<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

રૈયા ચોકડીના પૂલ નીચે રાધે નામના શખ્‍સનો આતંકઃ એમપીના બે ભાઇઓને છરીના ઘા ઝીંક્‍યા-ગંભીર ઇજા

૪૦ વર્ષિય વિલાસસિંગ ગઇકાલે જ પરિવાર સાથે વતનથી મજૂરી કરવા રાજકોટ આવ્‍યો છેઃ રૈયા ચોકડીએ પોતાના ભાઇ કનૈયા (ઉ.વ.૩૬) પાસે પૈસા લેવા આવ્‍યો ત્‍યારે અચાનક રાધે આવી તૂટી પડયોઃ અગાઉ પાર્કિંગના પૈસા મામલે હુમલો કરનારનું નામ પણ રાધે હતું

રાજકોટ તા. ૧૬: રૈયા ચોકડીના પૂલ નીચે મુળ મધ્‍યપ્રદેશના બે ભાઇઓ ઉભા રહીને વાત કરી રહ્યા હતાં ત્‍યારે અહિ રખડતાં રહેતા રાધે નામના શખ્‍સે અચાનક આવી છરીથી હુમલો કરી બંને ભાઇઓને ગંભીર ઇજાઓ પહોંચાડતાં સારવાર માટે દાખલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. ગયા મહિને એક વૃધ્‍ધ પૂલ નીચે ટુવ્‍હીલર પાર્ક કરવા આવ્‍યા ત્‍યારે પણ એક શખ્‍સે પાર્કિંગના પૈસા દેવા પડશે તેમ કહી ધોકાથી હુમલો કરી ઇજાઅ પહોંચાડી હતી. એ શખ્‍સનું નામ પણ રાધે હતું. બંને બનાવમાં એક જ શખ્‍સ સામેલ છે કે કેમ? તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

જાણવા મળ્‍યા મુજબ મુળ મધ્‍યપ્રદેશનો કનૈયા હીરાભાઇ બામણીયા (ઉ.વ.૩૫) અને તેનો ભાઇ વિલાસસિંગ હીરાભાઇ બામણીયા (ઉ.વ.૪૦) સવારે નવેક વાગ્‍યે રૈયા ચોકડીના પૂલ નીચે ઉભા રહી વાતો કરી રહ્યા હતાં ત્‍યારે રાધે નામના શખ્‍સે આવી ગાળો દઇ છરીથી હુમલો કરી બંને ભાઇઓને પડખાના ભાગે ઘા મારી દેતાં લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે યુનિવર્સિટી પોલીસને કરી હતી.

કનૈયા અને વિલાસસિંગ પાંચ ભાઇ અને એક બહેનમાં વચેટ છે. કનૈયાને સંતાનમાં એક દિકરી અને ત્રણ દિકરા છે, જ્‍યારે વિલાસસિંગને સંતાનમાં ત્રણ દિકરી અને બે દિકરા છે. કનૈયા રાજકોટ રહી મજૂરી કરે છે. તેનો મોટો ભાઇ વિલાસસિંગ ગત સાંજે જ પરિવાર સાથે મધ્‍યપ્રદેશથી રાજકોટ આવ્‍યો હતો. તેને સરધાર ખેત મજૂરી કરવા જવાનું હોઇ સવારે રૈયા ચોકડીના પૂલ પાસે નાના ભાઇ કનૈયાને મળવા અને તેની પાસે પૈસા લેવા આવ્‍યો હતો. બંને ભાઇઓ પૂલ નીચે વાત કરતાં હતાં ત્‍યારે રાધેએ આવી ઝઘડો કરી છરીના ઘા મારી દીધા હતાં.

રાધેએ પહેલા કનૈયા સાથે માથાકુટ કરી તેને છરીના ઘા ઝીંક્‍યા હતાં. મોટો ભાઇ વિલાસસિંગ બચાવવા વચ્‍ચે પડતાં તેના ઉપર પણ હુમલો કર્યો હતો. બંનેને ગંભીર ઇજા પહોંચી હોઇ સારવાર માટે દાખલ કરાયા છે. પોલીસે હુમલાખોરને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને પણ રૈયા ચોકડીના પૂલ પાસે પ્રધાનમંત્રી જન ઓૈષધી કેન્‍દ્ર ખાતે એક વૃધ્‍ધ દવા લેવા આવ્‍યા ત્‍યારે પૂલ નીચે ટુવ્‍હીલર પાર્ક કરતાં એક શખ્‍સે અહિ વાહન પાર્ક કરવાના પૈસા દેવા પડે તેમ કહી ઝઘડો કર્યો હતો. વૃધ્‍ધે આ સરકારી પાર્કિંગ છે તેમ કહેતાં એ શખ્‍સે પૈસા આપવા છે કે ધોકો ખાવો છે? તેમ કહી હુમલો કર્યો હતો. એ શખ્‍સનું નામ પણ રાધે હોવાનું જે તે વખતે ખુલ્‍યું હતું. દરમિયાન આજે એમપીના બે ભાઇઓ પર હુમલો કરનારાનું નામ પણ રાધે હોઇ આ હુમલામાં પણ એ જ શખ્‍સ છે કે કેમ? તેની તપાસ થઇ રહી છે. હુમલાનું ચોક્કસ કારણ પણ બહાર આવ્‍યું નથી.

(3:51 PM IST)