તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
રેલનગરમાં એપાર્ટમેન્ટમાં લિફટ રીપેર કરતી વખતે વિજકરંટથી રૂખડીયા કોલોનીના થોમસ મેથ્યુનું મોત
લિફટ રીપેરીંગની એજન્સી ધરાવતાં પ્રોૈઢ એકલા જ રહેતાં હતાં: અન્ય કર્મચારી સાથે લિફટનો પંખો રીપેર કરતી વખતે બનાવઃ સિવિલ હોસ્પિટલમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૬: માણસને પરલોકનું તેડુ ક્યારે ક્યાંથી અને કેવી રીતે આવી જાય તેની ખબર હોતી નથી. એક કરૂણ બનાવમાં રૂખડીયાપરામાં રહેતાં ક્રિશ્ચિયન પ્રોૈઢનું રેલનગરના એપાર્ટમેન્ટમાં લિફટ રીપેર કરતી વખતે વિજકરંટ લાગી જતાં મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ છે. જાણવા મળ્યા મુજબ રૂખડીયા કોલોનીમાં હનુમાનજી દાદાના મંદિર પાસે નકલંકપરા અમીના મંજીલ ખાતે રહેતાં થોમસ કોરા મેથ્યુ (ઉ.વ.૫૩) નામના ટેકનીશીયીન ગઇકાલે સાંજે રેલનગરમાં આવેલા ઓસ્કાર એપાર્ટમેન્ટમાં લિફટ ખરાબ થઇ હોઇ અને લિફટનો પંખો બંધ થઇ ગયો હોઇ પ્રતિકભાઇ નામના કારીગરને સાથે લઇ રીપેરીંગ કરવા માટે ગયા હતાં. થોમસભાઇ લિફટની ઉપરના ભાગે પંખો રિપેર કરતાં હતાં ત્યારે અચાનક જોરદાર કરંટ લાગતાં બેભાન થઇ ઢળી પડયા હતાં. સાથેના પ્રતિકભાઇએ તથા બીજા લોકોએ મળી તેમને બહાર કાઢયા હતાં. પ્રતિકભાઇએ થોમસભાઇના મિત્રને પણ જાણ કરી હતી. બેભાન હાલતમાં તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં પ્ર.નગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે. કે. ચાવડાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર થોમસભાઇ ત્રણ ભાઇ અને બે બહેનમાં નાના તથા અપરિણીત હોઇ એકલા જ રહેતાં હતાં.
(3:53 PM IST)










