<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

આજે વિશ્વ સાયકલ દિવસ

સાયકલ ચલાવો પર્યાવરણ સાથે સાથે સ્‍વાસ્‍થ્‍ય અને પેટ્રોલ પણ બચાવો

આજે વિશ્વ સાયકલ દિવસ છે. દર વર્ષે ૩ જૂને વિશ્વ સાયકલ દિવસ ઉજવવામાં આવે છે. તેને મનાવવાનો મુખ્‍ય હેતુ લોકોને સાયકલ ચલાવવાના ફાયદાઓ વિશે જણાવવાનો છે. જો કોઈ વ્‍યક્‍તિ નિયમિત સાયકલ ચલાવે છે, તો તે માત્ર ફીટ જ નહીં પરંતુ શરીરને સ્‍વસ્‍થ પણ રાખી શકે છે.

યુએન દ્વારા દર વર્ષે ૩ જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસ મનાવવા આવે છે. ૨૦૧૮માં આ દિવસ પહેલીવાર ઉજવવામાં આવ્‍યો હતો. આ દિવસની શરૂઆત ન્‍યૂયોર્કમાં સંયુક્‍ત રાષ્‍ટ્ર મહાસભા દ્વારા કરવામાં આવી હતી. ૩ જૂન ૨૦૧૮ના રોજ એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં યુએનના અધિકારીઓ તેમજ એથ્‍લીટ્‍સ સહિત ઘણાં લોકોએ ભાગ લીધો હતો અને સાયકલ ચલાવી હતી.

સાયકલ દિવસ મનાવવાનો પ્રસ્‍તાવ અમેરિકાના મોંટગોમરી કોલેજનાપ્રોફેસર લેસ્‍જેક સિબિલ્‍સકીએ આપ્‍યો હતો. આ પછી સિબિલ્‍સકી અને તેમના સાથીઓ દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવ્‍યો. જે પછી આ દિવસ મનાવવાની શરૂઆત થઈ હતી.

આ દિવસની ઉજવણી પાછળનો હેતુ સંયુક્‍ત રાષ્‍ટ્રના આધારે વિશ્વના વિવિધ દેશોને પ્રોત્‍સાહિત કરવાનો છે કે તેઓ વિકાસની વ્‍યૂહરચના બનાવે કે આંતરરાષ્‍ટ્રીય કે રાષ્‍ટ્રીય સ્‍તરે કાર્યક્રમો કરે અને તેમાં સાયકલોનો સમાવેશ કરે. આ ઉપરાંત પદયાત્રીઓ સાથે કામગીરીની સલામતીને પણ પ્રોત્‍સાહન આપવાનું છે. આ દિવસ આપણને સાયકલના વ્‍યાપને પ્રોત્‍સાહન આપવા માટે પ્રોત્‍સાહિત કરે છે. તે તમને સાયકલને તમારા જીવનનો એક ભાગ બનાવવા માટે પણ પ્રેરણા આપે છે.

સાયકલ સૌથી સસ્‍તુ વાહન છે. તેના ઘણાં ફાયદાઓ છે. તેમાં પેટ્રોલની જરૂર રહેતી નથી. જેથી આર્થિક અને પર્યાવરણની દ્રષ્ટીએ સુરક્ષિત છે. સાયકલ ચલાવવાથી સ્‍વાસ્‍થ્‍યને પણ ઘણાં ફાયદા થાય છે. ઇમ્‍યુનિટી વધે છે, બોડી ફિટ રહે છે. શારીરિક અને માનસિક સ્‍વાસ્‍થ્‍ય સુધરે છે. દરરોજ અડધો કલાક સાયકલ ચલાવવાથી શરીર ફિટ રહે છે અને શરીર પર ચરબી જમા થતી નથી. આનાથી પાચનતંત્ર પણ મજબૂત બને છે. સાયકલ ચલાવવાથી હૃદય અને ફેફસાં મજબૂત થાય છે. નિયમિત સાયકલ ચલાવવાથી મન પણ સ્‍વસ્‍થ રહે છે. દરરોજ લગભગ અડધો કલાક સાયકલ ચલાવવાથી સ્‍થૂળતા, હૃદયરોગ, ડાયાબિટીસ, સંધિવા અને માનસિક બીમારી જેવા અનેક રોગોથી રક્ષણ મળે છે. નિયમિત સાયકલ ચલાવવાથી આપણાં સૌ માટે સૌથી મોટો ચિંતાનો વિષય છે તે પર્યાવરણનું પ્રદૂષણ પણ થતું નથી. આ ઉપરાંત અત્‍યારના સમયમાં પર્યાવરણનું રક્ષણ કરવા સાથે દેશના અર્થતંત્રને મજબૂત કરવા માટે પણ સાયકલ ચલાવીને પેટ્રોલ બચાવવું ખૂબ જ જરૂરી છે.

સંપાદન : એડવોકેટ હિંમતભાઈ લાબડીયા

પ્રમુખ : યુથ ફોર ડેમોક્રેસી

(2:26 PM IST)