<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

લોકતંત્ર બચાવો અભિયાન અંતર્ગત શહેર ભાજપ દ્વારા સોશિયલ મીડિયા ઈન્‍ફલુએન્‍સર સાથે સંવાદ - ગોષ્‍ઠિ

રાજકોટ : ભારતીય જનતા પાર્ટી દ્વારા ચલાવવામાં આવી રહેલા ‘લોકતંત્ર બચાવો અભિયાન' અંતર્ગત  રાજકોટ શહેર ભાજપ દ્વારા સોશિયલ મીડિયા ઈન્‍ફલુએન્‍સર અને પ્રભાવશાળી વ્‍યક્‍તિત્‍વો સાથે એક વિશેષ સંવાદ અને ગોષ્‍ઠિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય આજની ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાના માધ્‍યમથી સાચી માહિતી જન-જન સુધી પહોંચાડવાનો અને વિપક્ષ દ્વારા ફેલાવવામાં આવતા ભ્રામક પ્રચારો તથા અફવાઓનો તાર્કિક અને હકીકત આધારિત જવાબ આપવાનો હતો. કાર્યક્રમમાં ઉપસ્‍થિત રાજકોટ શહેર સંગઠન પ્રભારી અને પ્રદેશ મહામંત્રી શ્રી અનિરુધ્‍ધભાઈ દવેએ જણાવ્‍યું હતું કે, વિપક્ષી પાર્ટીઓ દ્વારા લોકતંત્રની આડમાં રાજકીય રોટલો શેકવા માટે સતત ગેરમાર્ગે દોરતી માહિતી ફેલાવવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા ઈન્‍ફલુએન્‍સર્સ સમાજના યુવાનો અને નાગરિકોને સીધા પ્રભાવિત કરતા હોવાથી, તેમણે રાષ્‍ટ્રહિતમાં સાચી અને સચોટ માહિતી જનતા સમક્ષ મૂકવી અત્‍યંત આવશ્‍યક છે. ગોષ્‍ઠિ દરમિયાન સોશિયલ મીડિયાના વિવિધ પ્‍લેટફોર્મ્‍સ (જેમ કે Instagram, YouTube, X વગેરે) પર સક્રિય યુવા ઈન્‍ફલુએન્‍સર મિત્રો સાથે ખુલ્લા મને ચર્ચા કરવામાં આવી હતી. વિપક્ષના આક્ષેપો સામે ડિજિટલ માધ્‍યમથી અસરકારક રીતે કેવી રીતે પલટવાર કરવો અને સરકારની લોકકલ્‍યાણકારી યોજનાઓની સાચી તસવીર જનતા સુધી કેવી રીતે પહોંચાડવી તે અંગે વિસ્‍તળત માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ ડો. માધવ દવે, પ્રદેશ ભાજપ યુવા મોરચા મંત્રી જયભાઈ શાહ, મહિલા મોરચા મહામંત્રી માધવીબેન જોગીયા, રાજકોટ આઈ.ટી. ટીમ સંયોજક નિખીલેશ રાઠોડ સહિત બહોળી સંખ્‍યામાં શહેરના ઉત્‍સાહી સોશિયલ મીડિયા ઈન્‍ફલુએન્‍સર્સ અને ભાજપના અગ્રણી કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહીને સોશિયલ મીડિયા થકી રચનાત્‍મક ભૂમિકા ભજવવાનો સંકલ્‍પ લીધો હતો.

(3:12 PM IST)