<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

ભાયાવદરમાં સેવા-સંસ્‍કારનો ત્રિવેણી સંગમ : રપ દિકરીઓના સમુહલગ્ન સાથે મકનબાપા સેવાધામનો રજતજયંતિ મહોત્‍સવ

નાસિક ઢોલના તાલે જાનનું ભવ્‍ય આગમન, કોલ્‍ડ ફાયરની આતશબાજી વચ્‍ચે દિકરીઓની શાહી એન્‍ટ્રી : દરેક નવદંપતીને ૩.પ લાખની વીમા પોલીસી અને સોના-ચાંદીના દાગીના સહિત ૧૧પથી વધુ વસ્‍તુઓ કરીયાવરમાં અપાશે

રાજકોટ : અમરેલી જિલ્લાના ભાયાવદર મુકામે આવેલ શ્રી મકનભાપા સેવાધામ દ્વારા આયોજિત ૨૫ દીકરીઓના રાજસી સમૂહલગ્નોત્‍સવને લઈ સમગ્ર પંથકમાં ભારે ઉત્‍સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે. મકનબાપા મંદિરની ૨૫મી રજતજયંતિ મહોત્‍સવ નિમિત્તે યોજાનાર આ ભવ્‍ય સમૂહલગ્નોત્‍સવમાં સમાજસેવા, સંસ્‍કાર અને વૈભવી આયોજનનું અનોખું સંગમ સર્જાશે.

આ સમૂહ લગ્નોત્‍સવમાં માતા-પિતા વગર અને આર્થિક રીતે નબળા પરિવારની દિકરીઓને સ્‍થાન આપવામાં આવ્‍યું છે. આ આયોજનમાં દીકરીઓના લગ્નને યાદગાર બનાવવા માટે વિશેષ તૈયારીઓ હાથ ધરાઈ છે. લગ્નમંડપને આકર્ષક અને ભવ્‍ય ડેકોરેશનથી સજાવવામાં આવશે, જાનનું આગમન નાસિક ઢોલથી અને દિકરીઓને કોલ્‍ડ ફાયરથી ભવ્‍ય એન્‍ટ્રી કરવામાં આવશે. આ કાર્યક્રમ તા. ૧૬ અને ૧૭ મે  દરમિયાન યોજાનાર છે. સેવાધામ ખાતે બે દિવસ સુધી ધાર્મિક, સાંસ્‍કળતિક અને સામાજિક કાર્યક્રમોની રંગત જામશે. સમૂહલગ્નોત્‍સવને લઈને સેવાધામ પરિવાર દ્વારા વ્‍યાપક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું જણાવાયું છે.

કાર્યક્રમ અંતર્ગત તા. ૧૭ મેના રોજ મકનબાપાની ભવ્‍ય શોભાયાત્રા તેમજ નવા નિર્મિત હોલ અર્પણ વિધિ તથા મંગલ પ્રવેશનું આયોજન કરવામાં આવ્‍યું છે. સવારે ૮:૩૦ વાગ્‍યે મઢની બાજુમાં નિર્મિત હોલનું લોકાર્પણ થશે, જ્‍યારે સવારે ૧૦:૩૦ વાગ્‍યે શ્રી મકનબાપા સેવાધામ ખાતે નિર્મિત  ભવ્‍ય રજવાડી પ્રવેશદ્વાર અર્પણ કરાશે. ત્‍યારબાદ સવારે ૧૧ વાગ્‍યે નવા હોલના મંગલ પ્રવેશનો કાર્યક્રમ યોજાશે. ગરમીના કારણે સમૂહ લગ્નોત્‍સવ રાત્રીના ભવ્‍ય લાઇટીંગ ડેકોરેશન સાથે યોજાશે. સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં સમાજના આગેવાનો, મહાનુભાવો અને દાતાઓ હાજરી આપવાના છે.

સમૂહલગ્નોત્‍સવમાં લગ્નગ્રંથીએ બંધાનાર ૨૫ દીકરીઓને કરિયાવરરૂપે સોના-ચાંદીના આભૂષણો, ફ્રીઝ, વોશીંગ મશીન, એલઇડી ટીવી, ઘરઘંટી સહિત ફર્નિચર તેમજ ઘરઉપયોગી તમામ જરૂરી ચીજવસ્‍તુઓ આપવામાં આવશે. સમૂહલગ્નોત્‍સવમાં અરવિંદભાઈ વી. ચાવડા (નંદની હર્બલ કેર પ્રા.લિ.-અમદાવાદ), સંજયભાઈ આર. રાવરાણી (ભગીરથ ઇન્‍ફ્રાબિલ્‍ડ-સુરત), દિલીપભાઈ આર. ચાવડા (નંદની હર્બલ કેર પ્રા.લિ.-અમદાવાદ), એસ. કે. પટેલ (નંદની હર્બલ કેર પ્રા.લિ.-અમદાવાદ) તેમજ વિનુભાઈ વિરજીભાઈ ચાવડા (વડેરા વિવેક ઇન્‍ડસ્‍ટ્રીઝ પ્રા.લિ.-ભાવનગર) સહિતના દાતાઓ સહયોગ મળી રહેલ હોવાનું અખબારી યાદીમાં જણાવાયું છે.

આ કાર્યક્રમમાં મહાનુભાવો તેમજ સંતો-મહંતો દિકરીઓએ આશિર્વાદ આપશે. આ સમૂહ લગ્નોત્‍સવ સફળ બનાવવા કમિટીના સભ્‍ય દિલીપભાઇ ચાવડા, હિમંતભાઇ ચાવડા, ચંદુભાઇ રાવરાણી, રસીકભાઇ ચાવડા, પ્રકાશ રાવરાણી, જીતુભાઇ ચાવડા, વિવેકભાઇ ચાવડા અને ગોપાલભાઇ રાવરાણી તથા સમસ્‍ત ચાવડા-રાવરાણી પરિવારના સભ્‍યો જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(3:35 PM IST)