તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th June 2026
શાપર-વેરાવળની અઢી કરોડની લુંટમાં પકડાયેલ ત્રણેય આરોપીઓ પાંચ દિવસના રિમાન્ડ ઉપર

રાજકોટ ,તા. ૩૦ : શાપર-વેરાવળમાં અઢી કરોડની લુંટમાં પકડાયેલ એમપી અને દાહોદ પંથકના ૩ શખ્સોની પોલીસે પાંચ દિવસના રીમાન્ડ પર લઇ પુછતાછ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ શાપર-વેરાવળમાં ગત ૨૦ જૂનના રોજ ગીરાસદાર વળદ્ધ જીતેન્દ્રસિંહ જાડેજાના ઘરમાં ઘુસીને અજાણ્યા બુકાનીધારીઓ દ્વારા કરવામાં આવેલી રૂપિયા અઢી કરોડની સનસનાટીભરી ધાડ અને લૂંટના ગુન્હાનો રાજકોટ રૂરલ પોલીસે ૮ દિવસમાં જ ભેદ ઉકેલી લૂંટમાં સામેલ એક શખ્સ સહિત ૩ શખ્સોને ૭૬.૮૬ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જયારે બે મુખ્ય કાવત્રાખોર સહિત પાંચની શોધખોળ હાથ ધરાઇ છે.
લૂંટની આ ઘટનામાં રૂરલ પોલીસે ત્રણ આરોપી (૧) બનસીંગ ઉર્ફે બન્ના હેમરાજ શીંગાડ (રહે. તેજારીયા ગામ, તા.જી. જાંબુવા, એમ.પી.) (ર) સેતાન દિવાનભાઇ અમલીયાર તથા (૩) દિનેશ સેતાનભાઇ પરમાર (રહે. નીમચ ગામ, ઉચવાસ ફળીયુ, તા. ગરબાડા, જી.દાહોદ) ને ઝડપી લઇ ધરપકડ કરી રિમાન્ડની માંગી સાથે કોર્ટમાં રજુ કરતા કોર્ટે ત્રણેય આરોપીઓને પાંચ દિવસના રીમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.
પકડાયેલ ઉકત ત્રણ પૈકી બનસીંગ ઉર્ફે બન્ના લુંટમાં સામેલ હતો. જયારે તેની સાથેના શેતાન અને દિનેશ લુંટ કરવા માટે બોલેરો લઇ આવ્યા હતા. આ લુંટારૂ ટોળકીના મુખ્ય સુત્રધાર કલમસીંગ ઉર્ફે કમલસીંગ માવજીયા શીંગાડ તથા કરણસીંગ ઉર્ફે મળીયા હેમરાજ શીંગાડ(રહે. તેજારીયા, તા.જી. જાંબુવા, એમપી) છે. આ બંનેએ પકડાયેલ ઉકત ત્રણેય શખ્સો ઉપરાંત મહોબત તથા સુલસુલા બામણીયા (રહે. બંન્ને છેરાદ, તાલ.ડાંટા, જી.ધાર, મધ્યપ્રદેશ) અને વિઝન માવી નામના શખ્સ સાથે મળી લુંટનું કાવત્રુ રચી અંજામ આપ્યો હતો. મુખ્ય કાવત્રાખોર કલમસીંગ સહિત પાંચની શોધખોળ હાથ ધરાઇ છે.
રીમાન્ડ પર રહેલા ત્રણેય આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરાઇ છે. જેમાં અનેક મોટા ખુલાસા થવાની શકયતા છે. વધુ તપાસ શાપર-વેરાવળના પીઆઇ આર.બી.રાણા તથા સ્ટાફ ચલાવી રહેલ છે.
(11:16 AM IST)










