયે પાડોશી રાજુભાઈ પણ કોન્‍ફરન્‍સ કોલમાં જોડાયા હતા અને વિપુલને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે તમે બંને શાંતિથી સમાધાન કરી લો. પણ વિપુલ વધુ ઉશ્‍કેરાયો હતો અને ફોન પર ધમકી આપી કહ્યું હતું કે-મારે જે કરવું હશે તે જ કરીશ. મને બધી ખબર છે કે ટ્રસ્‍ટના સભ્‍યોના દીકરા-દીકરીઓ કયાં ભણે છે અને કયાં ફરે છે. આ બધા ઉપર ટ્રક ચડાવી દેતા મને વાર નહીં લાગે. અંતે વિનોદભાઇએ પોલીસ ફરિયાદ કરી હતી.

બીજો એક ગુનો વિનોદ રીબડીયા સામે મવડી ગામ સોરઠીયા પરિવારના મઢની સામે જ રહેતાં મંજુલાબેન ભરતભાઇ ડોંડા-પટેલ (ઉ.વ.૫૬)ની ફરિયાદ પરથી દાખલ કરવામાં આવ્‍યો છે. મંજુલાબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે અમારા ઘર પાસે વિપુલને ભંગારની રિક્ષા પાર્ક કરવાની ના પાડતાં તેણે ઝઘડો કરી મને અને મારા પુત્રવધૂ હેમાલીબેનને ગાળો દઇ જો મને રિક્ષા પાર્ક કરવાની ના પાડશો તો તમારા અને તમારા છોકરાઓના ટાંટીયા ભાંગી નાંખીશ તેવી ધમકી આપી હતી.  બંને બનાવમાં તાલુકા પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ પી. જી. આલએ ગુના દાખલ કરી તપાસ શરૂ કરી છે. 

(3:20 PM IST)