<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

૬૦ હજાર રૂપિયાની ઉઘરાણી મામલે ત્રણ ભાણેજે સગા મામા ચીનાભાઇ જાડેજાની હત્‍યા કરી નાંખી

રાજકોટના કુબલીયાપરાનો બનાવઃ છરીનો એક જ ઘા જીવલેણ નીવડયો : શાકભાજી વેંચી ગુજરાન ચલાવતાં પ્રોૈઢે સાત મહિના પહેલા સારવાર માટે ભાણેજ પાસેથી પૈસા લીધા હતાં: તે પાછા ન આપી શકતાં પરમ દિવસે છરી ઝીંકાઇ હતીઃ થોરાળા પીઆઇ એસ. પી. સોઢા અને ટીમે પોલીસે ત્રણ આરોપીઓ કમલેશ ઉર્ફે યોગો પરમાર, અમિત ઉર્ફે હોજરી અને વિજય પરમારને દબોચી લીધા

તસ્‍વીરમાં હત્‍યાનો ભોગ બનેલા ચીનાભાઇ હરિભાઇ જાડેજાનો મૃતદેહ અને ફાઇલ ફોટો, શોકમય સ્‍વજનો અને હુમલા બાદ ઘર સળગાવાયાનો આક્ષેપ થયો હતો તે દ્રશ્‍ય જોઇ શકાય છે

રાજકોટ તા. ૪: શહેરમાં હત્‍યાની વધુ એક ઘટના બની છે. ભાવનગર રોડ પર કુબલીયાપરામં રહેતાં શાકભાજીના ધંધાર્થી પ્રોૈઢે સાતેક મહિના પહેલા તેના ભાણેજ પાસેથી પોતાની સારવાર માટે રૂા. ૬૦ હજાર લીધા હોઇ આ રકમ હાલ ધંધો ચાલતો ન હોઇ તેઓ પાછી આપી શક્‍યા નહોતાં. દરમિયાન પરમ દિવસે સાંજે તેઓ ઘર પાસે હતાં ત્‍યારે ત્રણ ભાણેજોએ આવી અમારા પૈસા કેમ આપતાં નથી? કહી ગાળો દઇ ધોલધપાટ કર્યા બાદ ત્રણ પૈકી એક ભાણેજે પડખામાં છરી ભોંકી દેતાં ગંભીર ઇજા થઇ હતી. સારવાર દરમિયાન રાતે આ પ્રોૈઢનું મોત થતાં બનાવ હત્‍યામાં પલ્‍ટાયો છે. ભાણેજોએ વ્‍યાજે નાણા દીધાનો અને વ્‍યાજની ઉઘરાણી માટે હત્‍યા કર્યાનો આક્ષેપ મૃતકના પરિવારજનોએ કર્યો હતો. પોલીસે ગત સાંજ જ ત્રણેય આરોપીઓને સકંજામાં લઇ   લીધા હતાં.

આ બનાવમાં થોરાળા પોલીસે હત્‍યાનો ભોગ બનેલા ચીનાભાઇ હરિભાઇ જાડેજા-દેવીપૂજક (ઉ.વ.૫૨) સારવાર હેઠળ હતાં તે વખત તેમની ફરિયાદ નોંધી હતી. તેના આધારે તેના જ ત્રણ સગા ભાણેજો કુબલીયાપરામાં રહેતાં કમલેશ ઉર્ફે યોગો રાજેશભાઇ પરમાર, વિજય રાજેશભાઇ પરમાર અને અમિત ઉર્ફે હોજરી રાજેશભાઇ પરમાર સામે ગુનો દાખલ કર્યો હતો. આરોપીઓને રાતે પોલીસે સકંજામાં પણ લઇ લીધા હતાં. એ દરમિયાન ખાનગી હોસ્‍પિટલમાં સારવાર લઇ રહેલા ચીનાભાઇ જાડેજાનું રાતે મૃત્‍યુ થતાં બનાવ હત્‍યામાં પલ્‍ટાઇ જતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે.

હત્‍યાનો ભોગ બનેલા ચીનાભાઇ જાડેજા કુબલીયાપરા ચારબાઇ માતાજીના મઢની સામે મફતીયાપરામાં રહેતાં હતાં અને શાકભાજી વેંચી ગુજરાન ચલાવતાં હતાં. તેમણે સારવાર વખતે ફરિયાદમાં જણાવ્‍યું હતું કે હું સાતેક મહિના પહેલા હૃદયની બિમારીનો ભોગ બનતાં મારે સારવાર માટે પૈસાની જરૂરીયાત ઉભી થઇ હતી. તે વખતે મેં મારા સગા ભાણેજ કમલેશ ઉર્ફે યોગો પરમાર પાસેથી હાથ ઉછીના રૂા. ૬૦ હજાર લીધા હતાં. આ પૈસા મારે તેને આપવાના બાકી હતાં. મારી પાસે હાલમાં સગવડ ન હોઇ પૈસા આપી શક્‍યો નહોતો. પણ ભાણેજ કમલેશ વારંવાર મારી પાસે પૈસાની ઉઘરાણી કરતો હતો. હું તેને કહેતો કે હાલ મારે ધંધો નથી, પૈસા થશે એટલે આપી દઇશ.

આ દરમિયાન તા. ૨/૧૧ના સાંજે સાડા સાતેક વાગ્‍યે હું કુબલીયાપરા ચંદ્રિકા પાન પાસે હતો ત્‍યારે મારા ત્રણ ભાણેજ કમલેશ ઉર્ફે યોગો, વિજય અને અમિત ઉર્ફે હોજરી આવ્‍યા હતાં. આ ત્રણેયએ-તમે કેમ અમારા ૬૦ હજાર પાછા આપતા નથી? તેમ કહી ઝઘડો કરી ાગળો દીધી હતી. આ વખતે પણ મેં કહેલું કે હાલ સગવડ નથી, સગવડ થશે એટલે આપી દઇશ. આમ કહેતાં ત્રણેય  વધુ ગાળો દઇ મને મારકુટ કરવા માંડયા હતાં. આ દરમિયાન કમલેશ ઉર્ફે યોગાએ નેફામાંથી છરી કાઢી મને ડાબા પડખામાં એક ઘા મારી દેતાં લોહી નીકળવા માંડતાં દેકારો મચાવતાં આ ત્રણેય ભાગી ગયા હતાં.

આ વખતે મારી દિકરી સીમા, મારી ભત્રીજી સરોજ ઉર્ફે કિર્તી અને મારા પત્‍નિ શોભનાબેનને કોઇએ જાણ કરતાં તે આવી ગયા હતાં અને મને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં લઇ ગયા હતાં. ચીનાભાઇની ઉપરોક્‍ત કેફીયતને આધારે થોરાળા પોલીસ સ્‍ટેશનના પીઆઇ એસ. પી. સોઢાની રાહબરીમાં એએસઆઇ જી. ડી. શીયારે ગુનો દાખલ કર્યો હતો. ગત સાંજે થોરાળા પોલીસે ત્રણેય આરોપીઓને અટકાયતમાં લઇ પુછતાછ શરૂ કરી હતી. એ દરમિયા ચીનાભાઇને સિવિલ હોસ્‍પિટલમાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. રાતે તેણે દમ તોડી દેતાં આ બનાવ હત્‍યામાં પલ્‍ટાઇ જતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. પોલીસે હત્‍યાની કલમ નોંધવા તજવીજ હાથ ધરી હતી.

હત્‍યાનો ભોગ બનેલા ચીનાભાઇ જાડેજા બકાલુ વેંચી ગુજરાન ચલાવતાં હતાં. તે ચાર બહેન અને ત્રણ ભાઇમાં ત્રીજા હતાં. અન્‍ય ભાઇ, બહેનોના નામ હંસાબેન, ભરતભાઇ, રેખાબેન, ધમાભાઇ, કારીબેન, ઉષાબેન છે. તેને સંતાનમાં છ દિકરા અને બે દિકરી છે. જેના નામ સીમા, શની, રાધિકા, આકાશ, સંતોષ, રોહિત, રોહન અને રાજેશ છે. આ બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો છે. (૧૪.૭)


 

મૃતકના ભાઇ-પુત્રનો આક્ષેપઃ ઉછીના નહિ ૬૦ હજાર વ્‍યાજે દીધા હતાં અને ચીનાભાઇ ૨૦ ટકા વ્‍યાજ ભરતાં હતાં

ઞ્જહત્‍યાનો ભોગ બનેલા ચીનાભાઇના ભાઇ, પુત્ર સહિતનાએ આક્ષેપો સાથે જણાવ્‍યું હતું કે ચીનાભાઇએ સારવાર માટે ભાણેજો પાસેથી રૂા. ૬૦ હજાર ઉછીના નહિ પણ વ્‍યાજે લીધા હતાં અને દર મહિને ૨૦ ટકા લેખે વ્‍યાજ ભરતાં હતાં.

 બે મહિનાનું વ્‍યાજ ચડત થઇ જતાં ભાણેજોએ ઝઘડો કરી તેમને છરીનો ઘા ઝીંકી દીધો હતો. જેના કારણે મોત થયું છે. (૧૪.૭)

 

હુમલો કર્યા બાદ ચીનાભાઇના દિકરાના ઘરને આગ લગાડાયાનો પણ આક્ષેપ

ઞ્જચીનાભાઇને છરી ઝીંકી દેવાઇ પછી પરિવારજનો તેને સારવાર માટે લઇ ગયા ત્‍યારબાદ ચીનાભાઇના દિકરા આકાશના ઘરને પણ આગ લગાડી દેવામાં આવતાં તેમાં દિવાળીમાં વેંચવા માટેના તોરણ સહિતનો શણગાર, ઘરવખરી અને અમુક રોકડ બળી ગયાનો આક્ષેપ પણ ચીનાભાઇના પરિવારજનોએ કર્યો હતો. ચીનાભાઇના ત્રણેય ભાણેજો અગાઉ પણ અનેક ગુનામાં સંડોવાઇ ગયાનો આક્ષેપ પણ તેના પરિવારજનોએ કર્યો હતો. પોલીસ આકરી કાર્યવાહી કરી ન્‍યાય આપે તેવી માંગણી પણ કરી હતી. (૧૪.૭)

(2:08 PM IST)