તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Sunday, 20th September 2026
રાજકોટ શહેર પોલીસમાં વધુ ૧૩ પોલીસ કર્મચારીઓની બદલી: ૭ કર્મચારીઓ એટેચ કરાયા
પોલુસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ ત્રણ દિવસમાં બદલીનો બીજો ઓર્ડર બહાર પાડ્યો

રાજકોટ: શહેર પોલીસ કમિશનરેટ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુદ્રઢ બનાવવા તેમજ વહીવટી સરળતા, જાહેર હિત અને કર્મચારીઓની માંગણીઓને ધ્યાને રાખીને મોટા પાયે બદલી અને એટેચમેન્ટના હુકમો જારી કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા કરવામાં આવેલા આદેશ અનુસાર શહેરના વિવિધ પોલીસ મથકો, શાખાઓ અને કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા કર્મચારીઓની તાત્કાલિક અસરથી બદલી કરી નવી જગ્યા પર નિમણૂક કરવામાં આવી છે.
વિગતવાર માહિતી મુજબ, કુલ ૧૩ પોલીસ કર્મચારીઓની ફેરબદલી કરવામાં આવી છે. જેમાં માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે જીગ્નેશભાઈ રણછોડભાઈ માવાણી, શીતલ અજમલભાઈ પટેલ, સિરાજ હાજીભાઈ ચાનીયા, નયના હરીશભાઈ પરમાર, રવીરાજભાઈ જસકુભાઈ પટગીર અને ધર્મરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલાની બદલી કરાઈ છે. આ ઉપરાંત ચંદુ મુકેશભાઈ રામાણીને મુખ્ય મથક, કુલદીપસિંહ જાડેજાને બી-ડીવીઝન, ચંદ્રપાલભાઈ બરાળીયાને એ-ડીવીઝન, ઊર્મિલાબેન કટેશીયાને ભક્તિનગર, કિપાલસિંહ ઝાલાને રાજકોટ તાલુકા, કાજલબેન બાવરીયાને ટ્રાફિક શાખા તથા નગ્મા શેખને ગાંધીગ્રામ-૨ (યુનિ) પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યા છે.
બીજી તરફ, અન્ય એક કચેરી હુકમ અન્વયે ૭ પોલીસ કર્મચારીઓને વિશેષ કામગીરી માટે એટેચ કરવામાં આવ્યા છે. જેમાં હિતેન્દ્રસિંહ જાડેજાને મુખ્ય મથકની અરજી શાખામાં તેમજ યશપાલસિંહ જાડેજા અને સંજયકુમાર હેરમાને ૧૧૨ જનરક્ષક પ્રોજેક્ટ અંતર્ગત કંટ્રોલ રૂમમાં નિમણૂક અપાઈ છે. આ સાથે કાજલબેન મકવાણા, ધારાબેન ચુડાસમા, પૂર્ણિમાબેન મકવાણા અને રૂપલબેન અગરાવતને અનુક્રમે નાયબ પોલીસ કમિશનર ઝોન-૧, ઝોન-૨, અધિક પોલીસ કમિશનર અને નાયબ પોલીસ કમિશનર (ટ્રાફિક તથા મુખ્ય મથક)ના અંગત મદદનીશની મદદમાં બદલી સાથે એટેચ કરવામાં આવ્યા છે. સંબંધીત કચેરીના વડાઓને આ તમામ કર્મચારીઓને તાત્કાલિક અસરથી છૂટા કરી નવી જગ્યાએ હાજર કરવા સૂચના આપવામાં આવી છે.
(10:32 AM IST)










