News of Thursday, 29th October 2026
ગાયુ દોહવા જતી વખતે પતિના બાઇક પાછળથી પટકાતાં કાંગશીયાળીના ટીનાબેન સઇજાનું મોત
નવા બનેલા સ્પીડ બ્રેકરનો ખ્યાલ ન રહેતાં અકસ્માત સર્જાયો : ઘરેથી ગાયોના વાડે કાંગશીયાળી જતી વખતે બનાવઃ ત્રણ સંતાને માતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૯: લોધીકાના કાંગશીયાળી નજીક સ્પીડ બ્રેકર પર બાઇક ઉછળતાં પતિ પાછળ બેઠેલા મહિલાનું પટકાઇ જવાને કારણે ગંભીર ઇજા થતાં મૃત્યુ થયું છે. ઘરેથી કાગશીયાળીની સીમમાં ગાયોના વાડે ગાયુ દોહવા જતી વખતે આ બનાવ બન્યો હતો. નવુ સ્પીડ બ્રેકર બની ગયું હોઇ તેનો ખયાલ ન રહેતાં વાહન ઉલળી ગયાનું મૃતકના પતિએ જણાવ્યું હતું.
જાણવા મળ્યા મુજબ લોધીકાના કાંગશીયાળીમાં સ્થાપત્ય ગ્રીન સીટી બ્લોક નં. ૧૦૧ ખાતે રહેતાં નરેન્દ્રભાઇ ગોપાલભાઇ સઇજા (ઉ.વ.૫૦) સાંજે પાંચેક વાગ્યે પોતાના પત્નિ ટીનાબેન નરેન્દ્રભાઇ સઇજા (ઉ.વ.૪૧)ને બાઇકમાં બેસાડી ઘરેથી કાંગશીયાળીની સીમ પાસે પોતાનો ગાયોનો વાડો હોઇ ત્યાં ગાયુ દોહવા માટે જઇ રહ્યા હતાં ત્યારે કાંગશીયાળી હુશેની ચોક નજીક રોડ પર પહોચ્યા ત્યારે એકાએક સ્પીડ બ્રેકર આવતાં નરેન્દ્રભાઇએ કાબુ ગુમાવતાં પાછળ બેઠેલા તેમના પત્નિ ઉછળીને નીચે પટકાઇ ગયા હતાં. આ અકસ્માતમાં ટીનાબેનને માથા, શરીરે ઇજાઓ થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ વહેલી સવારે દમ તોડી દીધો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને કરી હતી. મૃત્યુ પામનાર ટીનાબેનને સંતનમાં એક દિકરો અને બે દિકરી છે. આ ત્રણ સંતાન મા વિહોણા થતાં અરેરાટી વ્યાપી ગઇ છે. નરેન્દ્રભાઇ દુધનો વ્યવસાય કરે છે. વાડામાં ગાયો રાખી હોઇ તે દોહવા પત્નિને સાથે લઇને જતાં હતાં ત્યારે બનાવ બન્યો હતો. નરેન્દ્રભાઇના કહેવા મુજબ જ્યાં અકસ્માત થયો ત્યાં અગાઉ સ્પીડ બ્રેકર નહોતું. નવુ સ્પીડ બ્રેકર બની ગયાનો મને ખ્યાલ ન હોઇ તેના કારણે આ બનાવ બન્યો હતો.
(11:15 AM IST)










