તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd April 2026
જામનગર રોડ સાંઢીયા પૂલ પાસે બે બાઇક અથડાતાં માધાપર ચોકડી પાસે રહેતાં જય વિશ્વકર્માનું મોત
બાવીસ વર્ષનો નેપાળી યુવાન ભોમેશ્વરથી ઘરે જતો હતો ત્યારે બનાવઃ ગાંધીગ્રામ પોલીસે અકસ્માત સર્જનારા બાઇકચાલક સામે ગુનો નોંધ્યો

જય વિશ્વકર્માનો નિષ્પ્રાણ દેહ અને ફાઇલ ફોટો. નેપાળી સમાજના સંજયભાઇ કારકી હોસ્પિટલે પહોંચી મૃતકના સગાને મદદરૂપ થયા હતાં
રાજકોટ તા. ૨૩: જામનગર રોડ સાંઢીયા પૂલ નજીક બગીચા પાસે બે બાઇક સામ સામે અથડાતાં માધાપર ચોકડી પાસે રહેતાં નેપાળી યુવાનનું ગંભીર ઇજા થતાં મોત થયું છે. તે ભોમેશ્વરમાં કોઇ કામ માટે ગયો હોઇ ત્યાંથી ઘરે જતી વખતે બનાવ બન્યો હતો. આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે અકસ્માતમાં મૃત્યુ પામનાર જય નરેશભાઇ વિશ્વકર્મા (ઉ.વ.૨૨)ના પિતા માધાપર ચોકડી પાસે શુભમ્ પાર્ક ઉત્સવ એપાર્ટમેન્ટમાં રહેતાં નરેશભાઇ મોહનભાઇ વિશ્વકર્મા-નેપાળી (ઉ.વ.૪૮)ની ફરિયાદ પરથી બાઇક નં. જીજે૦૩જેબી-૩૮૦૭ના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
નરેશભાઇએ જણાવ્યું હતું કે હું મુળ નેપાળનો વતની છું અને વર્ષોથી મારા પરિવાર સાથે રાજકોટ રહુ છું. મારે સંતાનમાં બે દિકરા છે. જેમાં મૃત્યુ પામનાર જય મોટો હતો. તેનાથી નાનો દિકરો દેવ ૧૯ વર્ષનો છે. હું સાધુ વાસવાણી રોડ પર અીંબકા પાર્કમાં આયેલી ફલોર મીલમાં નોકરી કરુ છું. જ્યારે મારો દિકરો જય પાનની દુકાનમાં કામ કરતો હતો. ૨૧મીએ મંગળવારે રાતે સાડા અગીયારેક વાગ્યે હું ઘરે હતો ત્યારે ત્યારે દિકરા જયના શેઠ ગોૈરવભાઇ મહેતાએ ફોન કરી જાણ કરી હતી કે તમારા દિકરા જયને જામનગર રોડ સાંઢીયા પૂલ નજીક બગીચા પાસે અકસ્માત નડયો છે.
આ વાતની જાણ થતાં હું તરત ત્યાં પહોંચ્યો હતો ત્યારે જય બેભાન જેવો હતો. તેને તરત અમે સિવિલ હોસ્પિટલે ખસેડયો હતો. ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતાં. બાદમાં ફરીથી ૨૨મીએ સિવિલમાં ખસેડયો હતો. તપાસ કરતાં મને ખબર પડી હતી કે મારો દિકરો જય ભોમેશ્વર તરફથી તેનું બાઇક જીજે૦૩એમકે-૬૫૨૩ હંકારી ઘર તરફ આવતો હતો ત્યારે તેના બાઇક સાથે જીજે૦૩જેબી-૩૮૦૭ નંબરના બાઇકના ચાલકે અકસ્માત સર્જતા મારા દિકરા જયને માથા, મોઢાના ભાગે ઇજાઓ થઇ હતી. તેનું સારવાર દરમિયાન રાત્રીના મૃતયુ થયું હતું. તેમ વધુમાં નરેશભાઇએ કહેતાં પીએસઆઇ પી. બી. પટેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. યુવાન દિકરાના મોતથી નેપાળી પરિવારમાં શોક છવાઇ ગયો છે.
આ બનાવની જાણ થતાં નેપાળી સેવા સમાજના સંજયભાઇ કારકી હોસ્પિટલે પહોંચ્યા હતાં અને મૃતકના સગા પરિવારજનોને સાંત્વના પાઠવી તેમને મદદરૂ થયા હતાં.
(2:37 PM IST)










