News of Saturday, 3rd October 2026
અમદાવાદના બે કારખાનેદારે ફ્રોડના રૂા. ૫૮.૫૦ લાખ જમા કરવા એકાઉન્ટ ભાડે દીધુ'તુંણૂ ધરપકડ
નિવૃત મહિલા તબિબને ડિજીટલ એરેસ્ટ કરી અડધો કરોડ પડાવવાના કેસમાં તપાસ આગળ ધપી : બંનેના એકાઉન્ટમાં અઢી કરોડના ટ્રાન્જેકશનઃ પીઆઇ એસ. ડી. ફુલતરીયા, પી. આર. ડોબરીયા, એમ. ડી. ગઢવી અને ટીમોએ દર્શન મકવાણા, શુભમ્ પરમારની ધરપકડ કરીં: સુત્રધારની શોધ

રાજકોટ તા. ૩: શહેરના જાગનાથ પ્લોટ વિસ્તારમાં રહેતાં નિવૃત મહિલા તબિબને ડીજીટલ એરેસ્ટ કરવાના બનાવમાં સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરતાં અમદાવાદના કારખાનેદારોએ ૬ ટકા કમીશનની લાલચે એકાઉન્ટ ભાડે આપી લાખો રૂપિયા સાયબર ફ્રોડના સુત્રધારો સુધી પહોંચાડયાનું ખુલતાં બંનેને ઝડપી લીધા છે. તપાસ થતાં પેઢીના એકાઉન્ટમાં ફ્રોડના રૂ.૨.૫૦ કરોડ જમા થયાનું પણ સામે આવ્યું છે. પોલીસે હવે સુત્રધાર સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે.
જાણવા મળ્યા મુજબ ડો. યાજ્ઞિક રોડ પર જુના જાગનાથ પ્લોટ-૧માં રહેતાં ૮૨ વર્ષના નિવૃત મહિલા તબિબે નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે તેઓ અગાઉ શહેરની જનાના સરકારી હોસ્પીટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા અને હાલ નિવળત જીવન વ્યતીત કરે છે. ગઇ તા. ૨૧ના સવારના આશરે નવ વાગ્યાની આસપાસ મોબાઇલ નં. ૯૬૧૦૬૨૯૬૩૮ ઉપરથી સંજયસિંહ નામના કોઈ અજાણ્યા વ્યક્તીનો વોટસએપમા ફોન આવેલ જે હિન્દીમા બોલતો અને તેણે પોતાની ઓળખ મુંબઇ કોલંબા પોલીસ સ્ટેશનના પીએસઆઇની ઓળખ આપી જણાવેલ કે, મુંબઇ ખાતે ઇન્ડીયા કો-ઓપરેટીવ બેંકના મેનેજર હિતેશ મહેતાના મની લોન્ડ્રીંગ સાથે સંકળાયેલ હોવાનુ જણાતા તેના ઘરે રેડ કરતા તેના ઘરેથી તમારા નામનુ આધાર કાર્ડ, બેંકના એ.ટી.એમ. કાર્ડ મળેલ છે. જેથી આ મની લોન્ડ્રીંગ કેસમા તમારુ નામ પણ છે. તેમ કહી આ ગુનામા તમારી ધરપકડ કરવામા આવશે અને જેલમાં પુરી દેવામા આવશે. આ રીતે ડરાવી ધમકાવી ડીજીટલ એરેસ્ટ કરી અડધા કરોડથી વધુ રકમ પડાવી લીધી હતી. વધુ ૨૧.૫૦ લાખ તેઓ ટ્રાન્સફર કરે એ પહેલા સાયબર ક્રાઇમ પોલીસ પહોંચી ગઇ હતી અને આ ફ્રોડ હોવાની સમજ આપી હતી.
આ ગુનામાં તત્કાળ તપાસ કરવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય મંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઈમ ભરત બસીયા દ્વારા સુચના અપાઇ હોઇ પીઆઈ પી. આર. ડોબરીયાની રાહબરીમાં અલગ અલગ ટીમોએ તપાસનો ધમધમાટ આદરી ટેકનિકલ એનાલીસીસ તથા બેંકની માહિતીના આધારે આરોપી દર્શન રમેશ મકવાણા (ઉ.વ.૩૪, રહે. ઇસનપુર, અમદાવાદ, મુળ ગામ ભાણગઢ ધોલેરા) અને શુભમ દીલીપ પરમાર (ઉ.વ.૨૯, રહે.ભાવનગર, મુળ-બોટાદ) ને અમદાવાદ ખાતેથી ગણતરીની કલાકોમા પકડી પાડી આરોપી પાસેથી ચાર મોબાઈલ અને એક લેપટોપ કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ આરોપીઓએ પોતાની કંપનીના બેંક એકાઉન્ટમાં ૬ ટકા કમીશન મેળવાની લાલચે ૫૮.૫૦ લાખ જેટલી રકમ સાયબર ફ્રોડ આચરનાર મુખ્ય સૂત્રધારો સુધી પહોંચાડી ગુનો આચર્યા હતો. આ બંને શખ્સો અમદાવાદમાં કારખાનું ચલાવી પેઢીનું કરંટ એકાઉન્ટ ધરાવે છે. જેમાં અત્યાર સુધીમાં ૨.૫૦ કરોડ જેટલી સાયબર ફ્રોડની રકમ જમા થયાનો પણ ઘટસ્ફોટ થયો હતો. પીઆઇ એસ. ડી. ફુલતરીયા, પીઆઇ પી. આર. ડોબરીયા, પીઆઇ એમ. ડી. ગઢવી, પીએસઆઇ એસ. વી. ભાયાણી, એ. એમ. ઝાલા, એએસઆઇ કે. કે. ઝાલા, હિતેન્દ્રસિંહ ઝાલા, હેડકોન્સ. હર્ષરાજસિંહ જાડેજા, કોન્સ. જયપાલસિંહ ઝાલા, વિશાલભાઇ દેસાણી, જયપાલસિંહ સોલંકી અને લોકરક્ષક કિશોરભાઇ રંગાણીએ આ કામગીરી કરી હતી.
(3:30 PM IST)










