તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 18th April 2026
નાણાકીય વર્ષ ર૦ર૬-ર૭ માં શેરબજાર માટે કપરા ચઢાણ : કેશ રિચ કંપનીઓ શેરો બાયબેક કરશેઃ નબળુ ચોમાસુ નેગેટીવ પોઇન્ટ

રાજકોટ, તા., ૧૮: શેરબજાર માટે આમ તો જાન્યુઆરી ૨૦૨૬ થી જ કપરા ચઢાણ છે પરંતુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માં પણ આ જ પરિસ્થિતિનો સામનો કરવો પડશે તેવું લાગે છે.
સૌથી મોટો અગત્યનો અને ખૂબ જ મહત્વનો મુદ્દો તો યુદ્ધ જ છે. સામાન્ય રીતે યુદ્ધનો અંત વર્ષો સુધી આવતો હોતો નથી.જે આપણને રશિયા અને યુક્રેન પરથી પણ જોવા મળ્યું છે. અનેક વખત યુદ્ધ વિરામની જાહેરાતો રશિયા અને યુક્રેન વચ્ચે જોવા મળી. પરંતુ હજુ પણ બંને દેશો વચ્ચે હુમલાઓ ચાલુ જ છે.આ જ પરિસ્થિતિ અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે થવાની પૂરેપૂરી શકયતા છે. સીઝ ફાયર થશે.સમાધાન થશે. પરંતુ કાયમી ઉકેલની કોઈ શકયતા હાલ તુરંત જોવા મળતી નથી.
પાંચ રાજ્યો મા ચૂંટણી ચાલી રહી છે. ચૂંટણીના પરિણામોની પણ નેગેટિવ-પોઝિટિવ અસર કદાચ બજાર પર જોવા મળી શકે છે. ૨૦૨૫-૨૬ નાણાકીય વર્ષના છેલ્લા ત્રિમાસિક પરિણામો પણ ધાર્યા કરતા નબળા આવવાની શકયતા છે. એથી પણ આગળ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ના પ્રથમ ત્રિમાસિક પરિણામો પણ નબળા આવવાની પૂરેપૂરી શકયતા છે. ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ ચોમાસુ કદાચ થોડું નબળું જવાની શકયતા છે. જેની પ્રતિકૂળ અસર આવનારા સમયમાં શેરબજાર પર જોવા મળી શકે છે.
સૌથી અગત્યનો મુદ્દો એ પણ છે કે હજુ ટેરિફને લઈને કોઈ નિરાકરણ થયું નથી અને ટેરીફ મુદ્દે ભારતીય ડેલિગેશન અમેરિકાના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહીને ચર્ચા વિચારણાઓ કરીને, આ મુદ્દે પણ સમાધાન કરવાની કોશિશ કરી રહ્યા છે. અમેરિકાની વિઝીટ પણ કરી રહ્યા છે પરંતુ આ મુદ્દે કોઈ નક્કર સમાધાન થઈ રહ્યું નથી. જે આવનારા સમયમાં આપણા નિકાસને ખૂબ જ અસર કરતા સાબિત થશે.
એકમાત્ર આશા રોકાણકારો માટે એ છે કે આ આખું વર્ષ બાયબેક માટે ખૂબ જ સારું સાબિત થશે. કારણકે ૧ લી એપ્રિલથી બાયબેકમાં જનારા શેરો ને ડિવિડન્ડ ની આવક ગણવામાં નહીં આવે. પરંતુ જે કોઈની વ્યક્તિગત આવકના પ્રમાણમાં લોંગ ટર્મ કે શોર્ટ ટર્મ ટેક્સ લાગશે. એટલા માટે બાયબેક માટે આ આખું વર્ષ સારું જશે અને જેટલી કંપનીઓ કેશ રિચ છે, ખૂબ જ સારું રિઝર્વ છે, તેવી કંપનીઓ પોતાના શેરો ના ભાવોને ટકાવી અને રોકાણકારોને કોઈપણ રીતે વળતર આપવા માટે શેર બાયબેક ની સ્કીમ લઈને આવશે.તેમાં પણ ટેન્ડર રૂટથી બાયબેક આવશે તો રોકાણકારોને ફાયદો જ થવાનો છે.
શેરબજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણીના જણાવ્યાનુસાર ચાર થી પાંચ કારણોને કારણે શેરબજાર માટે કપરા ચઢાણ લાગે છે. નબળું ચોમાસુ, ટેરીફ વિશે નક્કર પરિણામો ન આવવા, વિદેશી નાણાકીય સંસ્થાઓની સતત વેચવાલી, કંપનીઓના ત્રિમાસિક પરિણામો નબળા આવવાની શકયતા અને રૂપિયાનું અવમૂલ્યન.
આ સિવાય સૌથી મોટું કારણ છે યુદ્ધ. યુદ્ધ જો વધારે લાંબુ ચાલ્યું તો પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ શકે છે.જો યુદ્ધ થોડા દિવસોમાં પૂરું થઈ જાય તો પણ આવનારા છ થી આઠ મહિના શેર બજાર માટે કદાચ નબળા રહે.
(2:56 PM IST)










