તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
આ આપણા કુટુંબ વિરૂધ્ધ ફરિયાદો કરે છે, ગેરકાયદે ધંધા કરવા દેતો નથી કહી જાલસીકાના સરપંચના પગ ભાંગી નાંખ્યા
ગેરકાયદે ખનીજ ચોરી, બોગસ દૂધ મંડળી, સરકારી જમીનો પરના દબાણ સામે વાંધો ઉઠાવી રજૂઆત કરી હોઇ ખાર રાખી ટોળકી તૂટી પડી મોરબી રોડ પર રહેતાં જાલસીકાના સરપંચ ધીરૂભાઇ ડાંગરને જીવાપર પાસે આંતરી પ્રવિણ સરૈયા સહિત બારેક શખ્સોએ ધોકા-પાઇપથી ફટકાર્યાઃ એરપોર્ટ પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૧૨: શહેરના મોરબી રોડ પર આવેલ ખોડીયાર પાર્કમાં રહેતા અને મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના જાલસીકા-વસુંધરા જૂથ પંચાયતના ૬૫ વર્ષીય સરપંચ પર જીવાપર ગામ નજીક ૧૦થી ૧૨ જેટલા શખ્સોએ ઈકો કાર અને અન્ય વાહનમાં આવી હીચકારો હુમલો કરતા તેઓ સારવાર હેઠળ છે. ગામમાં ચાલતી ગેરકાયદે ખનીજ ચોરી, બોગસ દૂધ મંડળી અને સરકારી જમીનો પરના દબાણો સામે સરપંચ તરીકે તેમણે વાંધો ઉઠાવ્યો હોઇ ખાર રાખી આ હુમલો કરાયો હતો.
આ બનાવમાં વાંકાનેરના જાલસીકા ગામેના મુળ વતની અને હાલ રાજકોટ મોરબી રોડ જકાતનાકા પાસે ખોડીયાર પાર્ક-૧માં રહેતાં અને જાલસીકા ગામના સરપંચ ધીરૂભાઇ કરસનભાઇ ડાંગર (ઉ.વ.૬૫)ની ફરિયાદ પરથી એરપોર્ટ પોલીસે પ્રવિણ જેહાભાઇ સરૈયા, અનીલ રેવાભાઇ સરૈયા, વિપુલ જેહાભાઇ સરૈયા, શૈલેષ રેવાભાઇ સરૈયા, વિક્રમ રેવાભાઇ સરૈયા, જગદીશ સામતભાઇ સરૈયા અને છ સાત અજાણ્યા શખ્સો સામે મંડળી રચી ધોકા પાઇપથી હુમલો કરી સરપંચના હાથના અંગુઠામાં અને પગમાં ફ્રેકચર કરી નાખવાનો ગુનો નોંધ્યો છે.
સરપંચ ધીરૂભાઈ ડાંગરે નોંધાવેલી ફરિયાદ મુજબે તેઓ છેલ્લા પાંચ વર્ષથી જાલસીકા-વસુંધરા જૂથ પંચાયતમાં સરપંચ તરીકે સેવા આપે છે. આશરે ત્રણ-ચાર વર્ષ પહેલાં વસુંધરા ગામની સીમમાં ચાલતી ગેરકાયદેસર પથ્થરની ખાણો અને ભરડીયાઓ સામે તેમણે કલેક્ટર, મામલતદાર, ખાણ-ખનીજ વિભાગ અને પોલીસમાં લેખિત રજૂઆતો કરી હતી, જેના આધારે મામલતદારે દરોડા પાડ્યા હતા.
આ ઉપરાંત ગામના રેવાભાઈ હમીરભાઈના પુત્ર હરેશભાઈના પત્નિ ગનુબેને પંચાયતના બોગસ લેટરપેડ, સિક્કા અને ખોટી સહીઓ બનાવી બોગસ દૂધ સરકારી મંડળી ઊભી કરી હતી. જે અંગે પણ જિલ્લા રજીસ્ટ્રાર કચેરીમાં ફરિયાદો કરવામાં આવી હતી. એટલું જ નહીં, રેવાભાઈના અન્ય પુત્ર નવઘણભાઈએ બોગસ પ્રમાણપત્રોના આધારે એસ.ટી. ઉમેદવાર તરીકે મેળવેલી નોકરીનું પ્રકરણ પણ યુવરાજસિંહ જાડેજા દ્વારા જાહેર કરાતા તપાસ ચાલી રહી છે. તેમજ બંસલ પેટ્રોલ પંપ પાસે આવેલ ગેરકાયદે કનૈયા હોટલનું દબાણ દૂર કરવા રાજકોટ મામલતદારે હુકમ કર્યો હતો. આ તમામ બાબતોનો ખાર રાખી સામેવાળા તત્વો સરપંચ અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા.
દરમિયાન તા. ૯/૯ ના રોજ સરપંચ ધીરૂભાઈ ગામના મતદારોની જમીન સંબંધિત ખરાઈ અર્થે હોલમઢ ગયા હતા. ત્યાંથી તલાટી મંત્રી અને રાજકોટ જિલ્લાના પૂર્વ -મુખ નવઘણભાઈ મેઘાણીને મળી, જાલસીકા અને ત્યારબાદ વસુંધરા ગામે પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડ વોલના કામની વિઝીટ કરવા ગયા હતા. સાંજના આશરે સવા સાતેક વાગ્યે તેઓ પોતાના એક્ટિવા જીજે૦૩એફએસ-૬૩૧૬ લઇ વસુંધરાથી રાજકોટ પરત ફરી રહ્યા હતા. દરમિયાન સાડા સાતેક વાગ્યાના અરસામાં જીવાપર ગામથી આગળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે પહોંચતા જ એરપોર્ટ ત્રણ રસ્તા તરફથી આવેલી એક ઇકો કારે તેમના એક્ટિવાને જોરદાર ટક્કર મારી નીચે પાડી દીધા હતા.
અકસ્માત સર્જાયા બાદ તુરંત જ પાછળથી અન્ય એક વાહન આવી પહોંચ્યું હતું. બંને વાહનોમાંથી ૧૦ થી ૧૨ જેટલા શખ્સો લોખંડના પાઇપ અને ધોકા સાથે નીચે ઉતર્યા હતા. જેમાં પ્રવીણ જેહાભાઈ સરૈયા, અનિલ રેવાભાઇ સરૈયા, વિપુલ જેહાભાઇ સરૈયા, શૈલેષ રેવાભાઇ સરૈયા, વિક્રમ રેવાભાઇ સરૈયા, જગદીશ સરૈયા અને બીજા છ સાત અજાણ્યા શખ્સો હતો. આ તમામ શખ્સોએ-આ આપણા કુટુંબ વિરૂધ્ધ ફરિયાદો કરે છે અને ગેરકાયદે ધંધા કરવા દેતો નથી તેમ કહી આડેધડ ઘા ઝીંકવાનું શરૂ કર્યું હતું. સરપંચે સ્વબચાવમાં એક પાઇપ પકડી લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ટોળાએ તેમને નીચે પાડી દઈ બેરહમીથી માર માર્યો હતો.
દરમિયાન સામેથી એક મોટરસાયકલની લાઈટ દેખાતા અને અન્ય વાહનચાલકો આવી પહોંચતા હુમલાખોરો આજે તો બચી ગયો છે, હવે મોકો મળશે એટલે જાનથી મારી નાખવો છે તેવી ધમકી આપી વાહનોમાં ફરાર થઈ ગયા હતા. ઘટના સ્થળે એકત્ર થયેલા લોકો અને ઓળખીતા દિલીપભાઈ નામના રાહદારીએ તુરંત સરપંચના પુત્રને જાણ કરી હતી. ત્યારબાદ ગંભીર રીતે ઘવાયેલા ધીરૂભાઈને સારવાર અર્થે રાજકોટની એક હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે વોકહાર્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તબીબી તપાસમાં તેમના જમણા હાથના અંગુઠામાં, ડાબા પગના ઢીંચણમાં તથા જમણા પગના કાંડાના ભાગે ગંભીર ફ્રેક્ચર માલુમ પડ્યા હતા. ઈજાઓ ગંભીર હોય તબીબો દ્વારા તેમના બંને પગના ઓપરેશન કરવામાં આવ્યા છે.
સરપંચ ધીરૂભાઈ ડાંગરે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપ મૂકયો છે કે, આ હુમલો તેમના ગામના વડીલો અને આગેવાનો રેવાભાઈ હમીરભાઈ સરૈયા, સામતભાઈ ખોડાભાઈ સરૈયા, રેવાભાઈ જેહાભાઈ સરૈયા, સુરેશભાઈ રેવાભાઈ સરૈયા, દીપકભાઈ જેહાભાઈ સરૈયાની સુચનથી અને સુનિયોજિત કાવતરાના ભાગરૂપે કરવામાં આવ્યો છે. સરપંચ તરીકે તઓ ગેરકાયદે પ્રવળત્તિઓ અટકાવવાની કામગીરી કરી રહ્યા હોઇ તેનો દ્વેષ રાખી ગેરકાયદે મંડળી રચી હુમલો કરવામાં આવ્યો છે. એરપોર્ટ પીઆઇ કે. પી. તરેટીયાની રાહબરીમાં પીએસઆઇ એસ. એમ. જાડેજાએ ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે
(3:37 PM IST)










