<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

ધ્‍યાનસ્‍થલી, મોરબી, સિંધાવદર ખાતે ત્રિ-દિવસીય ગુરુપૂર્ણિમા મહોત્‍સવ

૨૮ થી ૩૦ દરમિયાન પૂજ્‍ય શિવકૃપાનંદ સ્‍વામીજીનાં લાઈવ પ્રવચન પૂજ્‍ય શિવકૃપાનંદ સ્‍વામીજીના સાંનિધ્‍યમાં આંતરરાષ્ટ્રીય ગુરુપૂર્ણિમાની ઉજવણી જર્મની ખાતે હોવાથી મોટી સંખ્‍યામાં સાધકો ઓનલાઈન જોડાઈને ગુરુચૈતન્‍ય પ્રાપ્ત કરશે.

રાજકોટઃ ગુરુ બિન જ્ઞાન ન ઉપજે  આ ઉક્‍તિ ભારતીય સંસ્‍કૃતિમાં ગુરુની મહિમાને ઉજાગર કરે છે. આપણાં શાષો મુજબ ગુરુ વિના જ્ઞાનની પ્રાપ્તિ શક્‍ય નથી. ગુરુ-શિષ્‍ય પરંપરા અધ્‍યાત્‍મનો આધારસ્‍તંભ માનવામાં આવે છે. દરેક સાધકના જીવનમાં ગુરુપૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે. ગુરુનું ઋણ ક્‍યારેય ચૂકવી શકાતું નથી, પરંતુ ગુરુપૂર્ણિમાના પાવન દિવસે ગુરુપૂજન દ્વારા દરેક શિષ્‍ય પોતાનો ભાવ વ્‍યક્‍ત કરવાનો પ્રયાસ કરે છે.

હિમાલયના યોગી સદ્ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્‍વામીજીના પાવન સાંનિધ્‍યમાં દર વર્ષે ગુરુપૂર્ણિમા મહોત્‍સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પૂજ્‍ય સ્‍વામીજી જર્મનીના પ્રવાસે હોવાથી આંતરરાષ્ટ્રીય ગુરુપૂર્ણિમા મહોત્‍સવનું આયોજન ત્‍યાં કરવામાં આવ્‍યું છે. પરિણામે વિશ્વભરના સમર્પણ ધ્‍યાનયોગના સાધકો  નજીકની ધ્‍યાનસ્‍થલીમાં એકત્રિત થઈ ઓનલાઈન માધ્‍યમથી આ પાવન ઉત્‍સવની  તા.૨૯ના ઉજવણી કરશે. તેમ ભાવનાબેન દોશી જણાવે છે.

મોરબી જિલ્‍લાના સિધાવદર ગામે ધ્‍યાનસ્‍થલી ખાતે તા. ૨૮ થી ૩૦ દરમિયાન ગુરુપૂર્ણિમા પર્વની ભવ્‍ય ઉજવણી કરવામાં આવશે. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય ગુરુપૂર્ણિમા મહોત્‍સવનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. ગુરુશક્‍તિના સૂક્ષ્મ સાંનિધ્‍યમાં સાધકો ગુરુપૂજન, સામૂહિક ધ્‍યાન, સાંસ્‍કૃતિક કાર્યક્રમો તેમજ પૂજ્‍ય સ્‍વામીજીના પ્રવચનનો લાભ મેળવી શકશે.

આ વર્ષની ગુરુપૂર્ણિમાની એક વિશેષતા એ પણ છે કે શ્રી મંગલમૂર્તિના નિજ સ્‍થાનેથી યોજાતી આ પ્રથમ ગુરુપૂર્ણિમા છે. ઉપરાંત, નવા દીક્ષાર્થીઓને ધ્‍યાનસ્‍થલી ખાતે ગુરુદીક્ષા પામવાનો સુવર્ણ અવસર પણ પ્રાપ્ત થશે. જર્મનીથી પૂજ્‍ય ગુરુદેવનું લાઈવ પ્રવચન અને અન્‍ય કાર્યક્રમોનું પ્રસારણ પણ કરવામાં આવશે. તેમ જણાવાયું છે.

કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવા માટે અગાઉથી નોંધણી (રજિસ્‍ટ્રેશન) કરાવવી જરૂરી છે. નોંધણી માટે મો. ૭૦૪૬૪ ૧૨૪૨૩ નંબર પર સંપર્ક કરી શકાશે.ગુરુપૂર્ણિમા દરેક સાધકના જીવનનો અત્‍યંત મહત્ત્વનો આધ્‍યાત્‍મિક ઉત્‍સવ છે. તેથી દરેકને નજીકની સમર્પણ ધ્‍યાનયોગની ધ્‍યાનસ્‍થલીના ચૈતન્‍યમય વાતાવરણમાં જોડાઈ ગુરુઊર્જાનો અવશ્‍ય લાભ લેવા અનુરોધ કરવામાં આવેલા છે.

(11:50 AM IST)