તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
‘તેરા તુજકો અર્પણ': બી ડીવીઝન પોલીસે રૂા. ૯.૨૬ લાખનો મુદ્દામાલ મુળ માલિકોને સોંપ્યો
ગૂમ થયેલા મોબાઈલ અને સાયબર ફ્રોડના નાણાં પરત મેળવાયા : પીઆઇ જી. આર. ચોૈહાણ, પીએસઆઇ ડોબરીયા અને ટીમની કામગીરી

રાજકોટઃ પ્રજાના ગુમ થયેલા કે ચોરાયેલા માલ-સામાન અને સાયબર ફ્રોડમાં ફસાયેલા નાણાં પરત મેળવી આપવાના ઉમદા આશય સાથે બી ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણકાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હેઠળ છેલ્લા એક જ મહિના દરમિયાન રિકવર કરવામાં આવેલ કુલ રૂપિયા ૯,૨૬,૧૪૨નો મુદ્દામાલ અરજદારો અને ફરિયાદીઓને પ્રજાની બહોળી હાજરીમાં વિધિવત રીતે પરત સોંપવામાં આવ્યો હતો. બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર જી.આર.ચૌહાણના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના પીએસઆઇ એન.આર.ડોબરીયા, હેડકોન્સ. પુષ્પરાજસિહ જાડેજા તેમજ સાયબર/આઈટી એક્સપર્ટ મિલન અનંત અને તેમની સાયબર ટીમ દ્વારા ટેકનોલોજી અને હ્યુમન સોર્સિસના ઉપયોગ કરી સીઇઆઇઆર પોર્ટલ પર સતત મોનિટરિંગ રાખીને ગુમ થયેલા મોબાઈલ ટ્રેસ કરવામાં આવ્યા હતા. પોલીસે ગૂમ થયેલા રૂા. ૧,૩૮,૭૦૦ના ફોન અને ફ્રોડમાં ગયેલા રૂા. ૫,૬૨,૪૪૨ રોકડા રીકવર કર્યા હતાં. અન્ય ગુનાઓમાં ગયેલ રૂ. ૨,૨૫,૦૦૦નો મુદ્દામાલ પણ મળી કુલ રૂા. ૯,૨૬,૧૪૨નો મુદ્દામાલ અરજદારોને પરત સોંપાયો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવની સુચના અંતર્ગત આ કામગીરી થઇ હતી.
(2:57 PM IST)










