News of Tuesday, 8th September 2026
પ્રધ્યુમન પાર્ક, રામવન તથા ગાંધી મ્યુઝિયમમાં સહેલાણીઓ ઉમટયાઃ ૧૭.૨પ લાખની આવક
મનપાને જન્માષ્ટમીના તહેવારો ફળીયાઃ ૪ દિ'માં ૭૯ હજાર લોકોએ મુલાકાત કરી

રાજકોટ, તા.૮: મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂ, રામવન અર્બન ફોરેસ્ટ અને મહાત્મા ગાંધી મ્યુઝિયમ પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ, રામવન અને મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ મુલાકાતે લીધી હતી. ખાસ કરીને જન્માષ્ટમી તથા દિવાળીના તહેવારો દરમિયાન મુલાકાતીઓની વિશષ ભીડ રહે છે. સાતમ-આઠમના તહેવાર નિમિતે તા. ૩ થી ૬ સુધી પ્રદ્યુમન પાર્ક ઝૂ કુલ ૭૩૫૬૫ સહેલાણીઓ, રામવન અર્બન ફોરેસ્ટ ખાતે ૫૪૮૩ અને મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે ૮૦૨ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી. પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે કુલ ૭૩૫૬૫ મુલાકાતીઓ મુલાકાતે આવ્યા હતા જેમાં રાજકોટ મહાનગરપાલિકાને રૂા.૧૬,૦૯,૬૪૦/- તથા રામવન અર્બન ફોરેસ્ટ ખાતે કુલ ૫૪૮૩ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી જેમાં રાજકોટ મહાનગરપાલિકાને કુલ રૂ. ૧,૧૬,૬૮૦ લાખની આવક થયેલ જયારે મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે ૮૦૨ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી.
તહેવારનાં દિવસોમાં મુલાકાતીઓની વિશેષ ભીડ રહેતી હોવાથી તંત્ર દ્વારા અગાઉથી જ મુલાકાતીઓને કોઇપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવેલ. જેમાં ટીકીટ બુકીંગ માટે લાંબી કતારો ન લાગે તે માટે વધારે ટીકીટ બુકીંગ કાઉન્ટર શરૂ કરવામાં આવેલ, મુલાકાતીઓ માટે ફર્સ્ટ એઇડ સુવીધા, વાહન પાર્કીગમાં મુશ્કેલી ન પડે તે માટે વધારાના સીકયુરીટી ગાર્ડની વ્યવસ્થા, બેટરીકાર માટેનું અલગ સ્ટેન્ડ, માઇકીંગ સીસ્ટમ, સમગ્ર ઝૂ પરીસરમાં વહેલી સવારથી જ દૈનીક સફાઇ વ્યવસ્થા વિગેરે કરવામાં આવેલ.
(4:03 PM IST)










