<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

બકરી સાથે ગૂમ રૈયાના બે ભાઈ શાપરમાંથી મળ્‍યાઃ ચાલીને જેતપુર નાનીના ઘરે જતા'તા

સમાચાર વાયરલ થતા શાપરના ગૌભકતે બંન્નેને ઓળખી કાઢી પોલીસને જાણ કરી બકરીનું બચ્‍ચુ એકલુ રહેતુ ન હોઇ સાથે લઇ ગયા'તા

રાજકોટઃ તા. ૨, રૈયા ગામમાં રહેતા દશ અને આઠ વર્ષના બે સગા ભાઈઓ પરમદિવસે ઘરેથી બકરીનું બચ્‍ચું લઈ નીકળી ગયા બાદ લાપતા બન્‍યા હતા. જે અંગે બાળકના પિતા દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા યુનિવર્સિટી પોલીસે અપહરણનો ગુનો નોંધી બંને બાળકોની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન આ બંને બાળકો શાપરમાંથી હેમખેમ મળી આવ્‍યા હતા. બંને બાળકો રાજકોટથી જેતપુર રહેતા નાનીના ઘરે જવા માટે નીકળી ગયાનું ખુલ્‍યું છે.ચાલીને શાપર સુધી પહોંચ્‍યા ત્‍યાં પોલીસે તેમને શોધી  પરિવારને સોંપ્‍યા હતા. 

જાણવા મળ્‍યા મુજબ રૈયા ગામમાં રહેતા રવિભાઈ વિકાણી બે બાળકો સુરેશ(ઉ.વ.૧૦) અને દેવરાજ(ઉ.વ.૮) તા. ૨૯ના દ્યરેથી બકરીનું બચ્‍ચું લઈ નીકળી ગયા બાદ લાપતા બન્‍યા હતા. બાળકોના પિતાએ પ્રથમ આડોશ પાડોશમાં અને સગા સંબંધીઓમાં તપાસ કરી હતી. પરંતુ બંને બાળકોનો કોઈ પતો ન લાગતા અંતે પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતાને ધ્‍યાને લઈ ઉચ્‍ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ કે.કે. ગોહિલની રાહબરીમાં પીએસઆઇ આઇ.એ. બેલીમ તથા ટીમે બાળકોને શોધી કાઢવા માટે ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સની મદદથી તપાસ આગળ ધપાવી હતી. દરમિયાન બંને બાળકો શાપરમાંથી હેમખેમ મળી આવ્‍યા હતા. પોલીસે તપાસ કરતા જાણવા મળ્‍યું હતું કે, બંને ભાઈઓ જેતપુર રહેતા તેના નાનીને મળવા માટે ઘરેથી ભાગ્‍યા હતા. પગપાળા શાપર સુધી પહોંચી ગયા હતા. દરમિયાન સોશિયલ મીડિયા પર બાળકો ગુમ થયાના સમાચાર વાયરલ થતા શાપરના ગૌભકત ભરતભાઈએ બંનેને ઓળખી કાઢ્‍યા હતા અને બંનેને બેસાડી નાસ્‍તો કરાવી પોલીસને જાણ કરી હતી. બંને ભાઈઓ વગર બકરીનું બચ્‍ચું રહેતું ન હોવાથી ઘરેથી નીકળ્‍યા ત્‍યારે તેને પણ સાથે લઈ ગયા હતા. દ્યરેથી નીકળ્‍યા બાદ આખો દિવસ પગપાળા શહેરમાં રખડતા રહ્યા હતા. બાદમાં જેતપુર તરફ જવા નીકળ્‍યા હતા. પોલીસે ગુમ થયેલા બંને બાળકોનુ પરિવાર સાથે મિલન કરાવતા પરિવાર પોલીસનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. આ કામગીરીમાં યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્‍સ્‍ટેબલ નિલેશભાઈ વાવેચા, મુન્નાભાઈ ઢાપા અને કીર્તેશભાઈ ઝરીયા પણ સામેલ રહ્યા હતા

(3:38 PM IST)