તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
મનપાના પ્લોટ માટે ‘ વહેલા તે પહેલા ' નહીં ટેન્ડર પ્રક્રિયા
સીઝનલ ધંધા માટે ફાળવણીના નિયમોની પણ પારદર્શકતા લાવતા નેહલ શુકલ : માત્ર અરજીના આધારે જગ્યા અપાતી હોવાની વ્યાપક ફરિયાદો બાદ મેયરનો નિર્ણય

રાજકોટ, તા.૨૩: રાજકોટ મહાનગરપાલિકાની માલિકીના ટી.પી. પ્લોટ અને ખુલ્લા મેદાનોની સીઝનલ ધંધા માટે થતી ફાળવણીમાં હવે ‘‘વહેલા તે પહેલા''ની નીતિ નહીં ચાલે. માત્ર અરજીના આધારે લાગતા-વળગતાઓને જગ્યા ફાળવી દેવામાં આવતી હોવાની ફરિયાદો મેયર સુધી પહોંચતાં હવે મેયરે આ પદ્ધતિ બંધ કરી પારદર્શક રીતે ટેન્ડર અને ભાવ-ઓફર મંગાવીને જ પ્લોટ ફાળવવાની સૂચના આપી છે.
શહેરમાં મહાનગરપાલિકાની માલિકીના વિવિધ ટી.પી. પ્લોટ અને ખુલ્લાં મેદાનો મસાલા માર્કેટ સહિતના સીઝનલ ધંધા માટે હંગામી ધોરણે ફાળવવામાં આવે છે. અત્યાર સુધી કેટલીક જગ્યાઓ માત્ર અરજીના આધારે અને ‘‘વહેલા તે પહેલા''ના ધોરણે ફાળવાતી હોવાની ફરિયાદો ઉઠતી હતી. આવી પદ્ધતિમાં ચોક્કસ લોકોને લાભ મળતો હોવાની રજૂઆતો પણ મેયર સમક્ષ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
આ ફરિયાદોને ગંભીરતાથી લઈને મેયરે હવે સીઝનલ ધંધા માટે પ્લોટ ફાળવણીની પ્રક્રિયામાં ફેરફાર કરવાની સૂચના આપી છે. નવરાત્રી મહોત્સવ અને દિવાળીના ફટાકડા બજાર માટે જે રીતે ભાવ-ઓફર મંગાવવામાં આવે છે તે જ પદ્ધતિ મસાલા માર્કેટ સહિતના અન્ય સીઝનલ ધંધા માટે પણ અમલમાં મૂકવા જણાવાયું છે.
મેયરની સૂચના મુજબ હવે કોઈ વેપારી માત્ર અરજી કરે એટલે તેને મનપાની જગ્યા ફાળવી દેવામાં નહીં આવે. તેના બદલે જાહેર ટેન્ડર અથવા ભાવ-ઓફર મંગાવવામાં આવશે. એક જ જગ્યા માટે એક કરતાં વધુ અરજદારો હોય તો ઊંચી ઓફર આપનારને અથવા હરાજીની પ્રક્રિયા મારફત જગ્યા ફાળવવામાં આવશે.
ઉનાળાની સીઝનમાં મસાલા માર્કેટ માટે મહાનગરપાલિકાના ખુલ્લાં મેદાનોની માંગ રહેતી હોય છે. હવે આવા મેદાનોની ફાળવણી પણ ટેન્ડર પ્રક્રિયા મારફત જ કરવાની સૂચના અપાઈ છે. આ જ નિયમ અન્ય સીઝનલ ધંધા માટે પણ લાગુ કરવાની દિશામાં તંત્રને કાર્યવાહી કરવા જણાવાયું છે.
મનપાના ટી.પી. પ્લોટની ફાળવણીમાં હવે અરજી કરતાં ઓફર કરાયેલો ભાવ મહત્ત્વનો બનશે. મેયરની સૂચના બાદ તંત્ર આ નવી પદ્ધતિનો કેટલો અસરકારક અમલ કરે છે તેના પર વેપારીઓની નજર રહેશે.
લાગતા વળગતાઓને જગ્યા ફાળવવાની ફરિયાદોનો પડઘો
રાજકોટઃ મનપાના કિંમતી ટી.પી. પ્લોટ સીઝનલ ધંધા માટે ફાળવવાની પ્રક્રિયામાં કેટલાક કિસ્સાઓમાં લાગતા-વળગતાઓને પ્રાધાન્ય અપાતું હોવાની ફરિયાદો મેયર સુધી પહોંચી હતી. માત્ર અરજીના આધારે જગ્યા ફાળવવાની પદ્ધતિ સામે સવાલો ઉઠતાં મેયરે હવે સ્પર્ધાત્મક ભાવથી જ જગ્યા ફાળવવા તંત્રને સૂચના આપી છે.
મનપાની આવક વધશે, ફાળવણીમાં પારદર્શકતા આવશે
રાજકોટઃ મેયરની આ સૂચનાના અમલથી મનપાની કિંમતી જમીનો હંગામી ધંધા માટે ઓછી રકમમાં ફાળવાઈ જતી હોવાની શકયતાઓ ઘટશે અને સ્પર્ધાત્મક ભાવ મળવાથી મહાનગરપાલિકાની આવકમાં પણ વધારો થઈ શકશે. ખાસ કરીને એક જ પ્લોટ માટે અનેક વેપારીઓની માંગ હોય ત્યારે હરાજીથી વધુ આવક મેળવવાનો માર્ગ ખુલશે.
(3:44 PM IST)










