તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th June 2026
સ્કાયલાઇન પ્રોજેક્ટની સાઇટ પરથી રૂપિયા ૧૦.૧૧ લાખની એલ્યુમિનિયમ પ્લેટ્સની ચોરી
નવા ૧૫૦ રીંગ રોડ પર કન્સ્ટ્રક્શન સાઇટ પર બનાવઃ શકમંદો સીસીટીવી કેમેરામાં દેખાતાં તેના આધારે તપાસ : કંપનીના એન્જિનિયર વંદન વાટીકામાં રહેતા ધવલભાઇ સોલંકીની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

રાજકોટ તા. ૨૬: શહેરમાં બાંધકામની વધુ એક સાઇટ પર ચોરીનો બનાવ બન્યો છે. નવા૧૫૦ ફુટ રીંગ રોડ પર ચાલતાં એક હાઇરાઇઝ પ્રોજેક્ટની સાઇટ પરથી અજાણ્યા તસ્કરો રૂપિયા ૧૦.૧૧ લાખની કિંમતની ૬૯ નંગ એલ્યુમિનિયમની પ્લેટો ચોરી જતાં પોલીસે તપાસ શરૂ કરી છે.
આ બનાવ અંગે જુના એરપોર્ટ રોડ પર વંદન વાટીકા-૩ બ્લોક નં. ૪૪માં રહેતાં ધવલભાઇ જીતેન્દ્રભાઇ સોલંકી (ઉ.વ. ૨૯)એ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ધવલભાઇ જે.જે. ઇ.પી.સી. પ્રા.લી. કન્સ્ટ્રક્શન કંપનીમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. હાલ કંપનીની સાઇટ નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર પરસાણા ચોક ખાતે સ્કાયલાઇન પ્રોજેક્ટના નામથી ચાલી રહી છે. ધવલભાઇ આ સાઇટ પર સુપરવિઝન કરી રહ્યા છે. આ સાઇટ પર બાંધકામના શટરિંગ કામ માટે અલગ અલગ સાઇઝની કુલ ૪૫૯ એલ્યુમિનિયમની પ્લેટો મંગાવવામાં આવી હતી.
દરમિયાન ૨૫/૬ના સવારે સાડા નવ વાગ્યાની આસપાસ જ્યારે એન્જિનિયર ધવલભાઈ સાઇટ પર હાજર હતાં ત્યારે ત્યાં કામ કરતા મજૂરોએ જણાવ્યું હતું કે શટરિંગ માટે વપરાતા માઇવન મટિરિયલમાં એલ્યુમિનિયમની પ્લેટો ઘટે છે. આ સાંભળીને તેઓ તાત્કાલિક મટિરિયલ જ્યાં રાખવામાં આવ્યું હતુ ત્યાં પહોંચ્યા હતાં. પ્બરાથમિક નજરે જ પ્લેટો ઓછી જણાતા સાઇટની આસપાસ અને સિકયુરિટી ગાર્ડની સઘન પુછપરછ કરવામાં આવી હતી. પરંતુ કોઈ પત્તો મળ્યો નહોતો. અંતે મજૂરો પાસે તમામ પ્લેટોની ચોક્કસ ગણતરી કરાવતાં કુલ ૪૫૯ પ્લેટોમાંથી ૬૯ પ્લેટો ઓછી હોવાનું સામે આવ્યું હતું.
ચોરી થયેલી એલ્યુમિનિયમ પ્લેટો અલગ અલગ માપની હતી. બજાર કિંમત મુજબ એક ચોરસ મીટર એલ્યુમિનિયમ પ્લેટની કિંમત આશરે રૂપિયા ૧૧,૦૦૦ જેટલી થાય છે. આ હિસાબે સાઇટ પરથી ગાયબ થયેલી કુલ ૬૯ પ્લેટોની અંદાજિત કિંમત રૂપિયા ૧૦,૧૧,૦૦૦ જેટલી થવા જાય છે. ચોરીની જાણ ગાંધીગ્રામ પોલીસમાં કરતાં પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં હેડકોન્સ. કે. એમ. અજાગીયાએ ધવલભાઇની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે. અજાણ્યા શકમંદો સીસીટીવીમાં કેદ થયા હોઇ તેના આધારે પોલીસે ભેદ ઉકેલવા તપાસ શરૂ કરી છે.
(2:24 PM IST)










