તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st April 2026
ગાયત્રીનગર, નારાયણનગર, કેવડાવાડીમાંથી ત્રણ સાયકલો ચોરાઇ ગઇઃ શકમંદ સકંજામાં
ભક્તિનગર પોલીસે ગુના દાખલ કર્યાઃ બપોરે, રાતે રેકી કરી સાયકલ ઉઠાવી લેતાં શખ્સને પુછતાછ માટે ઉઠાવ્યોઃ વધુ ભેદ ખુલવાની શક્યતા

રાજકોટ તા. ૨૧: સાયકલોની ચોરીના ત્રણ અલગ અલગ બનાવ પોલીસ ચોપડે ચડયા છે. ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં આ મામલે ત્રણ ગુના દાખલ થયા છે. જેમાં ગાયત્રીનગરના યુવાન, નારાયણનગરના મહિલા અને કેવડાવાડીના આધેડે પોતાના ઘર પાસે રાખેલી સાયકલો ચોરાઇ ગયાનું જણાવ્યું છે. પોલીસે તપાસ શરૂ કરી એક શકમંદને અટકાયતમાં લઇ લેતાં ભેદ ઉકેલાઇ ગયા છે.
જાણવા મળ્યા મુજબ ગાયત્રીનગર-૧૨માં રહેતાં અને કન્ટ્રક્શનનો ધંધો કરતાં વિરાજ જસપાલભાઇ ટાંક (ઉ.વ.૨૫)એ પોતાની રૂા. ૬૮૦૦ની કિંમતની સાયકલ ઘર પાસે રાખી હતી તે ૧૬મીએ બપોરના સમયે કોઇ ચોરી ગયું હતું. જ્યારે ઢેબર રોડ નારાયણનગર-૧માં રહેતાં જાગૃતીબેન યોગેશભાઇ ઘઘડા (ઉ.વ.૪૮)એ પોતાની દિકરીની કાળા પીળા પટ્ટાવાળી સાયકલ રૂા. ૭૪૦૦ની ઘર પાસે રાખી હતી તે ૯મીએ રાતને સવા નવ પછી ચોરાઇ ગઇ હતી.
આવી જ રીતે કેવડાવાડી-૧૬માં ધર્મભક્તિ ખાતે રહેતાં દિપકભાઇ અમૃતલાલ ફીચડીયા (ઉ.વ.૪૮)એ પોતાની કાળા પીળા પટ્ટાવાળી માર્વેલ પ્રો લખેલી રૂા. ૩ હજારની સાયકલ ઘર પાસે પાર્કિંગમાં રાખી હતી તે ૨૦/૪ના રોજ રાતે બે વાગ્યે ચોરાઇ ગઇ હતી. આ ત્રણેયએ ભક્તિનગર પોલીસને જાણ કરતાં પીઆઇ જે. ડી. પરમારની રાહબરીમાં પીએસઆઇ જે. જે. ગોહિલ અને ટીમે ગુના દાખલ કરી તપાસ શરૂ કરી હતી.
દરમિયાન એક શકમંદ શખ્સ પોલીસના હાથમાં આવી ગયો છે. પ્રાથમિક તપાસમાં આ શખ્સે જ સાયકલો ઉઠાવી હોવાનું બહાર આવ્યું હોઇ તેની વધુ પુછપરછ હાથ ધરી સાયકલો કબ્જે કરવા તજવીજ શરૂ થઇ છે.
(3:51 PM IST)










