News of Monday, 3rd August 2026
બે વર્ષ પહેલા પણ ઘનશ્યામસિંહ વાઘેલાની હત્યાનો પ્રયાસ થયો હતોઃ આ વખતે ઝીંકાયેલા છરીના ઘા જીવલેણ નીવડયા
રાજકોટમાં જલારામ ચોકમાં થયેલી રઘુવીર સોસાયટીના યુવાનની હત્યામાં ભક્તિનગર પોલીસે કલાકોમાં આરોપીને લીંબડીથી પકડયો : હાલના આરોપી ધર્મેન્દ્રસિંહના મોટા ઘનશ્યામસિંહે મહેન્દ્રસિંહ વાઘેલાએ પાટણવાવના ભાડેર ગામે જઇ ‘તું મારી પત્નિ સાથે ફોનમાં કેમ વાતો કરે છે?' કહી ઘનશ્યામસિંહ અનોપસિંહ વાઘેલાને મારી નાંખવા પ્રયાસ કર્યો હતોઃ એ કેસમાં સમાધાન કરવા મામલે પણ મનદુઃખ હતું: મૃતકે પચાસથી વધુ ફોન આરોપીને કર્યા અને લોથ ઢળી મૃતકને આરોપી ધર્મેન્દ્રસિંહના ભાભી સાથે ફોનમાં વાતચીતના સંબંધ હોઇ ડખ્ખો થયો હતો

ઘટના સ્થળે પીઆઇ જે. ડી. પરમાર, એએસઆઇ નિલેષભાઇ મકવાણા, હુમલા બાદ ઘટના સ્થળે જ ફેંકી દેવાયેલી છરી, અન્ય પોલીસ સ્ટાફ અને મૃતક ઘનશ્યામસિંહ અનુપસિંહ વાઘેલાનો ફાઇલ ફોટો તથા આરોપી ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ વાઘેલાનો ફોટો જોઇ શકાય છે (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ તા. ૩: શહેરના ભક્તિનગર સર્કલ તરફ જતાં રસ્તે ધર્મજીવન એપાર્ટમેન્ટ નીચે જીઇબીના ટ્રાન્સફોર્મર સામે શનિવારે સાંજે સહકાર મેઇન રોડ રઘુવીર સોસાયટી-૩માં રહેતાં ઘનશ્યામસિંહ અનુપસિંહ વાઘેલા (ઉ.વ.૪૨) નામના યુવાન પર નાણાવટી ચોક નાઇન્થ એવન્યુ આઇ વીંગ ફલેટ નં. ૧૦૨માં રેહતાં તેના કુટુંબી સગા ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા (ઉ.વ.૨૯)એ છરીથી હુમલો કરી સાતેક ઘા મારી દેતાં ઘનશ્યામસિંહને ગંભીર હાલતમાં સારવારમાં ખસેડાયા બાદ રવિવારે તેમણે દમ તોડી દેતાં ભક્તિનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી કલાકોમાં આરોપી ધર્મેન્દ્રસિંહને લીંબડી નજીકથી પકડી લીધો હતો. પ્રેમપ્રકરણના કારણે અગાઉ થયેલી માથાકુટ-હત્યાની કોશિષના બનાવના મનદુઃખમાં આ હત્યા થયાનું ખુલ્યું છે. હત્યાનો ભોગ બનનારની અગાઉ પણ હાલના આરોપીના મોટા ભાઇએ છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તે બચી ગયા બાદ આ વખતે થયેલો હુમલો હત્યામાં પરીણમ્યો હતો.
તપાસમાં ખુલ્યા મુજબ હત્યાનો ભોગ બનનાર ઘનશ્યામસિંહ વાઘેલાને આરોપી ધર્મેન્દ્રસિંહ વાઘેલાના ભાભી સાથે ફોનમા વાત કરવાના સંબંધ હતાં. આ કારણે બે વર્ષ પહેલા ૨૦૨૪માં મૃતક ઘનશ્યામસિંહ અને તેના પિતા અનુપસિંહ વાઘેલા સહિતના પાટણવાવના ભાડેર ગામે માતાજીના હવનમાં ગયા ત્યારે આરોપી ધર્મેન્દ્રસિંહના મોટા ભાઇ ઘનશ્યામસિંહ મહેન્દ્રસિંહ વાઘેલાએ ભાડેર ગામે આવી તું કેમ મારી ઘરવાળી સાથે ફોનમાં વાતો કરે છે? તેમ કહી ગાળો દઇ ઘનશ્યામસિંહ અનુપસિંહ વાઘેલાને છરીના ઘા મારી દીધા હતાં. તે વખતે પિતા અનુપસિંહ વચ્ચે પડતાં તેને પણ છરીના ઘા ઝીંકાયા હતાં. પાટણવાવ પોલીસે તે વખતે ૧૩/૧૦/૨૪ના રોજ હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો હતો. ત્યારનો કેસ ચાલુ હોઇ તેમાં સમાધાન કરી લવાનું કહી હાલમાં ઘનશ્યામસિંહ મહેન્દ્રસિંહ વાઘેલાનો ભાઇ ધર્મેન્દ્રસિંહ વાઘેલા દબાણ કરતો હતો. પરંતુ મૃતક ઘનશ્યામસિંહ સમાધાન કરતાં ન હોઇ ખાર રાખી ધર્મેન્દ્રસિંહે છરીના ઘા ઝીંકી દેતાં તે જીવલેણ નીવડયા હતાં.
ભક્તિનગર પોલીસે આ બનાવમાં અનુપસિંહ કેશુભા વાઘેલાની ફરિયાદ પરથી હત્યાની કોશિષનો ગુનો નોંધી આરોપી ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ વાઘેલાને ઝડપી લેવા દોડધામ શરૂ કરી હતી. ત્યાં સારવાર દરમિયાન ધનશ્યામસિંહનું મૃત્યુ થતાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો. મોટા ભાઇ ઘનશ્યામસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા વિરૂધ્ધ પાટણવાવમાં નોંધાયેલા હત્યાની કોશિષના કેસમાં સમાધાન ન થતાં ઘનશ્યામસિંહ મહેન્દ્રસિંહના ૨૯ વર્ષીય નાના ભાઈ ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા અને તેની સાથેના એક અજાણ્યા શખસે કાવતરૂં રચ્યું હતું. બનાવના દિવસે બંને આરોપીઓએ એક્ટિવા બાઇક પર રેકી કરી હતી. સાંજના આશરે સાડા છ વાગ્યાના અરસામાં, જલારામ ચોકથી ભક્તિનગર સર્કલ વચ્ચે આવેલા ધર્મજીવન એપાર્ટમેન્ટ સામે ઘનશ્યામસિંહ પોતાની કારમાં બેઠા હતા ત્યારે ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને તેના સાગરીતે આવીને છાતી, વાંસા, ખભા અને હાથના ભાગે તીક્ષ્ણ છરી વડે આડેધડ ૬ થી ૭ ઘા ઝીંકી દીધા હતા. જે જીવલેણ નીવડયા હતાં.
બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ તથા એસીપી બી.વી. જાધવના માર્ગદર્શન હેઠળ તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. ભક્તિનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. પરમાર તથા પીએસઆઇ એસ.એચ. ગોહીલ, જે.બી. રાણીંગા, પી.બી. વારોતરીયા તથા એએસઆઇ નિલેશભાઈ મકવાણા, સુરેશભાઈ ત્રાપડીયા અને હેડકોન્સ્ટેબલ હરવિજયસિંહ ગોહિલ, મયુરદાન બાટી, કેતનભાઈ બોરીચા, કુલદીપસિંહ ચુડાસમા, પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ મકવાણા, નિલેશભાઈ મીયાત્રા, રવિભાઈ રત્નુ, યોગીરાજસિંહ જાડેજા, નરસંગભાઈ ગઢવી, યુવરાજસિંહ જાદવ, અને અરજણભાઈ પરમાર સહિતના સ્ટાફે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી ગણતરીના કલાકોમાં લીંબડી ખાતેથી આરોપીને ઝડપી લીધો હતો. છરી ઘટના સ્થળેથી જ પોલીસને મળી આવી હતી.
આરોપી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રટણ કર્યુ હતું કે બનાવના પાંચેક દિવસ પહેલા મૃતક ઘનશ્યામસિંહે મને મારા ઘર પાસે જઇ તેને પચાસથી સાંઇઠ જેટલા ફોનકોલ્સ કર્યા હતાં. પણ મેં રિસીવ કર્યા નહોતાં. તે મને મારવા માટે ફોન કરતો હોવાનું લાગતાં મેં જ તેને શોધીને હુમલો કરી દીધો હતો. વિશેષ તપાસ માટે આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ કરવામાં આવશે.
(2:23 PM IST)










