તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th October 2026
‘આ જગ્યા તમારા બાપની નથી': ઉપલેટામાં રાજકોટના યુવાન સહિત ત્રણ ઉપર હુમલો
રૈયાધારનો યુવાન ઉપલેટામાં માતાજીના મઢે દર્શન કરી વડિલોના પ્લોટે જતા માથાકુટઃ ૩ શખ્સો લાકડી, પાઇપથી તુટી પડતા ઉપલેટા પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૩૦: રાજકોટથી ઉપલેટા કુટુંબીજનો સાથે માતાજીના મઢે દર્શન કરવા ગયેલા યુવાન સહિતને ત્રણ શખ્સોએ પાઇપ, લાકડી વડે હુમલો કરી ધમકી આપતા ઉપલેટા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે. આ હુમલામાં યુવાન, તેનાં કાકા સહિત ત્રણને ઇજા થઇ હતી.
ઉપલેટા પોલીસે આ મામલે રાજકોટના રૈયાધારમાં રાણીમાં રૂડીમાં ચોકમાં રહેતા રાહુલ ભરતભાઇ ચાવડા (ઉ.વ. ર૭) ની ફરિયાદ પરથી ઉપલેટાના જયેશ જગુભાઇ મોરી, તેના ભાઇ ઉકા અને રસીક દેવશીભાઇ મોરી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
રૈયાધારમાં રાણીમા રૂડીમાં ચોકમાં રહેતો મુળ ઉપલેટાનો રાહુલ ભરતભાઇ ચાવડા (ઉ.વ. ર૭) એ ફરિયાદમાં જણાવ્યું કે, તે ગઇ તા. ર૧ના રાજકોટથી કુટુંબીજનો કરણ ચાવડા, ભાવેશ ચાવડા, કિશોર ચાવડા, ધર્મેશ ચાવડા સહિતના સાથે ઉપલેટાનાં ખાખી જાળીયા રોડ પર રઘુવંશી સોસાયટીની સામે આવેલા કુળદેવી માતાજીના મંદિરે દર્શન કરવા ગયો હતો. દર્શન કરવા ગયા બાદ મંદિર પાસે આવેલા વડીલોના પ્લોટ જોવા ગયા હતા. આ સમયે ઉપલેટા રહેતો આરોપી જયેશ જગુભાઇ મોરી, તેના ભાઇ ઉકા મોરી અને રસીક દેવશીભાઇ મોરી પાઇપ અને લાકડી સાથે ધસી આવી ‘આ જગ્યા તમારા બાપની નથી, અહીંથી નિકળી જાવ' તેમ કહેતા તેને ‘આ જગ્યા અમારા વડિલોની છે' તેમ જવાબ આપતા ઉશ્કેરાઇ ગયેલા આરોપીઓએ તેને ગાળો દઇ લાકડી, પાઇપ વડે હુમલો કરતાં તેને, તેના કાકા કરણભાઇ, ભાવેશભાઇને ઇજા થઇ હતી. લોકો એકઠા થઇ જતા ત્રણેય ત્યાંથી જતા રહ્યા હતા. જયારે જતા જતા ‘આજે તો તમને જીવતા જવા દઇએ છીએ, બીજી વખત અહીંયા આવશે તો જાનથી મારી નાખીશું' તેમ કહી ધમકી આપી હતી.
આ હુમલામાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડયા હતા. ઉપલેટા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
(1:02 PM IST)










