તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th April 2026
આજે ૧૬ એપ્રિલઃ ભારતીય રેલ્વેનોજન્મ દિવસ
શાપુર-વંથલી-બાંટવા-માણાવદર-સરાડીયાની પૂરમાં ધોવાઇ ગયેલ ૪૬ કી.મી.ની લાઇનનો સર્વે થઇ ગયાં પણ શરૂ કયારે થશે? એક જમાનામાં ઇંગ્લેન્ડમાં રેલની બોગી ઘોડાસાથે બાંધીને પાટા પર દોડાવવામાં આવતી હતીઃ તે વખતે જેતલસરથી વેરાવળ સુધીનો રેલવે ટ્રેક બનાવવા ૩૮ કરોડ ‘‘આના''નો ખર્ચ થયેલો

આજથી ૧૭૩ વર્ષ પહેલાં ૧૬ એપ્રિલ ૧૮૫૩માં ભારતમાં રેલવેની પ્રથમ શરૂઆત શાહિદ, સિંઘ અને સુલતાન નામનાં ત્રણ વરાળ એન્જીનોં જોડીનેં કરવામાં આવી હતી. બોરીબંદરથી થાણે વચ્ચે બ્રોડગેઝ લાઈનપર ૧૭ મિનિટ દોડેલી આ રેલવેમાં જોડેલી ૧૪ બોગીમાં ૪૦૦ મુસાફરોએ મુસાફરી કરી હતી.
આમતો વિશ્વમાં રેલવેની શરૂઆત ૧૮૨૫ પહેલાં થઈ હતી તેમ કહી શકાય. તે વખતે સૌ પ્રથમ ઘોડા સાથે બાંધીને પાટા પર બોગી દોડાવવામાં આવતી હતી. પરંતુ જ્યોર્જ સ્ટીફન્સન અને તેનાં પુત્ર રોબર્ટ દ્વારા વરાળ એન્જિનની શોધ થયા બાદ ૧૮૩૦માં લિવરપુલ એન્ડ માન્ચેસ્ટર કંપની દ્વારા વિશ્વની -થમ ટ્રેન ઇંગ્લેન્ડનાં લિવરપુલ અને માંચેસ્ટર શહેર વચ્ચે દોડાવવામાં આવી હતી. ભારતમાં ૧૮૪૯ માં મુંબઈ કલકત્તા વચ્ચે રેલવે લાઇન ચાલુ કરવા માટે દસ્તાવેજી કાર્યવાહી કરવામાં આવી હતી. અને ૧૮૫૩ માં ભારતના શહેરોનેં રેલ્વે દ્વારા જોડવાનું ડેલહાઉસીનું સપનું સાકાર થયું હતું. ગુજરાતમાં ૧૮૬૩માં અમદાવાદ સુરત વચ્ચે પ્રથમ રેલવે લાઇન શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ મુંબઈના ગવર્નર લોર્ડ રેના હસ્તે જુનાગઢ રાજ્યમાં પણ ૧૧ ડિસેમ્બર ૧૮૮૬ માં રેલવે લાઈનનું ખાત મુહર્ત કરીને ૧૯ જાન્યુઆરી ૧૮૮૮ના દિવસે જુનાગઢ અને વડાલ વચ્ચે વળક્ષોના પાંદડાઓ અને વાવટાઓથી શણગારેલી પ્રથમ રેલગાડી દોડાવવામાં આવી હતી. તે ગાડી વડાલથી પરત જુનાગઢ પહોંચતા તેનેં લશ્કરી બેન્ડની સલામી આપવામાં આવી હતી. આ પ્રથમ ટ્રેનની ખુશીમાં જૂનાગઢનાં નવાબે ગરીબો અને રેલવેનાં મજૂરોને મોટા પ્રમાણમાં દાન અને બક્ષીસો આપી હતી. એ સમયે જેતલસરથી વેરાવળ સુધીનો રેલ્વે ટ્રેક બનાવવા પાછળ અંદાજિત ૩૮ કરોડ ૧૯લાખ આનાનોં ખર્ચ થયો હતો. તે વખતે આના અને પાઇનું ચલણ હતું.
જૂનાગઢનાં એ નવાબી કાળમાં ૧૯૧૦માં શાપુર થી વંથલી માણાવદર, બાંટવા, અને સરાડીયા સુધીની રેલ્વે લાઈન પણ શરૂ કરવામાં આવી હતી. પરંતુ ૧૯૮૩માં સોરઠમાં થયેલી ભયંકર પૂર હોનારતમાં આ લાઈનનું મેઘપુર પાસે ધોવાણ થઈ ગયું હતું. એનું સમારકામ કરવામાં ન આવતાં ધીમે ધીમે આખી લાઈન નષ્ટ થઈ જતાં તે લાઈન બંધ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ ૪૬ કિલોમીટરની આ લાઈન પુનઃસ્થાપિત કરવા માટે બાંટવા, માણાવદર, વંથલી ની જનતાએ અનેક વખત સરકાર સમક્ષ રજૂઆતો કરી હતી. તે વખતે તત્કાલીન મંત્રીશ્રી ભરતસિંહ સોલંકી દ્વારા આ લાઈન શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી. આ માટે ૩૬૪ કરોડનું એસ્ટીમેટ કાઢી બજેટની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદ ૨૦૧૦ સુધીમાં આ બાબતે ત્રણ વખત સર્વે થયો હતો. પરંતુ ત્યાંથી વાત આગળ વધી ન હતી.
એકાદ દાયકા પછી ફરીવાર બાંટવા અને આસપાસના ગામોનાં વેપારીઓ અને જનતા દ્વારા આ બાબતે સળવળાટ શરૂ થયો હતો અને એક બીન રાજકીય આંદોલન શરૂ થયું હતું. બાંટવા બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું જે સંપૂર્ણ સફળ રહ્યું હતું. વેપારીઓનું એક પ્રતિનિધિ મંડળ દિલ્હી રજૂઆત કરવા માટે પણ ગયું હતું. ત્યારબાદ આ લાઈન પુનઃ સ્થાપિત કરવા માટે સરકાર દ્વારા સૈદ્ધાંતિક સ્વીકાર કરીને સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ બાબતે પ્રતિનિધિ મંડળના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ બાબતે સરકાર દ્વારા ફાઈનલ સહિત બે સર્વે હાથ ધરવામાં આવ્યા છે. અને ત્યારબાદ જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ત્યારે આજે પ્રજાનો પ્રશ્ન એ છે કે આ સર્વેની અને પ્રક્રિયાની લોલીપોપ હજુ કેટલાં વર્ષો ચગડવાનું ભાગ્યમાં લખાયું હશે,,,? (૪૧.૪)
આલેખનઃ
કિશોર નથવાણી

(2:50 PM IST)










