તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
નોકરી પુરી કરીને ઘરે જવા નીકળેલા ઉદયભાઇ વાઘેલાનું ટ્રકના વ્હીલ નીચે માથું છુંદાઇ જતાં મોત
બાઇક સહિત ઠોકરે ચડયા બાદ પાછલા જોટામાં આવી જતાં અરેરાટી ભર્યા દ્રશ્યો સર્જાયા માધાપર ચોકડી ઓવર બ્રીજ નીચે બનાવઃ પાંચ વર્ષના પુત્રએ પિતાનું છત્ર ગુમાવ્યાઃ ગાંધીગ્રામ પોલીસે મૃતકના ભાઇ રોહનભાઇની ફરિયાદ પરથી ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો

ઘટના સ્થળે ટ્રક, યુવાનનો મૃતદેહ, મૃતકના સગાસંબંધીઓ અને પોલીસ સ્ટાફ તથા મૃતકનો ફાઇલ ફોટો જોઇ શકાય છે (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ તા. ૧૪: માધાપર ચોકડી પાસે ટ્રકની ઠોકરે બાઇક ચડી જતાં બાઇકચાલક માધાપરમાં રહેતાં યુવાનનું માથું ટ્રકના પાછળના જોટામાં છુંદાઇ જવાને કારણે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. બનાવ બાદ ડમ્પર મુકી ચાલક ભાગી જતાં મૃતકના પરિવારજનોમાં રોષ ફેલાઇ ગયો હતો. ચાલક પકડાય પછી જ મૃતદેહ સ્વીકારશે તેવુ પરિવારજનોએ જણાવતાં પોલીસે ચાલક પકડાઇ ગયાની ખાતરી આપતાં મામલો થાળે પડયો હતો. યુવાન પોતાની નોકરી પુરી કરી ઘરે જવા નીકળ્યો ત્યારે આ કરૂણ ઘટના બની હતી.
જાણવા મળ્યા મુજબ માધાપરમાં સહજાનંદ સ્કૂલ પાસે રહેતો ઉદયભાઇ મહેશભાઇ વાઘેલા-વાલ્મિકી (ઉ.વ.૨૯) નામનો યુવાન રાતે પોતાનું બાઇક જીજે૩૬સી-૭૨૫૯ હંકારીને જતો હતો ત્યારે માધાપર ચોકડી ઓવર બ્રીજ નીચે ટ્રક નં. જીજે૩૯ટીબી-૨૧૦૩ની ઠોકરે ચડી જતાં બાઇક સહિત રોડ પર પટકાયા બાદ ટ્રકના પાછળના જોટામાં આવી જતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં લોકો ભેગા થઇગયા હતાં. આ દરમિયાન મૃતકના નાના ભાઇ રોહનભાઇ મહેશભાઇ વાઘેલા (ઉ.વ.૨૪)ને જાણ થતાં તે પણ પરિવારજનો, સગા સાથે ઘટના સ્થળે પહોંચતા મૃતકની ઓળખ થઇ હતી.
આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી. સી. જોષીએ રોહનભાઇની ફરિયાદ પરથી ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો હતો. મૃત્યુ પામનાર ઉદયભાઇ બે ભાઇમાં મોટો હતો. તેણીના પત્નિનું નામ તેજલબેન છે અને સંતાનમાં પાંચ વર્ષનો દિકરો દિવ્યાંશ છે. ઉદયભાઇ એસ્ટ્રોન ચોકમાં ઇલેક્ટ્રીક ચીજવસ્તુના શો રૂમમાં નોકરી કરતો હતો. રાતે નોકરી પુરી કરીને ઘરે જતો હતો ત્યારે માધાપર ચોકડી બ્રીજ નીચે નેક્સસ કોમ્પલેક્ષ નજીક પહોંચ્યો ત્યારે ટ્રકની ખાલી સાઇડના પાછળના જોટામાં આવી જતાં કમકમાટી ભર્યુ મોત થયું હતું. બનાવને પગલે ટ્રક મુકી ચાલક ભાગી ગયો હોઇ મૃતકના સગા સ્વજનોએ ચાલક પકડાય પછી જ મૃતદેહની આગળની કાર્યવાહી થશે તેમ કહેતાં વાતાવરણ તંગ થઇ ગયું હતું. જો કે બાદમાં પોલીસે આરોપી પકડાઇ ગયાની ખાત્રી આપતાં કાર્યવાહી બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. આધારસ્તંભના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો છ.
(3:39 PM IST)










