News of Sunday, 6th September 2026
એલઆઇસી કચેરી પાસે ગુણવંતભાઇ ડેલાવાળાના બંધ બંગલામાં મધરાતે ચોર ઘુસ્યાઃ તોડફોડથી નુકસાની
પાડોશીની સજાગતાથી બે શકમંદ સકંજામાં: એક ભાગી ગયોઃ એ-ડિવીઝન પોલીસ સ્ટેશન દ્વારા તપાસનો ધમધમાટ

રાજકોટઃ શહેરના મહિલા કોલેજ અન્ડર બ્રીજ નજીક એલઆઇસી કચેરી નજીક જનતા સોસાયટીની બાજુની સોસાયટીમાં આવેલા બંધ બંગલોમાં ત્રણ ચોર ત્રાટક્યા હતાં. બાજુમાં જ રહેતાં પાડોશીની સજાગતાથી બે ચોર પકડાઇ ગયા હતાં. જ્યારે અન્ય એક ભાગી ગયો હતો. મોડી રાત્રે ત્રણેક વાગ્યે ગુણવંતભાઇ ડેલાવાળાના ઘરમાં ચોર ઘુસી ગયા હતાં. આ ઘર બંધ હોઇ પડોશી પરિવારને કંઇક તોડફોડ થતી હોવાનો અવાજ આવતાં યુવાન દંડો લઇને અગાસી પર ગયો હતો અને બાદમાં તપાસ કરતાં સરગમ ક્લબવાળા ગુણુભાઇ (ગુણવંતભાઇ) ડેલાવાળાના ઘરમાંથી આ અવાજ આવતો હોવાનું જણાયું હતું.
આ પછી બીજા પાડોશી અને એક રાહદારીએ મળીને અંદર જે હોય તે બહાર આવી જાવ તેવા પડકારા કરતાં અંદરથી એક શખ્સ બહાર નીકળી ભાગી ગયો હતો. જ્યારે અન્ય બે પકડાઇ ગયા હતાં. બનાવની જાણ થતાં એ-ડિવીઝન પોલીસની ટીમ પહોંચી ગઇ હતી અને તપાસ શરૂ કરી હતી. તસ્કરોએ અંદર તોડફોડ કરી નુકસાન પહોંચાડયું હતું. કેટલી મત્તા ગઇ તે જાહેર થયું નથી. આજ સવાર સુધી હજુ કોઇ એફઆઇઆર દાખલ થઇ નથી. પકડાયેલા શકમંદોની પોલીસ હવે પછી પુછપરછ કરશે. બનાવને પગલે રાતે લોકોના ટોળા બનાવ સ્થળે એકઠા થઇ ગયા હતાં. તસ્વીરમાં ઘટના સ્થળ અને અંદરના દ્રશ્યો જોઇ શકાય છે.
(12:11 PM IST)










