News of Friday, 17th April 2026
રાજકોટમાં ‘આપ'નો ભરોસોઃ યુવા અને શિક્ષિત ચહેરાઓ પર વોર્ડ નં. ૪ માં ૨૧ અને ૨૨ વર્ષની બે યુવતીઓ મેદાનમાં
રાહુલ ભુવા, હાર્દિક રાબડીયા, અવની જાગાણી અને રિદ્ધિ મેટારિયા દ્વારા જોરશોરથી પ્રચાર શરૂઃ બદલાવ લાવવા કમર કસી

રાજકોટઃ રાજકોટ મહાનગર પાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે, ત્યારે આમ આદમી પાર્ટીએ વોર્ડ નંબર ૪ માં યુવા અને ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા ચાર ઉમેદવારોને મેદાનમાં ઉતારીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. ‘શિક્ષિત અને ઈમાનદાર યુવા ઉમેદવારો'ના નારા સાથે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરનાર આપના આ પેનલમાં બે ઉમેદવારો તો માત્ર ૨૧ અને ૨૨ વર્ષની વયના છે, જે આજના રાજકારણમાં નવી આશા જગાડે છે.
ર્ંઉમેદવારોનો પરિચય જોઈએ તો રાહુલ જેન્તીભાઈ ભુવા (એમ.એસ.સી, આઈ.ટી., બી.એડ) ૩૫ વર્ષીય રાહુલ ભુવા શિક્ષણ ક્ષેત્રે ૧૭ વર્ષનો અનુભવ ધરાવે છે અને મોટિવેશનલ સ્પીકર તરીકે જાણીતા છે. તેઓ છેલ્લા ૭ વર્ષથી 'આપ' સાથે જોડાયેલા છે અને હાલમાં રાજકોટ ઈસ્ટ ઝોન ઇન્ચાર્જ અને ગુજરાત પ્રવક્તા તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે.
હાર્દિક કાંતિલાલ રાબડીયા (એમટેક-સીએસઈ, પીયુઆર) ૩૪ વર્ષીય હાર્દિક રાબડીયા ટેકનિકલ બેકગ્રાઉન્ડ ધરાવે છે. તેઓ સામાજિક રીતે ખોડલધામ ટ્રસ્ટ અને યોદ્ધા ફાઉન્ડેશન સાથે સક્રિય રીતે જોડાયેલા છે. તેઓ છેલ્લા ૭ વર્ષથી પક્ષ માટે પાયાનું કામ કરી રહ્યા છે.
અવની કૈલાશભાઈ જાગાણી (એમબીએ ફાયનાન્સ) માત્ર ૨૨ વર્ષની વયે ચૂંટણી મેદાનમાં ઉતરેલા અવની જગાણી ઉચ્ચ શિક્ષિત છે. તેઓ ફાઈનાન્સ ક્ષેત્રના નિષ્ણાત છે અને ખાનગી કંપનીમાં ફાઈનાન્શિયલ એડવાઈઝર તરીકે કાર્યરત છે. યુવા પેઢીના પ્રતિનિધિ તરીકે તેઓ રાજનીતિમાં નવો વિચાર લાવવા માંગે છે.
રિદ્ધિ મનસુખભાઈ મેટારિયા (બીકોમ, એમ.કોમ, પેનલના સૌથી યુવા ઉમેદવાર રિદ્ધિ મેટારિયા માત્ર ૨૧ વર્ષના છે. તેઓ શાષીય સંગીતમાં ડિસ્ટિંક્શન ગ્રેડ ધરાવે છે અને શિક્ષણ ક્ષેત્રે પણ કાર્યરત છે. શૂન્યમાંથી સર્જન કરી રહેલા આ યુવા ઉમેદવાર મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.
વોર્ડ નંબર ૪ માં આમ આદમી પાર્ટીના આ ચારેય ઉમેદવારોએ હવે જનસંપર્ક શરૂ કર્યો છે. હવે બહુ થયું બદલાવ માટે - એક મોકો આપના સૂત્ર સાથે તેઓ મતદારો સુધી પહોંચી રહ્યા છે. ખાસ કરીને શિક્ષિત અને યુવા વર્ગમાં આ પેનલ માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે વોર્ડ નં.૪ના ‘આપ'ના ઉમેદવાર રાહુલ ભુવા, હાર્દિક રાબડીયા, અવની જાગાણી અને રિધ્ધિ મેટારિયા નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(10:42 AM IST)










