તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd May 2026
રામનાથપરામાંથી ગાંજા સાથે શબાના અને બોટાદના બે પેડલર સોહિલ, ફિરોઝ ઝડપાયા
એ-ડિવીઝન પીઆઇ જે. વી. વાઢીયા, પીએસઆઇ એસ.એમ. રાણા, એએસઆઇ ભરતસિંહ ગોહિલ અને ટીમની કામગીરીઃ કરણભાઇ વીરસોડીયા, સાગરભાઇ માવદીયા, ધર્મેશભાઇ પરમાર, ધર્મેશભાઇ ખાંડેખાની બાતમી

રાજકોટ તા. ૨૩: શહેરમાં વધુ એક વખત માદક પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. તાજેતરમાં એસઓજીએ સાત લાખથી વધુના અફીણ સાથે સણોસરાના શખ્સને પકડી લીધો હતો. દરમિયાન એ-ડિવીઝન પોલીસે બાતમીને આધારે રામનાથપરા ગરૂડ ગરબી ચોકમાંથી રામનાથપરાની એક મહિલા અને તેને ગાંજો આપવા આવેલા બોટાદના બે શખ્સોને પકડી લઇ રૂા. ૨,૦૪,૯૫૦નો ૪.૦૯૯ કિલોગ્રામ ગાંજો કબ્જે કર્યો છે. મહિલાએ ગાંજો વેંચવા માટે મંગાવ્યો હતો. જે લઇને બોટાદથી બે પેડલર આવ્યા હતાં. પરંતુ લેતી-દેતી થતી હતી એ વખતે જ પોલીસ ત્રાટકી હતી.
જાણવા મળ્યા મુજબ માદક પદાર્થનું ખરીદ-વેચાણ અટકાવવા અને સેવન કરનારા વિરૂધ્ધ કાર્યવાહી કરવા સે નો ટુ ડ્રગ્સ ઝુંબેશ હેઠળ એ-ડિવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોનસ. કરણભાઇ વીરસોડીયા, સાગરભાઇ માવદીયા, ધર્મેશભાઇ પરમાર અને કોન્સ. ધર્મેશભાઇ ખાંડેખાને બાતમી મળી હતી કે ગરૂડ ગરબી ચોક રામનાથપરામાં માદક પદાર્થની લેતીદેતી થવાની છે. આ બાતમી પરથી વોચ રાખતા જ એક મહિલા અને બે શખ્સની હરકત શંકાસ્પદ લાગતાં તેને સકંજામાં લઇ તપાસ કરતાં તેની પાસેથી શંકાસ્પદ પદાર્થ મળ્યો હતો. એફએસએલ અધિકારી પાસે ખરાઇ કરાવતાં આ પદાર્થ ગાંજો હોવાનું સ્પષ્ટ થતાં ત્રણેયને પકડી લેવાયા હતાં.
પોલીસે ગાંજાનો વજન કરતાં ૪.૦૯૯ કિલો થયો હતો. જેની કિંમત રૂા. ૨,૦૪,૯૫૦ ગણી તે તથા ત્રણ મોબાઇલ ફોન અને જીજે૦૮એવી-૪૬૩૦ નંબરની સીએનજી રિક્ષા મળી કુલ રૂા. ૩,૩૪,૯૫૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. પોલીસ પુછતાછમાં મહિલાએ પોતાનું નામ શબાના ઉર્ફે શબુ અલીભાઇ સુમરા (ઉ.વ.૩૪-રહે. રામનાથપરા-૧૬) તથા બે શખ્સોએ પોતાના નામ સોહિલ ફિરોઝભાઇ સિપાહી (ઉ.વ.૨૯-રહે. પંચપીરની દરગાહ પાસે ભાવનગર રોડ, બોટાદ) અને ફિરોઝ હારૂનભાઇ ગાંજા (ઉ.વ.૩૯-રહે. બારભાયા શેરી, જુમ્મા મસ્જીદ રોડ બોટાદ) જણાવ્યા હતાં. આ બંને શખ્સો શબાના ઉર્ફે શબુને ગાંજો આપવા આવ્યા હતાં. ઝડપાયેલામાં સોહિલ અગાઉ બોટાદમાં દારૂના બે કેસમાં પકડાયોહ તો. જ્યારે ફિરોઝ પણ બોટાદમાં દારૂમાં પકડાયો હતો. જ્યારે શબાના ઉર્ફે શબુ અગાઉ ૨૦૧૩માં રાજકોટ ગાંધીગ્રામ પોલીસમાં હત્યાના ગુનામાં પકડાઇ હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. જે. ચોૈધરીની સુચના અંતર્ગત પીઆઇ જે. વી. વાઢીયા, પીએસઆઇ એસ. એમ. રાણા, એએસઆઇ ભરતસિંહ ગોહિલ, મનોજભાઇ મકવાણા, ભરતસિંહ પરમાર, હેડકોન્સ. કલ્પેશભાઇ બોરીચા, સાગરભાઇ માવદીયા, મહેશભાઇ ચાવડા, કનુભાઇ બસીયા, કરણભાઇ વીરસોડીયા, ધર્મેશભાઇ પરમાર, પ્રવિણભાઇ સોનારા, કોન્સ. ધર્મેશભાઇ ખાંડેખા, તેજસભાઇ ડેર, કોન્સ. એકતાબેન ભોરાણીયાએ આ કામગીરી કરી હતી. બોટાદના પેડલરો ગાંજો ક્યાંથી લાવ્યા? તેની તપપાસ માટે રીમાન્ડની તજવીજ થઇ રહી છે.
(2:37 PM IST)










