News of Thursday, 26th November 2026
બાટલો ચડાવવા નસ ન મળતાં છાતીમાં સોય ઘુસાડાઇ, સાથેનો તાર ફસાઇ ગયો!
સિવિલ હોસ્પિટલમાં એસટીના ટ્રાફિક કન્ટ્રોલરની સારવારમાં બેદરકારીનો આક્ષેપ પંચાવન વર્ષના દિલીપભાઇ સોનરાતને પીડા ઉપડીઃ અડધો તાર છાતીમાં અને અડધો બહાર રહી ગયોઃ પુત્ર સંજયભાઇ સોનરાતે બેદરકારી મામલે રોષ વ્યક્ત કર્યો

રાજકોટ તા. ૨૬: શહેરની સિવિલ હોસ્પિટલમાં વધુ એક વખત બેદરકારીનો કિસ્સો સામે આવતાં દર્દી અને તેમના સ્વજનોએ ઉકળાટ ઠાલવ્યો હતો. ભાવનગર એસટી ડિવીઝનમોં ફરજ બજાવતાં અને રાજકોટ કોઠારીયા રોડ મેહુલનગર-૧૦માં રહેતાં દિલીપભાઇ ભોજાભાઇ સોનરાત-બારોટ (ઉ.વ.૫૫) પગના દુઃખાવાની સારવાર અને ગાંઠના ઓપરેશન માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં શરૂઆતમાં ખુબ સરસ સારવાર શરૂ થઇ હતી. પરંતુ પરમ દિવસે બાટલો ચડાવવા માટે નસ મળતી ન હોઇ છાતીમાં હોલ પાડી ત્યાંથી કોઇ તાર ઘુસાડવામાં આવતાં તાર ફસાઇ જતાં તેઓ પીડામાં મુકાઇ ગયા હતાં.
દિલીપભાઇ સોનરાતે જણાવ્યું હતું કે હું ભાવનગર એસટી ડેપોમાં ટ્રાફિક કન્ટ્રોલર તરીકે ફરજ બજાવું છું. મારે સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. મને પગમાં દુઃખાવો થતો હોઇ સિવિલ હોસ્પિટલમાં દેખાડયું હતું. નિદાનમાં ગાંઠ હોવાનું ખુલતાં ૨૦/૧૧ના રોજ ઓપરેશન માટે દાખલ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં સારી સારવાર અપાઇ હતી. પરંતુ બાદમાં મને બાટલો ચડાવવા માટે નિડલ લગાવવાની હોઇ પંદરેક વખત પંચર પાડવા છતાં નસ મળી નહોતી. આ પછી મને બેભાન કર્યા વગર જ છાતીના ભાગે સોય નાખી હતી. આ વખતે સોયમાં રહેલો તાર અંદર હાડકામાં વીંટાઈ ગયો હતો. હાલમાં આ તાર થોડો બહાર છે અને થોડો છાતીમાં છે. આ કારણે મને દુઃખાવો થઇ રહ્યો છે. ડોક્ટરોએ ગઇકાલે ભરપુર પ્રયાસ કરવા છતાં આ તાર કાઢી શક્યા નહોતાં. હવે અમને જરૂર પડયે અમદાવાદ લઇ જઇ સારવાર કરાવવામાં આવશે તેવુ કહેવાયું છે.
દિલીપભાઇના પુત્ર સંજયભાઇ સોનરાતે જણાવ્યું હતું કે મારા પિતાની છાતીમાં તાર અંદર ફસાઈ જતાં તબીબોએ ચેકો મારીને તેને ખેંચીને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નીકળ્યો નહોતો. ચેકો માર્યા બાદ ટાંકા લેવાના બદલે ઘાને ખુલ્લો જ રાખી દેવામાં આવ્યો હતો અને ડ્રેસિંગ કરવા માટે પણ બે કલાક સુધી કોઈ પટ્ટી મારવા આવ્યું નહોતું. આખરે તાર અંદર હોવા છતાં માત્ર સાદું ડ્રેસિંગ કરી દેવામાં આવ્યું હતું. હવે હોસ્પિટલના તબીબો દર્દીને અહીંથી લઈને અમદાવાદ લઇ જવાનું કહેવાય છે. આ મામલે પોતે જરૂર પડયે કાયદેસરની કાર્યવાહી કરશે તેમ જણાવ્યું હતું.
(2:31 PM IST)










