તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Friday, 11th September 2026
કાલે જૈન સમાજ પ્રભુ વીરના અક્ષત વધામણા કરશે
દેરાસરો-ઉપાશ્રયોમાં ધર્મોલ્લાસ સાથે પર્વાધિરાજ પર્યુષણમાં તપ-જપ-આરાધના : આજે માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નમાંથી ૪ સ્વપ્નનું પૂ.ગુરૂભગવંતો દ્વારા વર્ણનઃ કાલે દેરાસરોમાં ભવ્ય રીતે સ્વપ્ના ઉતારવામાં આવશે

પર્યુષણ મહાપર્વના ચોથા દિવસે જૈનો તપ-આરાધનામાં લીન બન્યા છે. રાજકોટના પંચવટી મેઈન રોડ સ્થિત પંચવટી જૈન દેરાસર ખાતે મુળનાયક શ્રી સીમંધર સ્વામી ભગવાનને અલૌકીક આંગી રચવામાં આવેલ. જિનાલયને ફૂલો તથા રોશનીનો શણગાર કરાયો છે. શ્રાવકોએ પ્રભુજીના દર્શન તથા પૂજાનો લાભ લીધો હતો. (તસ્વીરોઃ અશોક બગથરીયા)
રાજકોટ, તા.૧૧: પર્વાધિરાજ પર્યુષણના પાવન દિવસો આગળ વધી રહ્યા છે. જિનાલયો-ઉપાશ્રયોમાં તપ, ત્યાગ અને ધર્મ આરાધનાનો માહોલ સર્જાયો છે. જૈનોમાં આજે મહાપર્વનો ચોથો દિવસ છે.
મૂર્તિપૂજન જૈન સંઘોમાં આજે સવારે કલ્પસૂત્ર મહાગ્રંથનો ઘરે લઇ જવા, વહોરાવ્યા તથા પુજા વગેરેનો લાભ લેનાર લાભાર્થી પરિવારે પવિત્ર કલ્પસૂત્ર ગ્રંથ પૂ. ગુરૂભગંવતોને વહોરાવ્યો હતો. પૂજાવિધી બાદ પૂ.ગુરૂભગવંતો દ્વારા કલ્પસૂત્રનું વાંચન શરૂ કર્યું હતું.
જૈનોમાં કલ્પસૂત્ર ગ્રંથ મહાપવિત્ર માનવામાં આવે છે. આ પવિત્ર ગ્રંથની રચના આચાર્યદેવ શ્રી ભદ્રબાહુ સ્વામીએ કરી છે. પર્યુષણ પર્વના ચોથા દિવસે ગુરૂ ભગવંતોએ કલ્પસૂત્રના વાંચનનો પ્રારંભ કરે છે.
પર્યુષણ મહાપર્વના ત્રીજા દિવસે કલ્પસૂત્ર ગ્રંથની ઉછામણી બોલવામાં આવેલ. લાભાર્થી પરિવાર દ્વારા ઢોલ-નગારા સાથે પવિત્ર ગ્રંથને ઘરે લઇ જવામાં આવેલ. જ્યાં શણગારેલ સ્થાન ઉપર પવિત્ર કલ્પસૂત્ર ગ્રંથને રાખવામાં આવેલ. લાભાર્થી પરિવાર દ્વારા આખો દિવસ પ્રભુ ભકિત કરવામાં આવી હતી. અને આજે સવારે પૂ. ગુરૂભગવંતોને વહોરાવામાં આવેલ.
પવિત્ર કલ્પસૂત્ર ગ્રંથની શરૂઆતમાં આએલકય આદીદશ આચારનું વર્ણન કરવામાં આવ્યુ છે. પર્યુષણ મહાપર્વના શરૂઆતના ત્રણ દિવસોમાં શ્રાવકના આચારનું વર્ણન કરાયું છે. આજથી સાધના આચાર અને ત્યારબાદ ભગવાન મહાવીર સ્વામીના જીવનનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યુ છે. ૨૩ તીર્થકર ભગવંતોનું સંક્ષીપ્ત વર્ણન અને ત્યાર પછી પ્રભુ વીરની પ્રાર પરંપરાનું વર્ણન છે. જ્યારે અંતમાં સાધુની સમાચારીનું વર્ણન કરવામાં આવેલ છે.
જે આત્મા ૨૧ વખત ભાવપૂર્વક સંપૂર્ણ કલ્પસૂત્રનું શ્રવણ કરે તે આત્માનો મોક્ષદ્વાર અવશ્ય ખુલી જાય છે. આજે સવારથી જ પૂ. ગુરૂભગવંતો દ્વારા પવિત્ર કલ્પસૂત્ર ગ્રંથનું વાંચન શરૂ કરવામાં આવેલ. સ્થાનકવાસી સમાજમાં પૂ.ગુરૂભગવંતો વ્યાખ્યાનમાં અવિરત જ્ઞાન વહાવી રહ્યા છે. જૈન સમાજમાં ધર્મોલ્લાસ સાથે તપસ્યાઓ ચાલી રહી છે.
આજે સવારે પૂ. ગુરૂભગવંતોએ પવિત્ર કલ્પસૂત્ર વાંચનના પ્રથમ વ્યાખ્યાનમાં ધર્મસાથી તરીકે નવાજેલા પ્રભુ મહાવિર સ્વામીએ ઉનમાર્ગે ગયેલા મેઘકુમાર મુનિને કઇ રીતે સન્માર્ગે વાળ્યા તેનું વર્ણન કર્યું હતું. બપોરે બીજા વ્યાખ્યાનમાં ભગવાન મહાવીર સ્વામીના ૨૭ ભવનું વર્ણન પૂ. ગુરૂભગવંતો દ્વારા કરાયેલ.
આવતીકાલે પર્યુષણ મહાપર્વના પાંચમા દિવસે સવારે પૂ.ગુરુભગવંતો પવિત્ર કલ્પસૂત્રના વાંચન દરરિમયાન દસ સ્વપ્નાનું વર્ણન કરશે. આજે ચાર સ્વપ્ન ગજવર, વૃષભ, સિંહ તથા લક્ષ્મી દેવીનું વર્ણન કરાયેલ. કાલે માતા ત્રીશલાને આવેલ ૧૪ સ્વપ્ન ઉતારવામાં આવશે. પ્રભુવીરના જન્મનું વાંચન થશે. વધામણા કરાશે. દેરાસરોમાં સવારે અથવા બપોરે ૧૪ સ્વપ્નાની ઉછામણી દ્વારા ભાગ્યશાળી પરિવાર લાભ લઇ અક્ષતથી વધાવશે.
માતા ત્રિશલાને આવેલ
૧૪ સ્વપ્નાઓની કાલે દેરાસરોમાં ઉછામણી
* જીરાવલા દેરાસર-સવારે ૯ કલાકે
* ગાંધીગ્રામ દેરાસર-સવારે ૯ કલાકે
* શ્રમજીવી જિનાલય-સવારે ૯ કલાકે
* માંડવી ચોક દેરાસર-બપોરે ૩ વાગે
* જાગનાથ સંઘ- સવારે ૯ કલાકે
* કાલાવડ રોડ સંઘ- સવારે ૯ કલાકે
* પંચવટી દેરાસર- સવારે ૯ કલાકે
* રણછોડનગર દેરાસર- સવારે ૯ કલાકે
* યુનિ. રોડ જૈન સંઘ - સવારે ૯ કલાકે
* મણીયાર દેરાસર - સવારે ૯ કલાકે
* એરપોર્ટ રોડ દેરાસર - સવારે ૯ કલાકે
* પ્રહલાદ પ્લોટ દેરાસર - સવારે ૯ કલાકે
* બાવન જિનાલય - બપોરે ૩ વાગે
ઉપરાંત વર્ધમાનનગર દેરાસર, રૈયા રોડ જિનાલય તથા રૈયા હિલ દેરાસર ખાતે પણ મહાવિર જન્મ વાંચન દરમિયાન ધી બોલાશે
(2:37 PM IST)










