<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

જૈન મેડિટેશન દ્વારા વ્‍યકિત સર્વ આંતરિક સમાધાનને મેળવી શકેઃ પૂ.જે.પી. ગુરૂદેવ

શહેરના સર્વ પ્રથમવાર ત્રિવિધ જૈન મેડિટેશન અને વેલનેસ સેન્‍ટરની પેટ્રીયા હોટલ ખાતે સ્‍થાપના : વધુ વિગત તથા રજીસ્‍ટ્રેશન માટે મો.૮૨૦૦૩ ૧૦૭૯૬ ઉપર સંપર્ક કરી શકાશેઃ અરવિંદભાઇ મણીયાર રિસર્ચ સેન્‍ટર દ્વારા સંચાલન

રાજકોટ તા.૮: શહેરમાં જન્‍મ પામેલ પૂ.જૈનાચાર્ય શ્રી જયપ્રભ સૂરીશ્વરજી મહારાજ સાહેબ (જે.પી.ગુરુદેવ) ની પ્રેરણાથી રાજકોટની જનતા માટે પેટ્રિયા સ્‍યૂટ્‍સ, એરપોર્ટ રોડ ખાતે ત્રિવિધ જૈન મેડિટેશન & વેલનેસ સેન્‍ટરનું ઉદઘાટન કરવામાં આવ્‍યું હતું.

આ પાવન અવસરે ભારત સરકારના પૂર્વ કેબીનેટ મંત્રીઓ વલ્લભભાઈ કથીરીયા, વર્તમાન સાંસદ પુરુષોત્તમ ભાઈ રૂપાલા, હર્ષલ મણીયાર, નિલેશ શાહ, ઉમેશ મામા, પિયુષ મહેતા, નગર સેવક ધૈર્ય પારેખ તથા મનીષભાઈ ભટ્ટ, બીજેપી સૌરાષ્‍ટ્રના પ્રવક્‍તા રાજુભાઈ ધ્રુવ, પૂર્વીબેન શાહ (સાંજ સમાચાર) આદિ અનેક પુણ્‍યશાળી ઉપસ્‍થિત રહેલ હતા. અહીં બારે મહિના જૈન ધર્મની વિશિષ્ટ ધ્‍યાન સાધના શીખવવામાં આવશે જેના દ્વારા માણસને માનસિક, શારીરિક, પારિવારિક, આર્થિક, સામાજિક, ધાર્મિક, બૌદ્ધિક અને આધ્‍યાત્‍મિક સમસ્‍યાઓનું સુંદર સમાધાન પ્રાપ્ત થશે.

પૂ.ગુરુદેવે આ અવસરે જણાવેલ કે જૈન મેડિટેશનની અંદર તીર્થંકર પરમાત્‍માના દિવ્‍ય મંત્ર સ્‍મરણ સાથે, નવકાર મંત્રના ભવ્‍ય પંચ પરમેષ્ઠી જાપ સ્‍મરણના માધ્‍યમે ત્‍યાગ અને વૈરાગ્‍યના મજબૂત સંસ્‍કાર નિર્મિત થાય છે.

જૈન ધર્મની ધ્‍યાન પદ્ધતિથી માણસ જો ખરેખર ઈચ્‍છે તો સર્વ પ્રકારના આંતરિક સમાધાનને મેળવી શકે છે જેની અંતર્ગત માનસિક શાંતિ, સ્‍વભાવ પરિવર્તન, શરીર સ્‍વાસ્‍થ્‍ય, કાર્ય સફળતા અને કર્મ ક્ષય જેવા મુખ્‍ય લાભો પ્રાપ્ત થાય છે.

પેટ્રિયામાં ચાલનાર આ મેડિટેશન સેન્‍ટરનું સંચાલન શ્રી અરવિંદભાઈ મણીયાર રિસર્ચ સેન્‍ટર દ્વારા કરવામાં આવશે. વધુ વિગતો માટે મો. ૮૨૦૦૩ ૧૦૭૯૬ નંબર પર સંપર્ક કરી રજીસ્‍ટ્રેશન કરાવી શકાશે

(2:43 PM IST)