<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

હાઉસીંગ બોર્ડની ૧૦ સોસાયટીના એક હજાર આવાસધારકો ઉપર ઝળુંબતુ મોત

૫૦ વર્ષ જૂના જર્જરીત મકાનોને રીનોવેશન કે રીપેર કરવાની મ્‍યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંજુરી અપાતી ન હોવાથી ઉભો થયેલો ખતરોઃ લીઝ હોલ્‍ડમાંથી ફ્રી હોલ્‍ડ કરાવવા નહિ માંગતા રહેવાસીઓને ફરજીયાત ફ્રી હોલ્‍ડ કરાવવા મનઘડંત નિયમોને આધાર બનાવી કરાતુ દબાણઃ વડાપ્રધાન કાર્યાલય સુધી સોૈરાષ્‍ટ્ર-કચ્‍છની હાઉસીંગ બોર્ડ સોસાયટીના લાખો ધારકોનો પ્રશ્ન પહોંચ્‍યો

રાજકોટમાં હાઉસિંગ બોર્ડે બનાવેલી ૧૦ સોસાયટીના એક હજાર જેટલા આવાસ ધારકો ઉપર રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્‍લાનીંગ વિભાગ અને હાઉસીંગ બોર્ડના અધિકારીઓની જો હુકમીના કારણે મોત મંડરાતુ હોવાની સ્‍થિતી સર્જાઇ છે. ચોમાસુ માથે છે ત્‍યારે ૫૦ વર્ષથી વધુ જૂના કેટલાક ટેનામેન્‍ટ ફસકીને ઢગલો થઇ જાય તેવી સ્‍થિતીમાં છે ત્‍યારે રીનોવેશન અને રીપેરીંગના નકસાને તાકીદે મંજુરી આપવા ગુજરાત હાઉસીંગ બોર્ડ લીઝ હોલ્‍ડરર્સ એશોશીએસન દ્વારા છેક પીએમઓ સુધી રજુઆતો કરવામાં આવી છે પરંતુ તમામ રજુઆતો બહેરા કાને અથડાઇ પાછી પડી રહયાનો તાલ સજાર્યો છે.

એસોશીએશનના પ્રમુખ એ.જે. કામદારે પ્રેસ સમક્ષ કરેલી લેખીત રજુઆતમાં જણાવ્‍યુ છે કે, ગુજરાત હાઉસીંગ બોર્ડ, શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ દ્વારા સીએમઓ અને પીએમઓ ઓફીસને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે. ગુજરાત સરકારની ૨૦૧૯ની પોલીસીને આધાર બનાવી નર્યુ જુઠાણુ ચલાવાય રહયુ છે. હાઉસીંગ બોર્ડના ટેનામેન્‍ટસ અને કવાર્ટસની જમીનને લીઝ હોલ્‍ડ માંથી ફ્રી હોલ્‍ડ કરવાનો માત્ર સ્‍વેૈચ્‍છીક વિકલ્‍પ આપેલો છે. જેમાં કયાંય ફરજીયાત ફ્રી હોલ્‍ડ કરવાની પૂર્વ શરત નથી. અમારો પ્રશ્ન કે અમારી સમસ્‍યા જમીનને લીઝમાંથી ફ્રી હોલ્‍ડ કરવાની છે જ નહી. સોૈરાષ્‍ટ્ર કચ્‍છની તમામ ગુજરાત હાઉસીંગ બોર્ડની સોસાયટીઓના બાંધકામ ૪૦-૫૦ વર્ષ જૂના અને સંપૂર્ણ જર્જરીત છે. જુના બાંધકામની જગ્‍યાએ નવા બાંધકામના નકશા સ્‍થાનીક સંસ્‍થાઓ મંજુર કરતી નથી તેઓ જમીનને ફ્રી હોલ્‍ડ કરાવવાનો કક્કો ઘુંટે છે. સરકારી પોલીસીમાં એવુ કંયાય જણાવાયુ નથી કે જુના બાંધકામમાંથી નવુ બાંધકામ કરવુ હોય તો પ્રથમ જમીન ફ્રી હોલ્‍ડ કરવી પડે!. પરંતુ ગુજરાત હાઉસીંગ બોર્ડના અધિકારીઓના મનઘડંત અને મનસ્‍વી વલણના કારણે રહેવાસીઓના જાનનુ જોખમ ઉભુ થયુ છે.

શહેરના ધારાસભ્‍યોએ પણ આ મામલે યોગ્‍ય ઉકેલની રજુઆત કરી છે છતા કોઇ નિવેડો આવતો નથી. લીઝ હોલ્‍ડર એસોશીએશન વધુમાં જણાવ્‍યુ છે કે આખા ગુજરાતમાં માત્ર રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશન જ આવાસના રીનોવેશન અને રીપેરીંગના પ્‍લાન હાઉસીંગ બોર્ડના એક જુનિયર ઇજનેરના પત્રને કારણે અટકાવીને બેઠી છે. અન્‍ય મહાનગરપાલિકાઓ હાઉસીંગ બોર્ડના મકાન ધારકોને સુધારા કરતા રોકતી નથી. ત્‍યારે આવતા દિવસોમાં રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં હાઉસીંગ બોર્ડના જર્જરીત આવાસો મોટી દુઘર્ટના સર્જે તે પહેલા સરકાર અમારા પ્રશ્ને યોગ્‍ય નિર્ણય લે તેવી અમારી માંગણી છે.

યોજના પૈકી સૌથી જૂની ગણાતી અમિન માર્ગની ટેનામેન્‍ટ યોજનાની હાલત બદતર થવા લાગી છે. સાડા પાંચ દાયકા જૂની આવાસ યોજનામાં જમીનની કિંમત કરોડોમાં થવા જાય છે પણ તેની ઉપરના મકાનોની ખખડધજ હાલત તેમાં રહેનારાઓ માટે જોખમ ઉભુ કરનારી બની રહે છે.

આ આવાસમાં પોતાનું ટેનામેન્‍ટ ધરાવતા અશોકભાઈ કામદાર દ્વારા રિનોવેશન માટે મંજૂરી માંગવામાં આવી ત્‍યારે જમીન ફ્રિ હોલ્‍ડ કરાવી લેવા માટે હાઉસિંગ બોર્ડ દ્વારા પત્રો લખાયા હતા અને જેની કિંમત એક કરોડ જેવી થવા જાય છે. અમુક હજારમાં ખરીદેલા પારિવારિક મકાનમાં કરોડોરૂપિયા કયાંથી ભરવા? અમારે કઈ મકાનો વેચવાના નથી. રહેવા માટે મકાન બનાવવાના છે અને આમ છતા તેના પ્‍લાન પાસ કરવામાં આવતા નથી તેવી હૈયા વરાળ સ્‍થાનિકોએ ઠાલવી હતી. હાઉસિંગ બોર્ડે જે તે વખતે ફ્રિ હોલ્‍ડ જમીન લીધી હતી અને હવે અમારી પાસેથી પણ કિ હોલ્‍ડના પૈસા માગે છે ત્‍યારે એક ચો.મી.નો ભાવ ૩૫ પૈસા હતો અત્‍યારે ૩૫૦૦૦થી વધુ ગણાય છે. અમારી પૈતળક સંપતિ હોય કે અમે ખરીદેલી હોય તેમાં શા માટે આ નાણા માંગવામાં આવે છે તે સમજાતું નથી. વળી, અગાઉ અનેક લોકોએ મકાનોમાં ફેરફાર કરાવી નાખ્‍યો છે. તેની સામે કોઈ કાર્યવાહી થઈ નથી અમારી સામે જ થાય છે. મનપાની ટી.પી. શાખા અમારા પ્‍લાન મંજૂર કરતી નહિ હોવાથી અમારે નાછૂટકે જીવના જોખમે ખખડધજ મકાનોમાં રહેવાનો વારો આવ્‍યો છે. અમે પ્‍લાન પાસ કરવા માટે નિયમોમાં છૂટછાટની માગણી કરી છે પણ હાઉસિંગ બોર્ડના અધિકારીઓ કે ઈજનેરો કોઈ પ્રત્‍યુતર આપતા નથી તેમ લીઝ હોલ્‍ડર એસોશીએશને અંતમાં જણાવ્‍યુ છે

 

 

(2:45 PM IST)