તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th November 2026
લોન ચુકવણીના ચેક રિટર્ન કેસમાં બે આરોપીને દોઢ વર્ષની સજા અને મહિલાને સાત માસની સજા

રાજકોટ, તા.૫: અત્રે પરિવાર ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીમાંથી અંગત ઉપયોગ માટે લોન લીધા બાદ હપ્તા નહીં ભરતાં અને પરત ચુકવણી માટે આપેલા ચેક બાઉન્સ થતાં દાખલ થયેલા અલગ-અલગ ત્રણ કેસમાં રાજકોટની નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કોર્ટે મહિલા સહિત ત્રણ આરોપીઓને તકસીરવાર ઠેરવ્યા છે. ઉપરાંત ત્રણેયને એક મહિનામાં ફરિયાદી મંડળીને ચેકની રકમ વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે. જેઓને સજા થયેલ છે તેમાં બે પુરુષોને દોઢ વર્ષની સજા અને મહિલા આરોપીને સાત માસની સજા કરવામાં આવી છે. આ કેસની ફકીકત એવી છે કે, આરોપી ઈલ્યાસ શાહબુદીન શેખ, ભાવના ચંદ ભટ્ટ તેમજ પ્રફુલચંદ્ર વિઠ્ઠલ સાવલિયાએ પરિવાર ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી પ્રાઇવેટ લિમિટેડ મંડળીમાંથી પોત-પોતાના અંગત ઉપયોગ અનુસાર અલગ અલગ રીતે લોન પેટે કુલ રૂ.૩,૪૮,૨૪૯/- લીધેલ હતા. ત્યારબાદ મંડળીના નિયમો અનુસાર લોનના હપ્તા મંડળીમાં સમયસર જમા કરાવેલ નહી, જેથી મંડળીએ પોતાની કાયદેસરની લેણી નીકળતી રકમ પરત માંગતા આરોપીઓએ ફરીયાદીને લોન રકમ પરત ચૂકવવા અલગ અલગ ચેક આપ્યા હતા. મંડળી વતી ત્રણેય ચેક બેન્કમાં રજૂ કરાવાતાં સદરહુ ચેક મંડળીના ખાતામાં જમા થયા વિના બાઉન્સ થઇ પરત ફર્યા હતા.
જે અંગે મંડળીએ તેમના એડવોકેટ ઈશાન ભટ્ટ મારફતે ત્રણેય ડિફોલ્ટરને અલગ અલગ લીગલ નોટિસ આપ્યા બાદ નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટસ કોર્ટમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ અલગ-અલગ ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી. આ ત્રણેય કેસ અલગ અલગ રીતે કોર્ટમાં ચાલવા ઉપર આવતા મંડળીના વકીલ દ્વારા દસ્તાવેજી પુરાવાઓ અને રજૂઆતોના સમર્થનમાં ઉચ્ચ અદાલતોના ચુકાદા રજૂ કરી ફરીયાદીનો કેસ ફોજદારી કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતો પ્રમાણે સાબિત કરવામાં સફળતા મેળવી હતી. જેથી કોર્ટે ત્રણેય આરોપીને એનઆઇ એક્ટ હેઠળ તકસીરવાર ઠરાવી ઇલ્યાસ શેખને દોઢ વર્ષની સાદી કેદ, ભાવના ભટ્ટને સાત માસની અને પ્રફુલ્લ સાવલિયાને દોઢ વર્ષની કેદની સજા ઉપરાંત ત્રણેય આરોપીઓએ એક મહિનાની અંદર ફરિયાદવાળા ચેકની રકમ મંડળીને વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યો છે. આ ત્રણેય કેસમાં ફરિયાદી મંડળી વતી સિનિયર એડવોકેટ હેમંત ભટ્ટ અને યુવા ધારાશાષાી ઈશાન ભટ્ટ રોકાયા હતા.
ઇશાન ભટ્ટ એડવોકેટ
(2:34 PM IST)










