News of Thursday, 30th July 2026
આને સે ઉનકે આયે બહાર: રફી સાહેબની સંગીતમય સ્મરણાંજલિનો શનિવારે ભવ્ય કાર્યક્રમ
ગાયકો સિકંદરખાન પઠાણ (અમરેલી), સલીમ જામ (સુરેન્દ્રનગર), આરતી ચામુ (વડોદરા) અને ગેસ્ટ કલાકાર સુનિલ શાહ જમાવટ કરશે

રાજકોટઃ આને સે ઉનકે આયે બહાર... જેવી અજર અમર રચનાઓ આપનાર સંગીતજગતના બેતાજ બાદશાહ અને શહેનશાહ-એ-તરન્નુમ મોહમ્મદ રફી સાહેબની યાદમાં એક ભવ્ય સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મોહમ્મદ રફી સાહેબ ઉધરસ ખાતા પણ સાત સુરોમાં જ ખાતા - એવી જેમની વિશેષ ઓળખ છે, તેવા રફી સાહેબના સદાબહાર ગીતોમાં શ્રોતાઓને ઝુમાવતા તા.૧ ઓગષ્ટના શનિવારે રાત્રે ૯:૧૫ વાગ્યાથી અરવિંદભાઈ મણિયાર હોલ ખાતે કાર્યક્રમ યોજાએલ હોવાનું સમગ્ર કાર્યક્રમના પ્રેરણાષાોત - રચયિતા અને ભારતીય બોલીવુડ સંગીતના સુવર્ણકાળના ગીતો માટે જેઓ ઓથોરીટી ગણાય છે તેવા શ્રી મહેશભાઇ યાજ્ઞિકે જણાવ્યું છે. આ કાર્યક્રમના પ્રેરણાસ્ત્રોત શ્રી સતીષભાઈ મહેતા (તંત્રી અબતક) એ ગાયક સિકંદરખાન પઠાણનું ગાયન સાંભળ્યા બાદ રફી સાહેબની યાદમાં આ કાર્યક્રમ યોજવાનું નિમંત્રણ આપ્યું હતું. શ્રી સતીષભાઈએ જાતે આગળ વધીને હોલનું બુકિગ, પબ્લિસિટી તેમજ કલાકારોના રોકાણ અને સંચાલનની તમામ જવાબદારીઓ સહર્ષ સંભાળીને આ કાર્યક્રમને આકાર આપ્યો હોવાનું શ્રી મહેશભાઇ યાજ્ઞિકે જણાવાયું છે. મિત્રો અને સંગીતપ્રેમીઓના સાથ-સહકારથી આ સંગીતયજ્ઞ સાકાર થઈ રહ્યો હોવાનું અખબારી યાદીમાં જણાવાયું છે. ખાસ નોંધનીય છે કે, અમરેલીના ડો. ભરત કાનાબારે ગાયક સિકંદરખાન પઠાણને બે લાખનો ચેક આપી બહુમાન-સન્માન કર્યું હતું. સંગીતપ્રેમી ડો. કાનાબાર વિશે કહેવાય છે કે સમગ્ર ભારતમાં કે વિદેશમાં કદાચ જ કોઈ એવા વ્યક્તિ હશે જેમણે કોઈ કલાકારને આટલું મોટું સન્માન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હોય. રફી સાહેબના હજારો ગીતોમાંથી ગીતોની પસંદગી કરવી અત્યંત જટિલ અને મુશ્કેલ કાર્ય હોય, છતાં પણ આયોજકો અને ગાયકો દ્વારા રફી સાહેબના ચુનંદા અને લોકપ્રિય ગઝલો તથા સદાબહાર ગીતો પીરસવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. આ કાર્યક્રમનું સંગીત સંચાલન બીપીનભાઈ મકવાણા (વાંકાનેર) કરશે. સંગીત પ્રેમીઓને મહેશ યાજ્ઞીક અને સિકંદરખાન પઠાણ દ્વારા કાર્યક્રમ માણવા સહર્ષ ઉપસ્થિત રહેવા નિમંત્રણ અપાયું છે. કાર્યક્રમ અંગે વધુ માહિતી માટે (મો. ૯૪૨૭૭ ૪૪૨૩૪ / ૭૯૯૦૯ ૩૯૫૪૭) ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. કાર્યક્રમ વિનામૂલ્યે છે.
(3:37 PM IST)










