તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Friday, 29th May 2026
રાજકોટના બે જાંબાઝ બાઇક રાઇડર્સ જીવાભાઈ પરમાર અને અહમદ ચાવડા બાઇક દ્વારા લંડન જવા રવાના થયા
તેઓ 49 દિવસમાં 17 દેશોની સફર કરી ખાસ પર્યાવરણીય સંદેશ આપશે:આ બંને યુવાનો સફર દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તરે પર્યાવરણની જાળવણી માટે ‘સેવ ધી બેટરી’ અને જમીનની ફળદ્રુપતા બચાવવા માટે ‘સેવ સોઇલ’નો ઉમદા સંદેશો ફેલાવશે.

રાજકોટના બે યુવાનોએ એક એવું સાહસ ખેડવાનું નક્કી કર્યું છે, જે સાંભળીને જ કોઈપણ રોમાંચિત થઈ જાય. રાજકોટના બે જાંબાઝ બાઇક રાઇડર્સ પોતાના બુલેટ/બાઇક પર સવાર થઈને સીધા લંડન (UK) જવા માટે રવાના થયા છે. આ અદભુત અને પડકારજનક પ્રવાસને લઈને અત્યારે સમગ્ર રાજકોટ જ નહીં પરંતુ પૂરા ગુજરાતમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
રાજકોટના વતની જીવાભાઈ પરમાર અને અહમદ ચાવડા નામના આ બંને રાઇડર્સ બાઇક દ્વારા લંડન સુધી પહોંચશે. આ કોઈ સામાન્ય પ્રવાસ નથી, તેઓ સતત 49 દિવસ સુધી બાઇક સવારી કરશે અને એશિયાથી લઈને યુરોપ ખંડ સુધીના કુલ 17 દેશો પાર કરીને યુનાઇટેડ કિંગડમની ધરતી પર પગ મૂકશે. આ લાંબી સફર દરમિયાન તેઓ ભારતથી નીકળીને નેપાળ, તિબેટ, ચાઇના, કઝાકિસ્તાન, રશિયા, જ્યોર્જિયા, ટર્કી, બેલગ્રેડ, બુડાપેસ્ટ, ચેક રિપબ્લિક, વિયેના, જર્મની, સ્વિડ્ઝર્લેન્ડ, સ્પેન, પોર્ટુગલ અને ફ્રાન્સ જેવા વૈવિધ્યસભર દેશોના રસ્તાઓ ખૂંદતા ખૂંદતા લંડન પહોંચશે.
આ યાત્રા માત્ર શોખ કે રોમાંચ માટે નથી, પરંતુ તેની પાછળ એક ખૂબ જ મોટો સામાજિક અને વૈશ્વિક હેતુ છુપાયેલો છે. આ બંને યુવાનો પોતાની સફર દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તરે પર્યાવરણની જાળવણી માટે ‘સેવ ધી બેટરી’ અને જમીનની ફળદ્રુપતા બચાવવા માટે ‘સેવ સોઇલ’નો ઉમદા સંદેશો ફેલાવશે. ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જના આ યુગમાં પૃથ્વી અને પ્રકૃતિને બચાવવાનો આ તેમનો અનોખો પ્રયાસ છે.
આ અશક્ય લાગતા મિશન પર નીકળેલા જીવાભાઈ અને અહમદને રાજકોટના સ્નેહીજનો, મિત્રો અને સાથી બાઇકર્સ દ્વારા ખૂબ જ ઉત્સાહભેર લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. વડીલોએ તેમને આ કપરી સફર માટે આશીર્વાદ આપ્યા હતા. ટ્રાફિક, બદલાતા હવામાન અને ભૌગોલિક પડકારો વચ્ચે ભારતનું નામ વૈશ્વિક સ્તરે રોશન કરવા નીકળેલા આ બંને યુવાનોના જુસ્સાને આખું ગુજરાત સલામ કરી રહ્યું છે.
(8:59 PM IST)










