તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
પુષ્કરધામના બે ભાઇઓ પ્રેમ વીરડા અને મીત પર ચાના ડોયા અને તાવીથાથી હુમલો
ગોંડલ ચોકડીએ કેન્ટીન ચલાવતાં ભાઇઓ રાતે ઘરે જતાં હતાં ત્યારે ૧૫૦ રીંગ રોડ ડો. આંબેડકર ચોકમાં ચા પીવા ઉભા ત્યારે વાહન દુર લેવાનું કહી બે શખ્સો તૂટી પડયા : પ્રેમને ગંભીર ઇજાઓ થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળઃ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૧૭: શહેરના યુનિવર્સિટી રોડ પર પુષ્કરધામ સોસાયટીમાં રહેતાં અને ગોંડલ રોડ ચોકડી પાસે કેન્ટીન સેન્ડવીચનો સ્ટોલ ચલાવતાં બે ભાઇઓ રાતે દોઢસો ફુટ રીંગ રોડ પર ડો. આંબેડકર ચોકમાં ચા પીવા ઉભા ત્યારે અહિ ચા પીવા આવેલા બે શખ્સોએ વાહન દુર હટાવવા મામલે ગાળાગાળી કરી આ બંને ભાઇઓ પર ચાના ડોયા અને તાવીથાથી હુમલો કરી બેફામ માર મારતાં એક ભાઇને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. બીજાને પ્રાથમિક સારવાર અપાઇ હતી. આ બનાવ અંગે પોલીસ તત્કાળ કાર્યવાહી કરી હુમલાખોરોને ઝડપી લે તેવી માંગણી પરિવારજનોએ કરી છે.
આ બનાવ અગે પુષ્કરધામમાં રહેતાં રમેશભાઇ વીરડાએ જણાવ્યું હતું કે મારો દિકરો પ્રેમ વીરડા (ઉ.વ.૨૨), મારા ભાઇનો દિકરો મીત વીરડા (ઉ.વ.૨૦) અને મારો નાનો દિકરો ત્રણેય ગોંડલ ચોકડીએ કેન્ટીન અને સેન્ડવીચનો સ્ટોલ ચલાવતાં હોઇ રાતે અગીયારેક વાગ્યે ત્યાંથી ઘરે આવતાં હતાં. આ દરમિયાન વચ્ચે ડો. આંબેડકર ચોકમાં તેઓ ચા પીવા ઉભા હતાં. આ વખતે ટુવ્હીલર પર બે શખ્સ આવ્યા હતાં. જેમાંથી એક મારા ભત્રીજા મીતને વાહન દુર હટાવી લેવાનું કહી ગાળો દીધી હતી. આથી મીતે ગાળો બોલવાની ના પાડતાં તેના પર તાવીથાથી હુમલો કર્યો હતો.
આ કારણે મારો દિકરો પ્રેમ વચ્ચે પડયો હતો અને મીતને લોહી નીકળવા માંડયા હોઇ બંને શખ્સોને વધુ માર નહિ મારવા સમજાવવા પ્રયાસ કર્યો હતો. પણ આ બંનેએ વધુ ઉશ્કેરાઇ જઇ મારા દિકરા પ્રેમને પણ આડેધડ ચા બનાવવાના ડોયાથી અને તાવીથાથી બેફામ માર માર્યો હતો. લોકો ભેગા થઇ જતાં આ બંને ભાગી ગયા હતાં. પ્રેમ અને મીતને હોસ્પિટલમાં ખસેડતાં મીતને પ્રાથમિક સારવાર અપાઇ હતી. જ્યારે મારા દિકરા પ્રેમને ગંભીર ઇજા થઇ હોઇ સારવાર માટે દાખલ કરાયો છે. તાલુકા પોલીસ આ મામલે ત્વરીત તપાસ કરી હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરે તેવી અમારી માંગણી છે. તેમ વધુમાં રમેશભાઇ વીરડાએ જણાવ્યું હતું.
(2:55 PM IST)










