<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

હડાળા પાસે રિક્ષા-કારને ઉલાળીને ટ્રક ભાગ્‍યોઃ રાજકોટના અઝીઝશા શાહમદાર અને કાનાભાઇ હુંબલના મૃત્‍યુ : જુઓ વિડીયો

રાજકોટ-મોરબી હાઇવે પર રાતે ગોઝારો અકસ્‍માત બનાવઃ ચા-પાણી પીવા ઉભા અને ટ્રક કાળ બનીને ત્રાટક્‍યો : મનહરપરામાં રહેતાં ૩૬ વર્ષિય અઝીઝશા ૧૬ વર્ષના દિકરા અફઝલ સાથે મોરબી ઉર્ષમાં જતાં હતાં: પોતે રિક્ષા સહિત ઠોકરે ચડયાઃ દિકરો ફાકી લેવા ગયો અને બચી ગયોઃ બીજા મૃતક માધાપર ચોકડીએ રહેતાં કાનાભાઇ હુંબલ કારમાં હતાં: ઘટના સ્‍થળે જ મૃત્‍યુ

અકસ્‍માત સ્‍થળે ટ્રકની ઠોકરે ચડેલા કાર અને રિક્ષાની હાલત કેવી થઇ હતી તે જોઇ શકાય છે. તસ્‍વીર ગવરીદળથી જીજ્ઞેશ પ્રજાપતિએ મોકલી હતી. ઇન્‍સેટ તસ્‍વીર મૃતક કાના હુંબલ (વચ્‍ચે) અજીઝશા શાહમદાર (છેલ્લે)ની છે

રાજકોટ તા. ૨૪: રાજકોટ-મોરબી હાઇવે પર રતનપર નજીક આવેલા હડાળાના પાટીયા પાસે રાતે ગોઝારો અકસ્‍માત સર્જાયો હતો. જેમાં રોડ સાઇડમાં રિક્ષા અને કાર ઉભા રાખી ચાલકોએ ચા પાણી પીવા હોલ્‍ટ કર્યો ત્‍યારે જ પાછળથી એક બેકાબૂ ટ્રકનો ચાલક આ બંને વાહનને ઠોકરે લઇ ભાગી ગયો હતો. રિક્ષામાં બેઠેલા રાજકોટમાં ભાવનગર રોડ પર મનહરપરામાં રહેતાં ફકીર યુવાન અને કારમાં બેઠેલા બેડી ગામે રહેતાં આહિર પરિવારના યુવાનના ગંભીર ઇજા થવાથી ઘટના સ્‍થળે જ મૃત્‍યુ થયા હતાં. રિક્ષાચાલક યુવાન પોતાના સોળ વર્ષના દિકરા સાથે મોરબી ઉર્ષમાં જવા માટે નીકળ્‍યો હતો. તેનો દિકરો ફાકી ખાવા ગયો હોઇ રિક્ષાથી દુર હોઇ બચી ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ રાજકોટમાં ભાવનગર રોડ ફાયર બ્રિગેડ નજીક મનહરપરા શેરી નં. ૧માં રહેતાં અજીઝશા જીલુશા શામહમદાર (ઉ.વ.૩૬) નામના ફકીર યુવાન રાતે રાજકોટથી પોતાની રિક્ષા હંકારી મોરબી ખાતે દરગાહના ઉર્ષમાં જવા રવાના થયો હતો. તેની સાથે રિક્ષામાં તેનો પુત્ર અફઝલ શાહમદાર (ઉ.વ.૧૬) પણ હતો. અજીઝશાના પત્‍નિ ખેરૂનબેનનું માવતર મોરબી હોઇ તેઓ આગલા દિવસે જ મોરબી જતાં રહ્યા હતાં.

રાતે પિતા-પુત્ર હડાળા નજીક મોમાઇ હોટલ પાસે પહોંચ્‍યા ત્‍યારે ચા પાણી પીવા માટે હોલ્‍ટ કર્યો હતો. આ વખતે  અજીઝભાઇ રિક્ષામાં બેઠા હતાં અને દિકરો અફઝલ ફાકી ખાવા ગયો હતો. તે વખતે એકાએક પાછળથી બંબાટ ઝડપથી ટ્રક આવ્‍યો હતો અને રિક્ષાને ઉલાળી દેતાં રિક્ષાનો બૂકડો બોલી ગયો હતો. એ સાથે જ અંદર બેઠેલા અજીઝભાઇ પણ રિક્ષા સાથે ટ્રકની ઠોકરે આવી જતાં તેમનું કમકમાટી ભર્યુ મોત થયું હતું.

જ્‍યારે ટ્રકની ઠોકરે અન્‍ય એક કાર   જીજે૦૩એમઇ-૮૨૬૩ પણ ચડી ગઇ હતી.   આ કારમાં બેઠેલા બેડી ગામના કાનાભાઇ ગોવિંદભાઇ હુંબલ (ઉ.વ.૨૨) ઠોકરે ચડતાં તેનું પણ કમકમાટી ભર્યુ મૃત્‍યુ થયું હતું. બનાવને પગલે મોટી સંખ્‍યામાં લોકો ભેગા થઇ ગયા હતાં. અકસ્‍માત સર્જી ટ્રકચાલક ભાગી ગયો હતો. ૧૦૮ ઘટના સ્‍થળે પહોંચી હતી. જેના તબિબે અજીઝશા શાહમદાર અને કાનાભાઇ હુંબલને મૃત જાહેર કર્યા હતાં.

બનાવની જાણ થતાં કુવાડવા પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ પી. બી. પટેલ, હેડકોન્‍સ. વૈભવભાઇ મકવાણા, પ્રકાશભાઇ રાઠોડ સહિતનો સ્‍ટાફ દોડી ગયો હતો. પોલીસે ટંકારા નજીકથી ટ્રકને આંતરી લીધો હતો. વધુ માહિતી અનુસાર મૃત્‍યુ પામનાર કાનાભાઇ પાંચ બહેનનો એકનો એક ભાઇ  હતો અને અપરિણીત હતો.

જ્‍યારે રિક્ષાચાલક અજીઝશાને સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. પોતે ત્રણ ભાઇ અને એક બહેનમાં નાના હતાં. બનાવથી બંને મૃતકોના પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે.

(2:45 PM IST)