<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

૧૫૦ ફુટ રિંગ રોડના ત્રણ બ્રીજમાં બેદરકારીનો ભાંડો ફૂટયોઃ બે ઇજનેરો ઘરભેગા

વિકાસકામોમાં ગુણવત્તા સાથે કોઇ સમાધાન નહીં: મ્‍યુ.કમિશનરનું કડક વલણ : કમિશનર તુષાર સુમેરાની સરપ્રાઈઝ મુલાકાતમાં ખામી જોવા મળતા કડક કાર્યવાહી કરવા સુચના : BR-2, BR-3 અને BR-4 બ્રિજના વાઇડનિંગ કામમાં સુપરવિઝન-મોનિટરિંગમાં ગંભીર બેદરકારીઃ ડે. કાર્યપાલક ઈજનેર વિજય કારીયા અને આસિ. એન્‍જિનિયર વિશાલ વાગડીયા તાત્‍કાલિક સસ્‍પેન્‍ડ

રાજકોટ, તા. ૯: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે હાથ ધરાતા વિકાસકામોની ગુણવત્તા અને અધિકારીઓની દેખરેખ સામે ફરી ગંભીર સવાલો ઊભા થયા છે. નવા ૧૫૦ ફૂટ રિંગ રોડ ઉપર નિર્માણાધીન ત્રણ બ્રિજના વાઇડનિંગના કામમાં મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની સ્‍થળ મુલાકાત બાદ ગંભીર પ્રકારની ખામીઓ બહાર આવતાં મનપા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. પ્રોજેક્‍ટમાં વર્કમેનશીપનો સ્‍પષ્ટ અભાવ તેમજ ફરજ પ્રત્‍યે ગંભીર બેદરકારી, શિથિલતા અને નિષ્‍કાળજી હોવાનું ફલિત થતાં બે જવાબદાર ઈજનેરોને તાત્‍કાલિક અસરથી સસ્‍પેન્‍ડ કરી દેવામાં આવ્‍યા છે. એટલું જ નહીં, વેસ્‍ટ ઝોનના નાયબ મ્‍યુનિસિપલ કમિશનર અને સિટી એન્‍જિનિયરને પણ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.

મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ તા. ૭ સપ્‍ટેમ્‍બરના રોજ વોર્ડ નં. ૯ વિસ્‍તારમાં ચાલી રહેલા વિકાસકામોની રૂબરૂ સાઇટ વિઝિટ કરી હતી. આ દરમિયાન નવા ૧૫૦ ફૂટ સેકન્‍ડ રિંગ રોડ પર ચાલી રહેલા BR-2, BR-3 અને BR-4 એમ કુલ ત્રણ બ્રિજના વાઇડનિંગના કામની પણ ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. કમિશનરે કામગીરીની પ્રગતિ, બાંધકામની ગુણવત્તા, મેનપાવર, સાઇટ મોનિટરિંગ અને પ્રોજેક્‍ટ સમયમર્યાદામાં પૂર્ણ થાય તે સહિતના મુદ્દાઓની સ્‍થળ ઉપર જ વિગતવાર સમીક્ષા કરી હતી.

સ્‍થળ મુલાકાત દરમિયાન ત્રણેય બ્રિજની કામગીરીમાં કેટલીક ખામીઓ મ્‍યુનિસિપલ કમિશનરની નજરે ચડી હતી. મામલાને ગંભીરતાથી લઈ તેમણે રાજકોટ મહાનગરપાલિકાના પ્રોજેક્‍ટ મેનેજમેન્‍ટ યુનિટ (PMU)ને ત્રણેય બ્રિજની કામગીરીનો સર્વે કરી વિગતવાર રિપોર્ટ રજૂ કરવા સૂચના આપી હતી.

PMU દ્વારા ત્રણેય બ્રિજના પ્રોજેક્‍ટની તપાસ અને સર્વે હાથ ધરવામાં આવતાં તેમાં મહત્‍વપૂર્ણ ભૂલો અને ખામીઓ સામે આવી હતી. એટલું જ નહીં, પ્રોજેક્‍ટની કામગીરીમાં ગંભીર પ્રકારની બેદરકારી દાખવવામાં આવી હોવાનું પણ રિપોર્ટ પરથી ફલિત થયું હતું. કમિશનરની સ્‍થળ ચકાસણીમાં જોવા મળેલી સ્‍થિતિ અને PMUના રિપોર્ટ બાદ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીનો દોર શરૂ કરવામાં આવ્‍યો હતો.

વોર્ડ નં. ૯ના નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) વિજય સી. કારીયા અને આસિસ્‍ટન્‍ટ એન્‍જિનિયર (સિવિલ) વિશાલ એમ. વાગડીયાને તેમના વોર્ડ વિસ્‍તારમાં ૧૫૦ ફૂટ સેકન્‍ડ રિંગ રોડ ઉપર BR-2, BR-3 અને BR-4 એમ ત્રણ બ્રિજના વાઇડનિંગના કામનું સુપરવિઝન, મોનિટરિંગ અને દેખરેખ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

મ્‍યુનિસિપલ કમિશનરની સાઇટ વિઝિટ દરમિયાન ચાલુ કામગીરીની ચકાસણી કરતાં કામમાં વર્કમેનશીપનો સ્‍પષ્ટ અભાવ જણાયો હતો. ત્‍યારબાદ PMUના રિપોર્ટમાં પણ પ્રોજેક્‍ટની કામગીરીમાં ગંભીર પ્રકારની બેદરકારી થયાનું સામે આવતાં બંને ઈજનેરોની જવાબદારી નક્કી કરવામાં આવી હતી.

તેમની કામગીરીમાં વર્કમેનશીપનો અભાવ ઉપરાંત ફરજ પ્રત્‍યે ગંભીર બેદરકારી, શિથિલતા અને નિષ્‍કાળજી દાખવવામાં આવી હોવાનું ફલિત થતાં મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ નાયબ કાર્યપાલક ઈજનેર વિજય કારીયા અને આસિસ્‍ટન્‍ટ એન્‍જિનિયર વિશાલ વાગડીયાને તાત્‍કાલિક અસરથી ફરજમાંથી સસ્‍પેન્‍ડ કરવાનો હુકમ કર્યો છે.

બ્રિજ પ્રોજેક્‍ટમાં સામે આવેલી ખામીઓ અંગે મ્‍યુનિસિપલ કમિશનરે કાર્યવાહી માત્ર સાઇટની સીધી જવાબદારી સંભાળતા ઈજનેરો સુધી સીમિત રાખી નથી. વેસ્‍ટ ઝોનના નાયબ મ્‍યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી અને સિટી એન્‍જિનિયર કુંતેશ મહેતાને પણ કારણદર્શક નોટિસ આપવામાં આવી છે.

આમ, ત્રણ બ્રિજના કામમાં સામે આવેલી ખામીઓના પગલે બે ઈજનેરોના સસ્‍પેન્‍શન અને બે ઉચ્‍ચ અધિકારીઓને કારણદર્શક નોટિસ સુધી કાર્યવાહી પહોંચતાં મનપાના ઈજનેરી વિભાગમાં ભારે ચર્ચા જાગી છે.

આ સમગ્ર ઘટનાને પગલે મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ વિકાસકામોમાં ગુણવત્તા સાથે કોઈ સમાધાન નહીં કરવામાં આવે તેવો સ્‍પષ્ટ સંદેશ અધિકારીઓને આપ્‍યો છે. મનપાના વિવિધ પ્રોજેક્‍ટમાં નિયત ગુણવત્તા જળવાય, કામગીરીનું નિયમિત અને અસરકારક સાઇટ મોનિટરિંગ થાય તેમજ પ્રોજેક્‍ટ નિયત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

આગામી સમયમાં રાજકોટ મહાનગરપાલિકાના મહત્‍વપૂર્ણ પ્રોજેક્‍ટનું મ્‍યુનિસિપલ કમિશનરની સીધી નજર હેઠળ ઝીણવટભર્યું મોનિટરિંગ કરવામાં આવશે. સાઇટ ઉપર કામની ગુણવત્તા, ટેક્રિકલ માપદંડો, સુપરવિઝન અને અધિકારીઓની જવાબદારી ઉપર વિશેષ ભાર મૂકવામાં આવશે.

૧૫૦ ફૂટ રિંગ રોડના ત્રણ બ્રિજની કામગીરીમાં ખામીઓ પકડાયા બાદ થયેલી કડક કાર્યવાહીથી મનપા તંત્રમાં પણ સ્‍પષ્ટ સંદેશ ગયો છે કે વિકાસકામમાં નબળી ગુણવત્તા કે ફરજમાં બેદરકારી સામે જવાબદારી નક્કી કરીને કાર્યવાહી કરવામાં આવશે.

(2:30 PM IST)