તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th November 2026
આવતીકાલે કાળી ચૌદશના દિવસે મહુડી ખાતે જૈન શાસન રક્ષક વીર શ્રી ઘંટાકર્ણદાદાના હવનનું અનેરૂ મહત્વ
દેશ અને દુનિયામાંથી અનેક જૈન - જૈનેતરો આ હવનના પૂજા, દર્શનાર્થે આવે છે અને તેમની મનોકામના પૂર્ણ કરે છે

રાજકોટ : ઉત્તર ગુજરાતમાં મહુડી તીર્થનું નામ આવતાં જ આસ્થાથી હૈયું તરબતર થઈ જાય છે. ભગવાન શ્રી ઘંટાકર્ણ મહાવીર દાદાનું આ સ્થાનક જૈન તીર્થ હોવા છતાં જૈનેતરો માટે પણ એટલું જ પૂજનીય છે. અહીં મોટી સંખ્યામાં જૈન અને જૈનેતર શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે.
ઉત્તર ગુજરાતના ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં મહુડી આવેલું છે. તેનું પ્રાચીન નામ મધુપુરી છે. અહીં શ્રી ઘંટાકર્ણવીર દાદાનું મંદિર ઉપરાંત મૂળનાયક શ્રી પદ્મપ્રભુ જિનેશ્વર ભગવાનનું ભવ્ય જિનાલય છે. શ્રી ઘંટાકર્ણવીર જિનશાસનના બાવન વીર પૈકીના ત્રીસમા વીર છે. જિનશાષ મુજબ તેઓ પૂર્વભવમાં મહાબલ નામના ક્ષત્રિય રાજા હતા.
હાલના ઉત્તરાખંડ રાજ્યના ટિહરી ગઢવાલ વિસ્તારમાં આવેલા શ્રીનગર (શ્રીતીર્થ)માં તેમનું રાજ્ય હતું. તેની નજીકની પર્વતમાળામાં આવેલા તીર્થંકર પરમાત્માઓનાં જિનાલયોની યાત્રાએ આવતા શ્રાવકોનું હિસક વન્યપ્રાણીઓ અને અનાર્ય પ્રજાથી રક્ષણ કરતા હતા. યાત્રીઓનું રક્ષણ કરતાં પ્રાણાર્પણ કરી શુભધ્યાનમાં મૃત્યુ પામ્યા હતા. શ્રી પર્વતતીર્થના મહાપ્રભાવક અધિષ્ઠાયક તરીકે તેઓ આજે પણ પૂજનીય છે.
જિનશાસન પ્રભાવક, યુગપ્રવર્તક, યોગનિષ્ઠ આચાર્યભગવંત શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજાએ મધુપુરી તીર્થમાં શ્રી ઘંટાકર્ણદાદાનો આવિર્ભાવ કર્યો હતો. આ તીર્થના તેઓ અધિષ્ઠાતા છે.
વિક્રમસંવત ૧૯૮૦માં માગશર સુદ ત્રીજના દિવસે વર્તમાન મંદિર બંધાવી શ્રી ઘંટાકર્ણદાદાની સ્થાપના કરી હતી. અગાઉ વિક્રમસંવત ૧૯૭૮માં તેમણે દાદાની મૂર્તિ ઘડાવી હતી. ઉપાસના અને સાત્ત્િવક ભક્તિ કરનાર સર્વ શ્રાવકો, શ્રદ્ધાળુઓ અને ભાવિકોને સહાયભૂત થવા દાદાને વચનબદ્ધ કરી બે ચારિત્ર્યવંત શિલ્પકારો પાસે પ્રતિમાનું નિર્માણ કરાવ્યું હતું.
દાદાની પ્રતિમા ખાસ પથ્થરમાંથી બનાવવામાં આવી છે. તેને ઘસારો ન પહોંચે તે માટે રોજ પ્રક્ષાલ-પૂજા થતી નથી. વર્ષમાં માત્ર એક જ વાર કાળી ચૌદશના દિવસે વિધિપૂર્વક પ્રક્ષાલ-પૂજા અને કેસરપૂજા કરવાની પરંપરા છે. પ્રતિમાજીના જમણા અંગૂઠે જ કેસરપૂજા થાય છે.
અજ્ઞાન, વહેમ, ભૂતપ્રેતાદિ અનિષ્ટ તત્ત્વોની પીડામાંથી લોકોને મુક્ત કરવા અને ધર્મભ્રષ્ટ તથા આચારભ્રષ્ટ લોકોને સન્માર્ગે લાવવા પારમાર્થિક પ્રેરણાથી આચાર્યભગવંત શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજાએ જિનશાસનના અધિષ્ઠાયક શ્રી ઘંટાકર્ણવીર દેવને પ્રત્યક્ષભાવે સાક્ષાત્ કર્યા હતા.
સેંકડો વર્ષ પહેલાં પ્રાચીન મધુપુરીમાં શ્રી પદ્મપ્રભુસ્વામી ભગવાનનું જિનાલય હતું. આચાર્યભગવંત શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ.સા.એ વિક્રમસંવત ૧૯૭૪માં માગશર સુદ છઠના દિવસે નૂતન જિનાલયનું નિર્માણ કરાવી મૂળનાયક શ્રી પદ્મપ્રભુસ્વામી ભગવાનની પ્રતિષ્ઠા કરાવી હતી. વિક્રમસંવત ૨૦૨૪માં ગચ્છાધિપતિ આચાર્યભગવંત શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા. તથા ગચ્છાધિપતિ આચાર્યભગવંત શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં ૨૭ જિનાલયનું નિર્માણ થયું હતું.
આ તીર્થમાં શ્રી પદ્મપ્રભુસ્વામી ભગવાનનાં પૂજન, દર્શન અને ભક્તિ કરી શ્રી ઘંટાકર્ણદાદાને સુખડી તથા શ્રીફળ ધરાવવાથી આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ મળતી હોવાની શ્રદ્ધાળુઓમાં માન્યતા છે.
શ્રી ઘંટાકર્ણદાદાનું મંદિર અન્ય જિનમંદિરોથી આ બાબતે અલગ પડે છે. અહીં શુદ્ધ ઘીમાંથી મોટી માત્રામાં સુખડી મંદિરસંકુલમાં જ તૈયાર કરવામાં આવે છે. દાદાને ધરાવેલી સુખડી મંદિરસંકુલમાં જ આરોગવાની પરંપરા છે. તેને સંકુલની બહાર લઈ જવાતી નથી. બહાર લઈ જવાથી અશાંતિ કે અનિષ્ટ નડે છે એવી લોકમાન્યતા પ્રચલિત છે.
હવનની વિશેષતા
દર વર્ષે કાળી ચૌદશના દિવસે યોજાતો શ્રી ઘંટાકર્ણદાદાનો હવન આ તીર્થનું વિશેષ આકર્ષણ છે. આ વર્ષે રવિવાર, તા. ૮-૧૧-૨૦૨૬ના રોજ બપોરે ૧૨-૩૯ કલાકના વિજયમુહૂર્તે હવન યોજાશે. હવન દરમિયાન ૧૦૮ વખત ઘંટારવ સાથે દરેક ઘંટનાદે આહુતિ આપવામાં આવશે.
દાદાના ભક્તો હવનમાં જોડાઈ ચમત્કારી મંત્રના ૧૦૮ જાપ સાથે નાડાછડીની ગાંઠ વાળશે. શ્રદ્ધાળુઓ પગના અંગૂઠાથી માથા સુધીની લંબાઈ ધરાવતી નાડાછડી અથવા લાલ રંગના કંદોરાની ૧૦૮ ગાંઠ વાળશે. પ્રત્યેક ઘંટનાદ સાથે એક ગાંઠ બાંધવાની પરંપરા છે.
૧૦૮ ગાંઠોવાળો દોરો અત્યંત પવિત્ર ગણાય છે. હવન દરમિયાન સફળતાપૂર્વક ૧૦૮ ગાંઠ બાંધનારની મનોકામનાઓ પૂર્ણ થતી હોવાની શ્રદ્ધાળુઓમાં માન્યતા છે. અનેક વર્ષોથી કાળી ચૌદશના દિવસે આ ભવ્ય હવનનું આયોજન થાય છે.
શ્રી ઘંટાકર્ણદાદાની પૂજાની વિશિષ્ટ વિધિ પણ પ્રચલિત છે. પ્રથમ સ્નાન કરતી વખતે ‘ૐ હ્રીં ક્લીં ગંગે જલાય નમઃ' મંત્ર ૧૧ વખત બોલવાનો હોય છે. ત્યારબાદ પૂજાસ્થાને ‘ૐ હ્રીં શ્રીં ભૂમ્યાદિદેવાય નમઃ' મંત્ર બોલવામાં આવે છે.
શક્ય હોય તો લાલ રંગનું રેશમી પીતાંબર પહેરી લાલ રેશમી આસન પર બેસવું અને લાલ પરવાળાની માળાથી જાપ કરવા જણાવાય છે. પૂજા પૂર્ણ થયા બાદ ‘ૐ હ્રીં ક્લીં આનંદદેવાય નમઃ' મંત્રનો ૨૧ વખત જાપ કરી દાદાનું ધ્યાન ધરવામાં આવે છે.
શ્રી ઘંટાકર્ણદાદાનો મૂળમંત્ર :
ૐ હ્રીં ઘંટાકર્ણો મહાવીરઃ સર્વવ્યાધિવિનાશકઃ &
વિસ્ફોટકભયે પ્રાપ્તે રક્ષ રક્ષ મહાબલ &&૧&&
યત્ર ત્વં તિષ્ઠસે દેવ લિખિતાક્ષરપંક્તિભિઃ &
રોગાસ્તત્ર પ્રણશ્યન્તિ વાતપિત્તકફોદ્વવાઃ &&૨&&
તત્ર રાજભયં નાસ્તિ યાન્તિ કર્ણેજપાઃ ક્ષયમ્ &
શાકિની ભૂત વેતાલ રાક્ષસાઃ પ્રભવન્તિ ન &&૩&&
નાકાલે મરણં તસ્ય ન ચ સર્પેણ દશ્યતે &
અગ્નિચૌરભયં નાસ્તિ હ્રીં ઘંટાકર્ણ નમોસ્તુતે ઠઃ ઠઃ ઠઃ સ્વાહા &&૪&&
શક્ય હોય તો ૧૧, ૨૧, ૩૧ અથવા ૧૦૮ મંત્રજાપ કરવા તથા અનુકૂળતા હોય તો સવાલાખ મંત્રજાપનું અનુષ્ઠાન કરવાની પરંપરા છે.
ધનપ્રાપ્તિ, વેપાર-નોકરીમાં લાભ, રોગમુક્તિ, રાજકીય ક્ષેત્રે સફળતા અને હરીફાઈમાં વિજય સહિતની મનોકામનાઓ માટે ભાવિકો દાદાની આરાધના કરે છે. ગર્ભપાત, કસુવાવડ, ચોરી, અગ્નિ, પાણી તથા અકાળ મૃત્યુના ભયમાંથી રક્ષણ મળતું હોવાની પણ ધાર્મિક માન્યતા છે.
દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં જૈન અને જૈનેતર ભાવિકો કાળી ચૌદશના દિવસે શ્રી ઘંટાકર્ણદાદાના હવન, પૂજા અને દર્શનાર્થે મહુડી તીર્થમાં આવે છે. મહુડીની આસપાસ પણ અનેક જૈન તીર્થો આવેલા છે. જૈન દેરાસરોમાં પૂજા, આરાધના અને હવનનું વિશેષ ધાર્મિક મહત્ત્વ રહેલું છે.
:: આલેખન ::
જયેશ સંઘાણી
મો. 94282 00520
(10:58 AM IST)










