તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
ગોંડલ રોડ ચોકડીએ ઇકો અને સ્કોર્પિયો અથડાતાં રાજકોટ અને થાનના બે વૃધ્ધ ભાઇઓના મોતઃ પાંચને ઇજા

રાજકોટ તા. ૪: બપોરે ગોંડલ રોડ ચોકડી નજીક ટાટાના શો રૂમ નજીક ઇકો ગાડી અને સ્કોર્પિયો વચ્ચે અકસ્માત સર્જાતા બે સગા ભાઇઓના મૃત્યુ થયા છે અને પાંચથી વધુને ઇજાઓ થઇ છે. આ અકસ્માતમાં રાજકોટના અને થાનગઢના બે વૃધ્ધ ભાઇઓના મોત થયા છે.
જાણવા મળ્યા મુજબ બપોરે ગોંડલ રોડ ચોકડીએ ઇકો અને સકોર્પિયો અથડાતાં સાતથી આઠ લોકોને ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ઇમર્જન્સી વોર્ડના સ્ટાફે તુરત જ ઘાયલોની સારવાર શરૂ કરી હતી. જો કે ગંભીર ઇજા પામનાર બે વૃધ્ધોના મોત થયા હતાં.
મગનભાઇ તળશીભાઇ પાટડીયા (ઉ.વ.૬૦-રહે. રાજકોટ ચુનારાવાડ ચોક) તથા તેમના ભાઇ શામજીભાઇ તળશીભાઇ પાટડીયા (ઉ.વ.૬૦-રહે. થાનગઢ)ના મોત થયા છે. જ્યારે બંનેના પત્નિ હંસાબેન મગનભાઇ પાટડીયા (ઉ.વ.૫૫) અને ગીતાબેન શામજીભાઇ પાટડીયા (ઉ.વ.૬૦)ને ઇજાઓ થઇ છે.
મૃત્યુ પામનાર મગનભાઇને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. જ્યારે શામજીભાઇને સંતાનમાં બે દિકરા અને બે દિકરી છે. તેઓ છુટક મજૂરી કરતાં હતા. આ પરિવારના લોકો ઇકોમાં બેસી ગોંડલ માઠા પ્રસંગે ગયા હતાં. ત્યાંથી પરત આવતાં હતાં ત્યારે બનાવ બન્યો હતો.
અન્ય ઇજાગ્રસ્તોમાં સાહીલ યાકુબભાઇ કુરેશી (ઉ.વ.૨૩, કોઠારીયા સોલવન્ટ), મહેબુબભાઇ અંસારી (ઉ.વ.૨૭), સરસ્વતીબેન ખીમજીભાઇ જાગાણી (ઉ.વ.૭૦-રણછોડનગર, રાજકોટ) સહિતને ઇજાઓ થઇ હતી.
(3:52 PM IST)










