News of Thursday, 2nd July 2026
ફિલ્મીસ્તાન સ્ટુડિયોના માલિક તોલારામ જાલનભારતીય ફિલ્મ ઉદ્યોગના પાયાના શિલ્પી

હિન્દી સિનેમાના પડદા પાછળના 'અસલી સિકંદર' : ફિલ્મીસ્તાન સ્ટુડિયોના માલિક તોલારામ જાલનની અજાણી દાસ્તાન * તેઓ માત્ર સફળ ઉદ્યોગપતિ જ નહોતા પરંતુ ભારતીય સિનેમાના વિકાસમાં નિર્ણાયક ભૂમિકા ભજવનારા દ્રષ્ટા પણ હતા. * ફિલ્મીસ્તાન સ્ટુડિયોમાં તોલારામના કડક નાણાકીય સંચાલન હેઠળ ભારતીય સિનેમાને સોનેરી દિવસો આપ્યા *'તુમસા નહીં દેખા' ફિલ્મના નિર્દેશક નાસિર હુસૈનને તોલારામ જાલને કહેલું બહુ જ વાહિયાત ફિલ્મ બનાવી છે, લોકો થિયેટરમાં ચંપલ મારશે! અને તે ફિલ્મ સુપર ડૂપર હિટ ગઇ * તેમણે ઐતિહાસિક 'બોમ્બે ટોકીઝ' સ્ટુડિયો પણ ખરીદી લીધો હતો અને તેને એક ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં બદલવા માંગતા હતા જેના પર લાંબી કાનૂની લડાઈ ચાલી હતી.
બોલિવૂડના સોનેરી યુગ એટલે કે ૧૯૫૦ અને ૧૯૬૦ના દાયકાનો ઇતિહાસ જ્યારે પણ લખાશે ત્યારે માત્ર પડદા પરના કલાકારો જ નહીં પરંતુ પડદા પાછળ રહીને આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પોતાના ઇશારે નચાવનારા ફાઇનાન્સર્સ અને પ્રોડ્યુસર્સનો ઉલ્લેખ પણ અનિવાર્ય બનશે. આવા જ એક પ્રભાવશાળી, કડક અને અત્યંત રસપ્રદ વ્યકિતત્વ એટલે કોલકાતાના જાણીતા મારવાડી ઉદ્યોગપતિ તોલારામ જાલન. તેઓ હિન્દી સિનેમાના ઐતિહાસિક 'ફિલ્મીસ્તાન સ્ટુડિયો'ના માલિક અને અસંખ્ય સુપરહિટ ફિલ્મોના સર્જક હતા. અકિલાના વાચકો માટે પ્રસ્તુત છે સિનેમા જગતના આ એક એવા મુગટ વગરના રાજાની સફર જેમની વાર્તા કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટ કરતાં કમ નથી. તોલારામ જાલનનું નામ ભારતીય ફિલ્મ ઉદ્યોગના ઇતિહાસમાં અતિ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેઓ માત્ર સફળ ઉદ્યોગપતિ જ નહોતા પરંતુ ભારતીય સિનેમાના વિકાસમાં નિર્ણાયક ભૂમિકા ભજવનારા દ્રષ્ટા પણ હતા.
તોલારામ જાલનનો જન્મ રાજસ્થાનના મારવાડી વેપારી પરિવારમાં થયો હતો. તેઓ વેપાર સાથે સંકળાયેલા હતા પરંતુ તેમની દૃષ્ટિ માત્ર પરંપરાગત વેપાર સુધી મર્યાદિત રહી નહોતી. ફિલ્મ ઉદ્યોગમાં રહેલી સંભાવનાઓને સમજી તેમણે ફિલ્મ નિર્માણ અને સ્ટુડિયો વ્યવસાયમાં પ્રવેશ કર્યો. વર્ષ ૧૯૪૩માં શશધર મુખર્જી, અશોક કુમાર, જ્ઞાન મુખર્જી અને રાય બહાદુર ચુન્નીલાલ જેવા દિગ્ગજોએ તત્કાલીન પ્રખ્યાત 'બોમ્બે ટોકીઝ'થી અલગ થઈને 'ફિલ્મીસ્તાન સ્ટુડિયો'ની સ્થાપના કરી હતી. ૧૯૫૦માં ચુન્નીલાલના આકસ્મિક અવસાન બાદ સ્ટુડિયો આર્થિક કટોકટીમાં આવી ગયો. આ સમયે ફાઇનાન્સના બાદશાહ ગણાતા તોલારામ જાલનની એન્ટ્રી થઈ. શરૂઆતમાં તેઓ ફાઇનાન્સર તરીકે જોડાયા પરંતુ ૧૯૫૦ના દાયકાના અંત સુધીમાં તેમણે શશિધર મુખર્જી અને અશોક કુમારનો હિસ્સો પણ ખરીદી લીધો અને તેઓ ફિલ્મીસ્તાન સ્ટુડિયોના એકચક્રી માલિક બની ગયા. મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં વિશાળ ફિલ્મીસ્તાન સ્ટુડિયો ઊભો કરવામાં આવ્યો હતો. આધુનિક ફલોર, આઉટડોર સેટ, સંપાદન અને સાઉન્ડની સુવિધાઓને કારણે તે સમયના સૌથી અદ્યતન સ્ટુડિયોમાં તેનો સમાવેશ થતો હતો. આ સ્ટુડિયોમાં તોલારામના કડક નાણાકીય સંચાલન હેઠળ ફિલ્મીસ્તાને ભારતીય સિનેમાને સોનેરી દિવસો આપ્યા. તેમણે પોતાના કરિયરમાં આશરે ૭૨ ફિલ્મોને ફાઇનાન્સ કરી હતી જેમાં 'અનારકલી' (૧૯૫૩), 'નાગિન' (૧૯૫૪), 'જાગૃતિ' (૧૯૫૪), 'મુનિમજી' (૧૯૫૫), અને 'પેઇંગ ગેસ્ટ' (૧૯૫૭) જેવી કલ્ટ કલાસિક ફિલ્મો સામેલ છે.
ફિલ્મીસ્તાનના બેનર હેઠળ અનેક સફળ ફિલ્મો બની. આ ફિલ્મોએ માત્ર બોકસ ઓફિસ પર જ સફળતા મેળવી નહોતી પરંતુ સંગીત, વાર્તા અને અભિનયના નવા માપદંડ પણ સ્થાપ્યા. ફિલ્મીસ્તાન સ્ટુડિયો અનેક કલાકારો, સંગીતકારો, લેખકો અને ટેક્નિશિયનો માટે પ્રતિભા વિકાસનું કેન્દ્ર બન્યું. અહીંથી અનેક નવા કલાકારોને ફિલ્મ જગતમાં ઓળખ મળી. સ્ટુડિયોની કાર્યશૈલી વ્યવસ્થિત, વ્યાવસાયિક અને ગુણવત્તા કેન્દ્રિત માનવામાં આવતી હતી. તોલારામ જાલન માનતા હતા કે ફિલ્મ માત્ર કલા નથી પરંતુ એક સુવ્યવસ્થિત ઉદ્યોગ પણ છે. તેમણે ફિલ્મ નિર્માણમાં નાણાકીય આયોજન, સમયપાલન અને તકનીકી ગુણવત્તાને વિશેષ મહત્વ આપ્યું. આ કારણે ફિલ્મીસ્તાન લાંબા સમય સુધી વિશ્વસનીય સંસ્થા તરીકે ઓળખાતું રહ્યું. ૧૯૪૦ અને ૧૯૫૦ના દાયકામાં ફિલ્મીસ્તાને ભારતીય સિનેમાને નવી ઓળખ આપી. સ્ટુડિયો સિસ્ટમને મજબૂત બનાવવામાં તોલારામ જાલનનું યોગદાન નોંધપાત્ર રહ્યું. તેમણે સર્જનાત્મકતા અને વ્યવસાયિકતાનું સફળ સંયોજન રજૂ કર્યું.
તોલારામ જાલન સાથે જોડાયેલો સૌથી પ્રખ્યાત અને રસપ્રદ કિસ્સો ૧૯૫૭ની બ્લોકબસ્ટર ફિલ્મ 'તુમસા નહીં દેખા'નો છે. આ ફિલ્મના નિર્દેશક નાસિર હુસૈન હતા. તોલારામ જાલન ડાયરેકટર સામે કડક શરતો મૂકી હતી કે બજેટ એકદમ મર્યાદિત રહેશે અને હિરોઈન તરીકે અભિનેત્રી 'અમીતા'ને જ લેવી પડશે. હીરો તરીકે શમ્મી કપૂરની પસંદગી થઈ જેમની અગાઉની સતત ઘણી ફિલ્મો ફલોપ ગઈ હતી. જ્યારે ફિલ્મ બનીને તૈયાર થઈ ત્યારે પ્રીવ્યુમાં તોલારામ જાલન તે જોઈ. તેમને આ ફિલ્મ જરાય પસંદ ન આવી. તેમણે નાસિર હુસૈનને મોઢામોઢ કહી દીધું હતું કે, બહુ જ વાહિયાત ફિલ્મ બનાવી છે, લોકો થિયેટરમાં ચંપલ મારશે! પરંતુ, જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તે સુપરહિટ સાબિત થઈ અને તેણે શમ્મી કપૂરને રાતોરાત સુપરસ્ટાર બનાવી દીધા.
તોલારામ જાલન કલાકાર કરતાં વધુ એક પાકા બિઝનેસમેન હતા. મશહૂર ફિલ્મમેકર વિજય આનંદની બાયોગ્રાફી 'એક થા ગોલ્ડી'માં લેખિકા અનીતા પાધ્યેએ એક ચોંકાવનારો કિસ્સો શેર કર્યો છે. પુસ્તક અનુસાર ૧૯૬૮માં તોલારામ જાલન વિજય આનંદને 'કહીં ઔર ચલ' નામની ફિલ્મ ડિરેકટ કરવાનું કામ સોંપ્યું જેમાં દેવ આનંદ અને આશા પારેખ જેવા મોટા કલાકારો હતા. કહેવાય છે કે તોલારામ જાલન આ ફિલ્મ જાણીજોઈને ફલોપ કરાવવા માંગતા હતા જેથી તેઓ પોતાના અન્ય ધંધાનો નફો આ ફિલ્મના નુકસાન સામે એડજસ્ટ કરીને ઇનકમ ટેકસ બચાવી શકે! વિજય આનંદ આ વાતથી અજાણ હતા અને તેઓ સારી ફિલ્મ બનાવવા માંગતા હતા જેના કારણે બંને વચ્ચે ભારે મનભેદ થયા હતા. ૧૯૫૮માં ક્રિએટિવ માઇન્ડ ગણાતા શશધર મુખર્જી સાથે વિવાદ થતાં તેમણે ફિલ્મીસ્તાન છોડી દીધું અને પોતાનો અલગ 'ફિલ્માલય સ્ટુડિયો' શરૂ કર્યો. શશધર મુખર્જીના ગયા પછી ફિલ્મીસ્તાનની ફિલ્મોની કવોલિટી નબળી પડતી ગઈ. ૧૯૬૮માં આવેલી 'પાયલ કી ઝંકાર' બાદ તોલારામ જાલન ફિલ્મ નિર્માણમાંથી હાથ ખેંચી લીધો. પછીના વર્ષોમાં સ્ટુડિયો બંધ થઈ ગયો. ૧૯૬૪માં બનેલી અને નીતિન બોઝ દ્વારા દિગ્દર્શિત દૂજ કા ચાંદ ફિલ્મીસ્તાન સ્ટુડિયોમાંથી બહાર આવેલી છેલ્લી ફિલ્મોમાંની એક હતી. આ પરિસર સ્ટુડિયો તરીકે કાર્યરત રહ્યું જેમાં તાજેતરની ફિલ્મો જેમ કે રા.વન (૨૦૧૧) અને બોડીગાર્ડ (૨૦૧૧)નું શૂટિગ અહીં થયું. યશ રાજ ફિલ્મ્સની ટેલિવિઝન સીરિયલ ખોટે સિક્કી અને ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જાનું શૂટિગ અહીં થયું છે. ત્યારબાદ આ સ્ટુડિયોને માત્ર શૂટિંગ માટે ભાડે આપવાનું શરૂ કરાયું.
૧૯૬૦ના દાયકાના અંત સુધીમાં તોલારામ જાલાને ફિલ્મ નિર્માણ સંપૂર્ણપણે છોડી દીધું. તેમણે ઐતિહાસિક 'બોમ્બે ટોકીઝ' સ્ટુડિયો પણ ખરીદી લીધો હતો અને તેને એક ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં બદલવા માંગતા હતા જેના પર લાંબી કાનૂની લડાઈ ચાલી હતી. ભલે ફિલ્મિસ્તાને ફિલ્મો બનાવવાનું બંધ કરી દીધું પરંતુ એક ભાડાના સ્ટુડિયો તરીકે તે દાયકાઓ સુધી ધમધમતો રહ્યો. ફિલ્મો ઉપરાંત તોલારામ જાલાન પોતાના મારવાડી સમાજના વિકાસ અને સદભાવના કાર્યો (જેમ કે કલકત્તાના શ્રી વિશુદ્ધાનંદ સરસ્વતી મારવાડી હોસ્પિટલના ટ્રસ્ટ) સાથે પણ સક્રિયપણે જોડાયેલા રહ્યા. ૨૮ જુન ૨૦૦૧ ના રોજ તેમનું અવસાન થયું હતું. તોલારામ જાલાન શુદ્ધ રીતે એક વ્યાપારી હતા જેમણે કલાને પણ નફા અને નુકસાનના ત્રાજવે તોલી. ભલે સર્જનાત્મકતા સાથે તેમનો સીધો સંબંધ નહોતો પરંતુ તેમના ફાઇનાન્સ અને કડક વ્યાપારી નિર્ણયોએ હિન્દી સિનેમાને શમ્મી કપૂર જેવા લેજન્ડરી સ્ટાર અને ૫૦ના દાયકાની ઘણી સદાબહાર ફિલ્મો આપી. ફિઝિકલ ફિલ્મીસ્તાન સ્ટુડિયો હવે કાર્યરત નથી. મુંબઈના ગોરેગાંવમાં આવેલી ૪ એકરની પ્રતિષ્ઠિત મિલકત અરકેડ ડેવલપર્સને વેચી દેવામાં આવી હતી. ઐતિહાસિક સ્ટુડિયોને અતિ-લકઝરી રહેણાંક ટાવર્સ દ્વારા બદલવામાં આવી રહ્યો છે. રૂ.૧૮૩ કરોડમાં વેચાણ થયા પછી આ સ્થળ હાલમાં મલ્ટી-ટાવર ગગનચુંબી ઇમારતના વિકાસ હેઠળ તૈયાર છે. એવું પણ કહેવાય છે કે, જાલને શમ્મી કપૂરને 'હમ સબ ચોર હૈ' (૧૯૫૬) માટે ૩૨,૦૦૦ રૂપિયા પગાર તરીકે આપ્યા હતા. તેમણે 'તુમસા નહીં દેખા' માટે ૨૦,૦૦૦ રૂપિયા આપીને કપૂરને ચોંકાવી દીધા હતા. જ્યારે કપૂરે વિરોધ કર્યો ત્યારે જાલને તેમને ગુપ્ત રીતે કહ્યું, પૈસા લો અથવા છોડી દો; નીકળી જાઓ.
કપૂરને યાદ આવ્યું કે જાલન એક જીદ્દી માણસ હતા. ૨૦૦૧માં જ્યારે જાલાનનું અવસાન થયું ત્યારે ફિલ્મ ફાઇનાન્સર જેમણે ઘણીવાર લોકોને ખોટી રીતે હેરાન કર્યા હતા તેમના માટે ભાગ્યે જ કોઈએ પ્રશંસા કે શ્રદ્ધાંજલિ આપી હતી.
જ્યારે શશધર મુખર્જીએ ફિલ્મિસ્તાન સ્ટુડિયો છોડી દીધો
એક સમય એવો પણ આવ્યો જ્યારે શશધર મુખર્જી 'ફિલ્મિસ્તાન' છોડીને ચાલ્યા ગયા હતા. ફિલ્મિસ્તાનની સફળતા વચ્ચે એક મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે ૧૯૫૦માં શશધર મુખર્જીએ તેમના સ્ટુડિયોના શેર બિઝનેસમેન તોલારામ જાલાનને વેચી દીધા. આ એવો સમય હતો જ્યારે મુંબઈમાં એક પછી એક જૂના સ્ટુડિયો બંધ થઈ રહ્યા હતા. ઘણા વર્ષો સુધી ફિલ્મો બનાવ્યા પછી તેઓ થાકી ગયા હતા અને બ્રેક લેવા માંગતા હતા. તેઓ ઇંગ્લેન્ડ જતા રહ્યા અને તોલારામ જાલાન ફિલ્મિસ્તાનના મુખ્ય નિર્માતા બન્યા. પરંતુ જાલાને જે ફિલ્મો બનાવી તે કંઈ ખાસ ચાલી નહીં. જાલાનને સમજાઈ ગયું કે ફિલ્મો અન્ય વ્યવસાયો કરતાં અલગ છે. ફિલ્મિસ્તાનને શશધર મુખર્જીના ક્રિએટિવ ઇનપુટની ખોટ સાલી રહી હતી. છેવટે શશધર મુખર્જી પાછા ફર્યા અને તેમની સાથે ફિલ્મિસ્તાનની સફળતા પણ પાછી આવી.
પત્નીના અવસાન પછી અભિનેત્રી સાથે કર્યા લગ્ન
તોલારામ પોતાના ઉગ્ર સ્વભાવ અને કઠોર વર્તન માટે જાણીતા હતા પરંતુ બોલીવુડમાં પોતાનું નસીબ અજમાવવા માંગતી કેટલીક છોકરીઓ પ્રત્યે તેઓ નરમ હતા. અમીતા એક એવી અભિનેત્રી હતી જે કોલકાતાના એક અતિ શ્રીમંત મારવાડી ઉદ્યોગપતિની દયાળુ નજરનો લાભ લઈ શકી હતી. હકીકતમાં હાસ્ય કલાકાર મહેમૂદે એક ફિલ્મ સબસે બડા રૂપૈયા (૧૯૭૬) બનાવી હતી જેમાં તેમણે તોલારામ જાલાન પર પોતાનું પાત્ર આધારિત કર્યું હતું. ૧૯૭૬માં તોલારામની ગર્લફ્રેન્ડ નીનાના પ્રયાસોને કારણે જર્જરિત ફિલ્મીસ્તાન સ્ટુડિયોનું નવનિર્માણ થયું જેણે તોલારામની પહેલી પત્નીના અવસાન પછી તેની સાથે લગ્ન કર્યા હતા. નીનાએ નન્હી કાલી, જલતે બદન અને શગુન જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. એક બેરિસ્ટરની સૌથી નાની પુત્રી નીના બોલીવુડમાં પોતાનું નામ બનાવવા માટે ઉતાવળી હતી પરંતુ જાલાન તેને પસંદ કરવા લાગ્યા પછી નીનાએ ફિલ્મો છોડીને પૈસાદાર સાથે લગ્ન કર્યા. નીના ફિલ્મીસ્તાન સ્ટુડિયોમાં પણ મોટો હિસ્સો ધરાવતી હતી. રસપ્રદ વાત એ છે કે, ફિલ્મ તુમસા નહીં દેખા કોલકાતાની એક મુસ્લિમ છોકરી અમીતા માટે લોન્ચ પેડ હતી. જેને શ્યામ અને કઠોર મીજાજના જાલાન ખૂબ જ પસંદ કરતા હતા. દુઃખની વાત એ છે કે અમીતા કયારેય ફિલ્મની સફળતાનો લાભ ઉઠાવી શકી નહીં અને તેના બદલે કપૂર ફિલ્મ છોડીને ચાલ્યા ગયા.
કોમેડિયન મહેમૂદે લીધો તોલારામનો અનોખો બદલો
તોલારામ જાલન તેમના કડક સ્વભાવ, અહંકાર અને કયારેક અપશબ્દો બોલવાની આદત માટે પણ જાણીતા હતા. એક વખત સ્ટુડિયોમાં કોઈ વાત પર તેમણે તે સમયના સ્ટ્રગલિગ કોમેડિયન મહેમૂદનું ભારે અપમાન કર્યું હતું. મહેમૂદ આ અપમાન ભૂલ્યા નહીં. વર્ષો પછી જ્યારે મહેમૂદ પોતે મોટા સ્ટાર બન્યા ત્યારે તેમણે પોતાની હિટ ફિલ્મ 'સબસે બડા રૂપૈયા'માં તોલારામ જાલનનો બદલો લીધો. આ ફિલ્મમાં મહેમૂદે જે પાત્ર ભજવ્યું હતું, તેનો લુક, મોટું પેટ અને બોલવાની શૈલી આબેહૂબ તોલારામ જાલન જેવી જ રાખવામાં આવી હતી. એટલું જ નહીં, તોલારામનો ફેમસ ડાયલોગ ધ હોલ થિગ ઇઝ ધેટ સબસે બડા રૂપૈયા... પણ મહેમૂદે ફિલ્મમાં વાપરીને તેમની જોરદાર મજાક ઉડાવી હતી.
(2:55 PM IST)










