તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
કાલે રાજકોટ શહેર-જીલ્લામાં ભારે વરસાદની ચેતવણી છે.. છતા તંત્ર દ્વારા શાળાઓમાં રજા જાહેર નથી કરાઇ..
શહેર કોંગ્રેસ દ્વારા આક્ષેપો.. આસુરક્ષાની દ્રષ્ટિએ ગંભીર બેદરકારી સમાન છે..

રાજકોટ, તા. ૩૧: રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદિપસિંહ જાડેજાએ કલેકટરને પત્ર પાઠવી ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી રાજકોટ શહેર અને જિલ્લામાં શાળાઓમાં તાત્કાલિક રજા જાહેર કરવા માંગણી કરી છે.
પત્રમાં ઉમેર્યુ હતું કે સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા જરૂરી સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે, જે આવકારદાયક બાબત છે.
પરંતુ આવતીકાલે (શનિવારે) રાજકોટ જિલ્લામાં પણ ભારે વરસાદની સ્પષ્ટ આગાહી હોવા છતાં હજુ સુધી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી નથી. જે વિધાર્થીઓની સુરક્ષાની દૃષ્ટિએ ગંભીર બેદરકારી સમાન છે. રાજ્યના અમદાવાદ, વડોદરા સહિતના અનેક જિલ્લાઓમાં વિદ્યાર્થીઓના હિત અને સલામતીને પ્રાથમિકતા આપી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
વિધાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોની સુરક્ષા સર્વોપરી છે. ભારે વરસાદ દરમિયાન રસ્તાઓ પર પાણી ભરાવા, ટ્રાફિકની સમસ્યાઓ તેમજ અન્ય સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેર અને જિલ્લામાં પણ તાત્કાલિક અસરથી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવે તેવી અમારી વિનંતી છે.
(2:30 PM IST)










