તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
કવિ સંજુ વાળાના જન્મદિવસ નિમિત્તે યોજાયો ત્રિવેણી સાહિત્ય સંગમ : ભારવિ, સાહિત્યસેતુ અને ધર્મેન્દ્રસિંહજી કોલેજના સંયુક્ત ઉપક્રમે વિશેષ પરિસંવાદ
પદ્મશ્રી હેમંત ચૌહાણના સુરીલા કંઠે કવિશ્રીની રચનાઓથી કોલેજ પરિસર ગુંજ્યું : બળવંતભાઈ જાનીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં સાહિત્યના મહારથીઓએ સંજુ વાળાના બહુઆયામી સર્જનને પોંખ્યું

રાજકોટ: ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત અને અગ્રણી કવિ સંજુ વાળાના જન્મદિવસ નિમિત્તે સાહિત્યિક સંસ્થા ‘ભારવિ’, ‘સાહિત્યસેતુ’ અને ધર્મેન્દ્રસિંહજી કોલેજના યજમાનપદે એક ભવ્ય સાહિત્યિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. દર મહિનાના બીજા રવિવારે નિયમિત બેઠક યોજતી ભારવિ સંસ્થા દ્વારા આ વખતે સંજુ વાળાના જીવનકવન અને સર્જનપ્રક્રિયાના પરિશીલન અર્થે ખાસ જાહેર કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવાની સ્વૈચ્છિક જવાબદારી આર. પી. જોશી અને સુનિલ જાદવે સુપેરે નિભાવી હતી. ધર્મેન્દ્રસિંહજી કોલેજના આચાર્ય અને ગુજરાતી વિભાગના પ્રાધ્યાપકો દ્વારા કરાયેલી સુંદર વ્યવસ્થા વચ્ચે યોજાયેલી આ બેઠકના અધ્યક્ષસ્થાને વરિષ્ઠ સાહિત્યકાર બળવંતભાઈ જાની ઉપસ્થિત રહ્યા હતા.
હેમંત ચૌહાણના કંઠે ગવાયેલી કૃતિઓથી સભા રણઝણી ઉઠી:
કાર્યક્રમના પ્રારંભે સુનિલભાઈ જાદવના સંચાલન હેઠળ તમામ અતિથિઓ અને વક્તાઓનું પુસ્તકો અર્પણ કરીને ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રાધ્યાપક અશ્વિન બારડે સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. કાર્યક્રમની સુરીલી અને ભવ્ય શરૂઆત જાણીતા ભજન ગાયક પદ્મશ્રી હેમંત ચૌહાણના મધુર સ્વરોથી થઈ હતી. તેમણે કવિ સંજુ વાળાની બે ઉત્કૃષ્ટ રચનાઓ ‘લેહ લાગી છે’ અને ‘છેક શિખરની મજા’ રજૂ કરીને સમગ્ર કોલેજ કેમ્પસને ભક્તિ અને સાહિત્યના રંગે રણઝણતું કરી દીધું હતું. સંચાલક સુનિલભાઈએ સંજુ વાળાની કવિતાના વિવિધ સ્વરૂપો અને ગુજરાતી સાહિત્યમાં તેમના દ્વારા કંડારાયેલા નોખા ચિલા વિશે કાવ્યપંક્તિઓના આધારે રસપ્રદ છણાવટ કરી હતી.
વક્તાઓએ સંજુ વાળાના કાવ્યશિલ્પ અને નવ્ય પ્રતીકોને બિરદાવ્યા:
બેઠકમાં ઉપસ્થિત વિવિધ વક્તાઓએ સંજુ વાળાના સાહિત્યિક પ્રદાન પર પોતાના તથ્યસભર વિચારો રજૂ કર્યા હતા. કવિ ઈલિયાસ શેખે કવિ સાથેની પ્રથમ મુલાકાતને યાદ કરીને તેમની અછાંદસ કવિતાઓનું પઠન તેમજ આસ્વાદ કરાવ્યો હતો અને કવિના નાજુક કાવ્યશિલ્પની પ્રશંસા કરી હતી. આર. પી. જોશીએ સંજુભાઈના જીવન-કવન, કારકિર્દી અને કવિતા, ગઝલ, ગીત, અછાંદસ તેમજ વિવેચન ક્ષેત્રે તેમના ઉમદા પ્રદાનની વિસ્તૃત વિગતો આપી હતી. પ્રોફેસર દલપત ચાવડાએ સંજુ વાળાની ગીતકવિતાઓની ચર્ચા કરી પરંપરાથી અલગ પડતી તેમની વિશિષ્ટ લય-મુદ્રાને પંક્તિઓ સહ સમજાવી હતી. જ્યારે કવિ મહેન્દ્ર જોશીએ સંજુભાઈની ગઝલોમાં છંદની શિસ્ત, અદભુત પ્રતીકો અને વણાયેલા અધ્યાત્મ વિશે સચોટ વિશ્લેષણ રજૂ કર્યું હતું, જેને શ્રોતાઓએ ભારે તાળીઓથી વધાવી લીધું હતું.
કવિ સંજુ વાળાના સર્જન પર વિશેષ સત્ર યોજવા અધ્યક્ષીય સૂચન:
પોતાના અધ્યક્ષીય વક્તવ્યમાં બળવંતભાઈ જાનીએ કવિ સંજુ વાળાના સમગ્ર સાહિત્યિક કર્તૃત્વને બિરદાવી ઉમેર્યું હતું કે ગુજરાતી કવિતામાં સીમાચિહ્નરૂપ કામ કરનારા આ કવિની યોગ્ય કદર થવી હજુ બાકી છે. તેમણે કવિના સર્જન અંગે ભવિષ્યમાં એક સંપૂર્ણ વિશેષ સત્ર યોજી ભજન, ગઝલ અને સુગમ સંગીતના કલાકારોના સંગાથે ગીત, ગઝલ અને અછાંદસ કાવ્યોનો આસ્વાદ કરાવવા સરસ સૂચન કર્યું હતું. મધ્યમાં વરિષ્ઠ કવિ ભાસ્કર ભટ્ટે પોતાના આગામી કાવ્યસંગ્રહ ‘ડાંખળાં’ની પ્રથમ નકલ બળવંતભાઈ જાનીના હસ્તે કવિ સંજુ વાળાને જન્મદિવસની ભેટરૂપે અર્પણ કરી અભિવાદન કર્યું હતું.
પ્રત્યુત્તરમાં કવિએ નવતર રચનાઓનું પઠન કર્યું:
કાર્યક્રમના અંતિમ ચરણમાં કવિ સંજુ વાળાએ ભાવુક હૃદયે પોતાની સર્જનપ્રક્રિયાના અજાણ્યા પાસાઓ ખોલ્યા હતા અને તેમના કાવ્યવિકાસમાં સહાયક બનેલા વિવિધ પરિબળોની ચર્ચા કરી હતી. તેમણે પોતાના અપ્રકાશિત અને ગ્રંથસ્થ થવાના બાકી હોય તેવા બે નવા કાવ્યોનું પઠન કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા તથા સ્નેહભાવ દર્શાવવા બદલ તમામ સંસ્થાઓનો આભાર માન્યો હતો. અંતમાં સંજય ઉપાધ્યાયે ભારવિ સંસ્થાની કાર્યપદ્ધતિ અને આજની બેઠક પાછળની ભૂમિકા સ્પષ્ટ કરી આયોજક ત્રણેય સંસ્થાઓ વતી આભારદર્શન કરી સભાની પૂર્ણાહુતિ કરી હતી.
(2:50 PM IST)










