<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

રાજકોટમાં ડિજિટલ ગવર્નન્‍સ મજબૂત કરવા UIDAI દ્વારા ભવ્‍ય નવું ‘આધાર સેવા કેન્‍દ્ર'કાર્યરતઃ અઠવાડિયાના સાતેય દિવસ મળશે તમામ સુવિધાઓ

સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાના હસ્‍તે ઢેબર રોડ ઉપર આધાર સેવા કેન્‍દ્રનું ઉદ્ધાટન; નવું કેન્‍દ્ર ગુજરાતનું આવું ત્રીજું સેન્‍ટર બન્‍યું, વ્‍હીલચેર એક્‍સેસ અને ઓન-સાઇટ મેનેજર સહિતની વન-સ્‍ટોપ સેવાઓ ઉપલબ્‍ધ

રાજકોટઃ રાજકોટ શહેર અને આસપાસના નાગરિકો માટે આધાર કાર્ડ સંબંધિત સેવાઓ વધુ સરળ અને પારદર્શક બનાવવાના હેતુથી ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ (UIDAI) પ્રાદેશિક કાર્યાલય મુંબઈ દ્વારા રાજકોટમાં એક નવા અત્‍યાધુનિક ‘આધાર સેવા કેન્‍દ્ર' (ASK)નું ભવ્‍ય ઉદ્ધાટન કરવામાં આવ્‍યું છે. નાગરિક-કેન્‍દ્રિત ડિજિટલ ગવર્નન્‍સ અને ‘ઈઝ ઓફ લિવિંગ' (જીવનની સરળતા) ને પ્રોત્‍સાહન આપતું આ કેન્‍દ્ર સમગ્ર ગુજરાત રાજ્‍યમાં આ પ્રકારનું ત્રીજું વિશિષ્ટ કેન્‍દ્ર છે.

ઢેબર રોડ પર આવેલા પ્રગતિ પ્‍લાઝા ખાતે આયોજિત આ કાર્યક્રમનું ઉદ્ધાટન રાજકોટના માનનીય સંસદ સભ્‍ય શ્રી પરસોત્તમભાઈ ખોડાભાઈ રૂપાલાના વરદહસ્‍તે કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે UIDAI રાજ્‍ય કાર્યાલય અમદાવાદના ડાયરેક્‍ટર શ્રી રાજેશ કુમાર ગુપ્તા (ITS), UIDAI આરઓ મુંબઈના વરિષ્ઠ અધિકારીઓ, ગુજરાત સરકારના પદાધિકારીઓ અને બીએલએસ (BLS) ટીમ ખાસ ઉપસ્‍થિત રહી હતી. આ ઉપરાંત વહીવટી તંત્ર તરફથી રાજકોટ શહેર-૧ ના ડેપ્‍યુટી કલેક્‍ટર ડૉ. ચાંદની પરમાર, મામલતદાર (દક્ષિણ) શ્રી રાજેન્‍દ્રસિંહ સરવૈયા, આરએમસીના ડેપ્‍યુટી કમિશનર શ્રી હર્ષદભાઈ રમેશભાઈ પટેલ અને આરએમસી ચૂંટણી શાખાના મેનેજર શ્રી પ્રણય પંચાલ દિનેશભાઈ પણ હાજર રહ્યા હતા.

આ પ્રસંગે સંબોધન કરતા સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ જણાવ્‍યું હતું કે, ‘‘રાજકોટમાં આ આધુનિક સેન્‍ટરની શરૂઆત થવાથી નાગરિકોને ઝડપી અને પારદર્શક સેવાઓ મળશે. ડિજિટલ ઈન્‍ડિયાના રાષ્‍ટ્રીય વિઝનને સાકાર કરવામાં આ એક મહત્‍વપૂર્ણ સીમાચિホ છે.'' કાર્યક્રમ દરમિયાન UIDAI ના ડાયરેક્‍ટર શ્રી રાજેશ કુમાર ગુપ્તાએ માહિતી આપી હતી કે આ કેન્‍દ્ર સીધું UIDAI દ્વારા સંચાલિત હોવાથી ડેટા સુરક્ષા અને ગુણવત્તાના સમાન ધોરણો જળવાશે. તેમણે ઉમેર્યું કે ૫ થી ૧૭ વર્ષની વયના બાળકો માટે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ્‍સ અહીં તદ્દન મફતમાં પૂરા પાડવામાં આવી રહ્યા છે, અને ભવિષ્‍યની પેઢીની ડિજિટલ ઓળખ સુરક્ષિત કરવા શાળાઓમાં વિશેષ શિબિરો પણ યોજાશે.

આ નવું આધાર સેવા કેન્‍દ્ર નવી ટેકનોલોજીથી સજ્જ છે જ્‍યાં નવી આધાર નોંધણી, ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ્‍સ, વસ્‍તી વિષયક (ડેમોગ્રાફિક) સુધારા, ભૂલ સુધારણા અને ફરિયાદ નિવારણ જેવી તમામ સુવિધાઓ એક જ છત નીચે મળશે. વિકલાંગો અને વરિષ્ઠ નાગરિકો માટે વ્‍હીલચેર એક્‍સેસ અને સુલભ શૌચાલયની વ્‍યવસ્‍થા છે. તેમજ સ્‍થળ પર જ મુશ્‍કેલીઓના નિવારણ માટે ‘ઓન-સાઇટ ASK મેનેજર'ઉપલબ્‍ધ રહેશે. નાગરિકો લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી બચવા માટે UIDAI ની સત્તાવાર વેબસાઇટ (https://bookappointment.gov.in) પરથી અગાઉથી ઓનલાઈન એપોઇન્‍ટમેન્‍ટ બુક કરાવી શકે છે. આ કેન્‍દ્ર અઠવાડિયાના સાતેય દિવસ કાર્યરત રહેશે.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) 

(3:37 PM IST)