તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 25th May 2026
સેન્ટીંગના ધંધામાં ભાગીદારી છુટી થયા બાદ પૈસાની લેતીદેતી મામલે લાલપરીના બે ભાઇઓ પર હુમલો
સોનુ યાદવે પ્રવિણને ૪૦ હજાર થોડા દિવસમાં આપી દઇશ કહેતાં રોજનું ૪ હજાર વ્યાજ માંગ્યું: ઓનલાઇન રકમ ચુકવી દીધા પછી પણ ૨૦ હજાર માંગી ડખ્ખો કર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૫: કુવાડવા રોડ ગ્રીનલેન્ડ ચોકડી પાસે લાલપરીમાં રહેતાં અને સેન્ટીંગનો ધંધો કરતાં યુવાન પર સેન્ટીંગના ધંધામાં ભાગીદારી છુટી થયા બાદ ૪૦ હજાર રૂપિયાની લેતીદેતી મામલે ભાગીદાર સહિતનાએ હુમલો કરી ધોકા-પાઇપથી બેફામ માર મારતાં યુવાન સારવાર માટે દાખલ થયો છે. તેના પર હુમલો થયો એ પહેલા તેના ભાઇને પણ ધોલધપાટ કરવામાં આવી હતી.
જાણવા મળ્યા મુજબ લાલપરી શેરી નં. ૧માં રહેતો સોનુભાઇ ગણેશભાઇ યાદવ (ઉ.વ.૩૧) નામનો યુવાન સાંજે સાડા આઠેક વાગ્યે ઘરે હતો ત્યારે તેના પુર્વ ભાગીદાર પ્રવિણ બાંભવા તેમજ સાથેના જાલા બાંભવા, કરણ કોળી સહિતે ધોકા-પાઇપ સાથે ધસી આવી બેફામ માર મારતાં દેકારો મચી ગયો હતો. પરિવારના લોકો, પાડોશીઓ ભેગા થઇ જતાં હુમલાખોરો ભાગી ગયા હતાં. સોનુભાઇને ઇજાઓ થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસન ેજાણ કરી હતી.
સોનુભાઇએ હોસ્પિટલના બિછાનેથી કહ્યું હતું કે હું બે ભાઇ અને ચાર બહેનમાં બીજો છું અને સેન્ટીંગ કામ કરી ગુજરાન ચલાવુ છું. અગાઉ મારે પ્રવિણ બાંભવા સાથે ભાગીદારીમાં સેન્ટીંગનો ધંધો હતો. પણ અમારી વચ્ચે બોલાચાલી થતાં અમે ભાગીદારી છુટી કરી નાંખી હતી. હિસાબ થતાં મારે પ્રવિણને ૪૦ હજાર રૂપિયા દેવાના થતાં હતાં. આ રકમ હું બે ત્રણ દિવસમાં આપી દઇશ તેમ કહેતાં પ્રવિણે પછી પૈસા આપવા હોય તો રોજના ૪ હજાર વ્યાજના લાગશે તેવુ કહ્યું હતું. આ પછી મારા નાના ભાઇ ગોવિંદે તેને ઓનલાઇન ૪૦ હજાર આપી દીધા હતાં. આમ છતાં પ્રવિણે વધુ ૨૦ હજાર માંગી ઝઘડો કરી પહેલા મારા ભાઇ ગણેશને રેલનગર પાસે મારકુટ કરી હતી. બાદમાં રવિવારે રાતે મારા ઘરે આવી ધોકા-પાઇપથી મારા પર હુમલો કર્યો હતો. પોલીસે આ બનાવ ખરેખર કયા કારણે બન્યો? તેની તપાસ હાથ ધરી છે.
(2:48 PM IST)










