તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th April 2026
આજે અક્ષય તૃતીયાના પાવન અવસરે રાજકોટના બાલાજી હનુમાનજી મહારાજને કેરીનો દિવ્ય અન્નકૂટ ધરાયો: સુવર્ણ સિંહાસનમાં બિરાજમાન હનુમાનજીદાદાનાં દર્શને ભક્તો મંત્રમુગ્ધ
ઋતુરાજ કેરીની મનોહર સજાવટથી શ્રી હનુમાનજીદાદાનું સ્વરૂપ બન્યું વધુ તેજસ્વી: મહંતશ્રી વિવેકસાગરદાસજી સ્વામી અને શાસ્ત્રી શ્રી રાધારમણદાસજી સ્વામીની નિશ્રામાં યોજાયો ભવ્ય અન્નકૂટ, ‘જય બાલાજીદાદા’ના નાદથી ગુંજ્યું મંદિર પરિસર

રાજકોટ, તા.૧૯રાજકોટવાસીઓના દુઃખ દૂર કરતા મહાપ્રતાપી બાલાજી હનુમાનજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં કરણસિંહજી હાઈસ્કૂલ, ભૂપેન્દ્ર રોડ ખાતે બિરાજમાન શ્રી બાલાજી હનુમાનજીદાદાના દરબારમાં આજે અખાત્રીજ અક્ષય તૃતીયાના અત્યંત શુભ અને મંગલમય દિવસે ભક્તિનો મહાસાગર ઉમટ્યો હતો. આ પાવન પ્રસંગે શ્રી બાલાજી હનુમાનજીદાદાના અદભૂત સોનેરી સિંહાસનમાં વિરાજમાન દિવ્ય શ્રી બાલાજી હનુમાનજીદાદાની મૂર્તિને ઋતુના પ્રથમ ફળ, ઋતુરાજ કેરીનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
શ્રી બાલાજી હનુમાનજીદાદાના ઝળહળતા સુવર્ણ સિંહાસન સમક્ષ તાજી અને રસદાર કેરીઓની જે રીતે મનોહર ગોઠવણ કરવામાં આવી હતી, તેનાથી શ્રી બાલાજી હનુમાનજીદાદાનું તેજસ્વી સ્વરૂપ વધુ દિવ્ય અને અલૌકિક ભાસતું હતું. આ મંગલમય આયોજન મહંતશ્રી વિવેકસાગરદાસજી સ્વામી, સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત શાસ્ત્રી શ્રી રાધારમણદાસજી સ્વામી અને કોઠારી શ્રી મુનિવત્સલદાસજી સ્વામીની પાવન નિશ્રા અને માર્ગદર્શન હેઠળ સંપન્ન થયું હતું.
બહોળી સંખ્યામાં પધારેલા ભાવિકોએ શ્રી બાલાજી હનુમાનજીદાદાના આ વિશેષ અન્નકૂટ દર્શનનો લાભ લઈ ‘જય બાલાજીદાદા’ અને ‘જય બજરંગ બલી’ના ગગનભેદી નાદ સાથે પરમ ધન્યતા અનુભવી હતી. અક્ષય તૃતીયાના દિવસે શ્રી બાલાજી હનુમાનજી દાદાના આ દિવ્ય અન્નકૂટ દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી અને સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું.
(6:32 PM IST)










