તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th October 2026
પીડીયુ સિવિલ હોસ્પિટલના ડો. જયદિપ ગણાત્રાની સર્જરી અને સારવારથી બે બાળકોના જીવ બચ્યા
એક બાળક બેટરી સેલ ગળી જતાં સર્જરી કરવામાં આવી, એક બાળકી રમકડાની પ્લાસ્ટીકની દડી ગળી જતાં યોગ્ય સલાહ સારવારથી દડી કુદરતી રીતે બહાર નીકળી : રમકડા અને રિમોટમાં વપરાતા બટન સેલ બાળકો માટે અત્યંત જોખમીઃ વાલીઓ જાગૃત રહે

રાજકોટ તા. ૨૭: બાળકો રમતાં-રમતાં અજાણતાં નાની વસ્તુઓ ગળી જાય તો તે તેમના જીવન માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. રાજકોટમાં તાજેતરમાં બે બાળકો દ્વારા બેટરી તથા પ્લાસ્ટીકની દડી ગળી જવાની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી હતી. જેમાં એક કિસ્સામાં અઢી વર્ષના બાળકના આંતરડાને ગંભીર નુકસાન પહોંચતાં પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ ખાતે ડો. જયદીપ ગણાત્રા અને તેમની ટીમ દ્વારા જટિલ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જ્યારે બીજા કિસ્સામાં ત્રણ મહિનાની બાળકી ગળી ગયેલી પ્લાસ્ટીક-રબ્બરી દડી તબીબી સલાહ મુજબની સારવાર બાદ સફળતાપૂર્વક બહાર નીકળી ગઈ હતી.
અઢી વર્ષના એક માસૂમ બાળકે રમતાં-રમતાં નાની બેટરી ગળી લીધી હતી. આ બેટરી પાચનતંત્રમાંથી પસાર થઈ આંતરડા સુધી પહોંચી હતી, જેના કારણે આંતરડાને ગંભીર નુકસાન થયું હતું અને બાળકની સ્થિતિ અત્યંત નાજુક બની ગઈ હતી. આ કટોકટીની સ્થિતિમાં પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ, રાજકોટ ખાતે ડો. જયદીપ ગણાત્રા અને તેમની ટીમ દ્વારા તાત્કાલિક સારવાર હાથ ધરવામાં આવી હતી. સમયસર જરૂરી સર્જરી અને યોગ્ય સારવાર પૂરી પાડી બાળકનો આબાદ જીવ બચાવી લેવામાં આવ્યો છે.
આવી જ રીતે, અંશી વિવેકભાઈ જોટનિયા નામની માત્ર ત્રણ મહિનાની બાળકીએ પણ અજાણતાં રમકડાની પ્લાસ્ટીકની દડી ગળી લીધી હતી. આ કિસ્સામાં ડો. જયદીપ ગણાત્રા અને તેમની ટીમ દ્વારા પરિવારને જરૂરી અને સચોટ તબીબી સલાહ આપવામાં આવી હતી. તબીબી માર્ગદર્શન અને દવા દ્વારા કરવામાં આવેલી સારવારના પરિણામે બેટરી મળ વાટે કુદરતી રીતે બહાર નીકળી ગઈ હતી, જેનાથી બાળકી અને તેના પરિવારને મોટી રાહત મળી હતી. બાળકો રમત રમતમાં આવી ભુલ કરી બેસે તો ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તબિબી સારવાર માટે પહોંચી જવું હીતાવહ છે.
ડો. જયદિપ ગણાત્રાએ જણાવ્યું હતું કે વાલીઓ માટે લાલબત્તી સમાન આ ઘટનાઓ છે. બટન સેલ બેટરીવાળાં રમકડાં, ટીવી-એસીના રિમોટ, ઘડિયાળ અને અન્ય નાના ઇલેક્ટ્રોનિક ઉપકરણો હંમેશાં નાના બાળકોની પહોંચથી દૂર રાખવા જોઈએ. જો બાળક દ્વારા ભૂલથી પણ બેટરી ગળી જવાની શંકા જાય, તો બાળક તંદુરસ્ત કે સ્વસ્થ દેખાતું હોય તોપણ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવું અનિવાર્ય છે. ખાસ કરીને ડૉક્ટરની સલાહ વિના કયારેય બાળકને ઊલટી કરાવવી નહીં કે કોઈ જોખમી ઘરગથ્થુ ઉપચાર કરવા નહીં. કટોકટીના સમયે સમયસર મળતી તબીબી સલાહ અને સારવાર બાળકોના જીવ બચાવી શકે છે.
(2:35 PM IST)










