<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

મનપામાં બદલીનો ઘાણવોઃ કમિશનરે શરૂ કરી વહીવટી સર્જરી

છેલ્લા ૨૪ કલાકમાં બે હુકમથી અધિકારી વર્તુળોમાં હલચલઃ વર્ષોથી એક જ જગ્‍યાએ ચીટકી રહેલા અધિકારીઓની બદલી થવાની અટકળો તેજ : સસ્‍પેન્‍ડેડ કૌશિક ઉનાવાના સ્‍થાને નિરજ વ્‍યાસની નિયુક્‍તિઃ ટીપી, ટેક્‍સ, સાંસ્‍કળતિક વિકાસ સહિતના વિભાગોમાં ફેરબદલ

રાજકોટ, તા.૨૭: મ્‍યુનિ.કોર્પોરેશનના વહીવટી તંત્રને ફરી ગતિશીલ બનાવવા મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ વહીવટી સર્જરી શરૂ કરી છે. ૨૪ કલાકમાં જ બદલી અને ચાર્જ ફેરબદલના બે હુકમો જારી થતાં મનપાના અધિકારી વર્તુળોમાં હલચલ મચી છે. આગામી દિવસોમાં હજુ મોટા પાયે બદલીઓના હુકમો નીકળવાની શકયતાઓએ જોર પકડ્‍યું છે. કમિશનરે ઇસ્‍ટ ઝોનના ઝોનલ ટાઉન પ્‍લાનર અભિ પટેલની વેસ્‍ટ ઝોનમાં અને વેસ્‍ટ ઝોનના ટાઉન પ્‍લાનર ભાર્ગવ બરવાળિયાની ઇસ્‍ટ ઝોનમાં આંતરિક બદલી કર્યા બાદ વધુ એક હુકમ જારી કર્યો છે. સસ્‍પેન્‍ડ કરાયેલા સાંસ્‍કળતિક વિકાસ વિભાગના મેનેજર કૌશિક ઉનાવાના સ્‍થાને નિરજ વ્‍યાસની નિયુક્‍તિ કરવામાં આવી છે. નિરજ વ્‍યાસ અત્‍યાર સુધી આર.આર.એલ., ટ્રાફિક, ટ્રાન્‍સપોર્ટ અને પાર્કિંગ મેનેજમેન્‍ટ તેમજ ઇન્‍ટિગ્રેટેડ કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ રૂમના નોડલ ઓફિસર તરીકેની જવાબદારી સંભાળતા હતા.

નિરજ વ્‍યાસ હસ્‍તકની આર.આર.એલ. ની કામગીરી વેસ્‍ટ ઝોનના ટેક્‍સ ઓફિસર મયુર ડી. ખીમસુરિયાને, જ્‍યારે ટ્રાફિક, ટ્રાન્‍સપોર્ટ અને ર્પાકિંગ મેનેજમેન્‍ટ બ્રાન્‍ચ તથા કંટ્રોલ રૂમના નોડલ ઓફિસરની જવાબદારી ટેક્‍સ ઓફિસર હાર્દિકસિંહ જે. જાડેજાને સોંપવામાં આવી છે. બંને અધિકારીઓની હાલની કામગીરી યથાવત્‌ રાખવામાં આવી છે. તમામ હુકમોની તાત્‍કાલિક અસરથી અમલવારી કરવા આદેશ અપાયો છે.

ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ મનપામાં બદલીઓનો દોર શરૂ થયો હતો. જોકે, ત્‍યારબાદ લાંબા સમયથી મોટા પાયે બદલીઓ નહીં થતાં વહીવટી તંત્રમાં શિથિલતા આવી હોવાની ચર્ચા છે. હવે વર્ષોથી એક જ વિભાગમાં ચીટકી રહેલા અધિકારીઓને ફંગોળીને તંત્રમાં નવી ગતિ લાવવાની કમિશનરે કવાયત હાથ ધરી હોવાનું મનાય છે.

હવે કમિશનરની બદલીની ગાજ કયા અધિકારીઓ પર પડશે તેના પર મનપા વર્તુળોની મીટ મંડાઈ છે.

(2:21 PM IST)