<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

બીબીએન ફેમિલી એસોસિએશન દ્વારા ‘ઉડાન - બિયોન્‍ડ લિમિટસ' લાઇફ ચેન્‍જિંગ સેશન સફળતાભેર સંપન્‍ન

૬૦૦થી વધુ ભૂદેવ પરિવારોએ કર્યો જીવન પરિવર્તનનો અનુભવ : દીક્ષીત તેરૈયાએ કર્યા સૌને મુગ્‍ધ : નવા બિઝનેસ ચેપ્‍ટર ‘અધ્‍યાય અગ્નિ'ની પણ થઈ જાહેરાત

રાજકોટ : બીબીએન ફેમિલી એસોસિએશન દ્વારા ‘ઉડાન - બિયોન્‍ડ લિમિટ્‍સ' લાઇફ ચેન્‍જિંગ સેશન સફળતા સાથે સંપન્ન થયું. રાજકોટ તેમજ આસપાસના વિસ્‍તારોમાંથી ઉપસ્‍થિત રહેલા ૬૦૦થી વધુ ભૂદેવ પરિવારોએ આ પ્રેરણાદાયી સેશનનો લાભ લીધો અને જીવનને નવી દિશા આપતા વિચારો સાથે પરત ફર્યા. આ અનોખા આયોજનનો વિચાર ચારેક મહિના પહેલાં બીબીએનના ડિરેક્‍ટર્સ અને જાણીતા લાઇફ કોચ શ્રી દીક્ષિત તેરૈયા વચ્‍ચે થયેલી ચર્ચા દરમિયાન જન્‍મ્‍યો હતો. શરૂઆતમાં બીબીએનના બિઝનેસ ચેપ્‍ટરના સભ્‍યો માટે બિઝનેસ ર્લનિંગ સેશન યોજવાની ચર્ચા થઈ હતી. ત્‍યારબાદ સમગ્ર ભૂદેવ સમાજના પરિવારો માટે જીવનમાં સકારાત્‍મક પરિવર્તન લાવતું વિશાળ સેશન યોજવાનો નિર્ણય લેવામાં આવ્‍યો. શ્રી દીક્ષિત તેરૈયાએ પણ આ વિચારને ઉત્‍સાહપૂર્વક સ્‍વીકારી આ આયોજનમાં સંપૂર્ણ સહકાર આપ્‍યો હતો. આ આયોજનને સફળ બનાવવા માટે બીબીએનના ડિરેક્‍ટર્સ, બીબીએન કોર ટીમ અને સમગ્ર ટીમ બીબીએનએ છેલ્લા ચાર મહિનાથી સતત આયોજનબદ્ધ મહેનત કરી હતી. શ્રી દીક્ષિત તેરૈયાએ સતત બે કલાક સુધી જીવન, પરિવાર, સંબંધો, વ્‍યક્‍તિગત વિકાસ, સફળતા અને સકારાત્‍મક વિચારસરણી જેવા વિવિધ વિષયો પર પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્‍યું. આ કાર્યક્રમની સૌથી મહત્‍વપૂર્ણ ઉપલબ્‍ધિ એ રહી કે સેશન બાદ અનેક ઉદ્યોગસાહસિકો અને વ્‍યવસાયકારોએ બીબીએન દ્વારા સંચાલિત બિઝનેસ ચેપ્‍ટર્સમાં જોડાવા માટે રસ વ્‍યક્‍ત કર્યો. હાલમાં સફળતાપૂર્વક કાર્યરત ‘અધ્‍યાય પળથ્‍વી' અને ‘અધ્‍યાય આકાશ'માં સભ્‍યોની સતત વધી રહેલી સંખ્‍યાને ધ્‍યાનમાં રાખીને બીબીએન ફેમિલી એસોસિએશન દ્વારા ત્રીજા બિઝનેસ ચેપ્‍ટર ‘બીબીએન અધ્‍યાય અગ્નિ'નો પ્રારંભ કરવાની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી. એક સમયે માત્ર ૭ સભ્‍યોથી શરૂ થયેલો બીબીએન પરિવાર આજે ૨૫૦૦થી વધુ સભ્‍યોનું વિશાળ અને વિશ્વાસપાત્ર સંગઠન બની ચૂકયો છે. બીબીએન ફેમિલી એસોસિએશનનું આ આયોજન માત્ર એક પ્રેરણાત્‍મક સેમિનાર પૂરતું મર્યાદિત રહ્યું નહોતું, પરંતુ ભૂદેવ સમાજના પરિવારોમાં આત્‍મવિશ્વાસ, સકારાત્‍મક વિચારસરણી, મજબૂત પારિવારિક સંબંધો અને વ્‍યવસાયિક વિકાસ માટે નવી ચેતના જગાડનાર એક યાદગાર અભિયાન બની રહ્યુ તેમ બીબીએન ફેમિલી એસોસિએશન મો.૮૪૦૧૩ ૮૧૦૧૩, મો.૮૪૦૧૩ ૮૧૮૮૮)ની યાદીમાં જણાવાયુ છે. 

(2:13 PM IST)